વીરપુરની હોટલમાં ચાલતા કૂટણખાના ઉપર દરોડા

જેતપુર, યાત્રાધામ વીરપુર જલારામ ગામે આવેલી એક હોટલમાં મેનેજર તેમજ દલાલ બહારથી રૂપલલનાઓ લાવી ગ્રાહકો બોલાવી તેની પાસે દેહવ્યાપાર કરાવતા હોવાની બાતમીને આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી રેઇડ કરતા એક નેપાળી યુવતી તેમજ દારૂની સાત બોટલ મળી આવતા મેનેજર તેમજ દલાલ ને પકડી પાડયો હતો. હોટલ સાગરનો મેનેજર પ્રતીક શાંતિલાલ પટેલ બહારથી રૂપલલનાઓ લાવી દેહવ્યાપારનો ધંધો કરતો હોવાની ગોંડલ મહિલા પોલીસને મળેલ બાતમીને આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એએસપીની દેખરેખ હેઠળ એક ડમી ગ્રાહક ઉભો કરી તેને હોટલમાં મોકલતા દેહવ્યાપારની બાતમી ખરી હોવાનું ડમી ગ્રાહકે હોટલ બહાર ઉભેલ પોલીસને સાંકેતિક ઈશારો કરતા પોલીસની ટીમ હોટલમાં ઘુસી ગઈ હતી.
હોટલની ઓફિસમાં તપાસ કરતા જુદીજુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા ૫૦૧૦ મળી આવી હતી. ત્યારબાદ રૂમની તલાશી લેતા તેમાંથી ડમી ગ્રાહક અને એક યુવતી મળી આવ્યા હતા. જે યુવતીને પોલીસે તેનું નામ સરનામું પુછતાં તેણી નેપાળની રહેવાસી હોવાનું અને અહીં હોટલમાં પ્રતીકભાઈ શાંતિલાલ પટેલ (રહે વીરપુર) દ્વારા દલાલ અજય માધવભાઈ ભટ્ટી (રહે. ફૂલવાડી જેતપુર) મારફતે જુદાજુદા ગ્રાહકોને બહારથી બોલાવીને પોતાની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતો જેમાંથી તેનો અને હોટલ મેનેજર અને પોતાને બંનેને અડધા અડધા રૂપિયા ભાગે મળતા હતા.પોલીસે હોટલ મેનેજર તેમજ દલાલ સામે ઇમમોરલ ટ્રાફીક પ્રીવેન્સન એકટ હેઠળ તેમજ પ્રોહીબિશન હેઠળ ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
