સિમેન્ટ પેચ તૂટી જતાં નારાણપર ગામમાં અને રાહદારીઓમાં નારાજી પ્રસરી

કેરા કોરોના લોકડાઉન પહેલાં બની ચૂકેલા સિમેન્ટ પેચ તૂટી જતાં નારાણપર ગામમાં અને રાહદારીઓમાં નારાજી પ્રસરી છે. લોકો આવું કાર્ય હરગિજ નહીં ચલાવાય તેવો આક્રોશ વ્યકત કર્યો હતો, જ્યારે તંત્રે ઠેકેદાર પર ઠીકરું ફોડયું છે. દસ માસ પહેલાં ધારાસભ્ય નીમાબેન આચાર્યે જાગૃતિ બતાવી નારાણપર-કેરાને મુંદરા બંદર સાથે જોડતો જિલ્લા માર્ગ આઠ કરોડના ખર્ચે પહોળો કરવાનું કાર્ય શરૂ કરાવ્યું હતું. ત્યારે આ આંતરધોરીમાર્ગ બનશે તેવી આશા હતી, બજેટ પણ મજબૂત હતું, પરંતુ આ મજબૂતીને કોણ ખાઈ ગયું ? તેવું આશ્ચર્ય તો ત્યારે થયું કે નારાણપર ગામ અને ગૌશાળા પાસેની આંટી પાસે સિમેન્ટના બે પેચ બેસી ગયા અને સળિયા દેખાયા..
આઠ કરોડનું કામ આઠ માસમાં તૂટી જતાં સરપંચ હંસાબેન અશોક ભુડિયાએ કચ્છમિત્રને’ કહ્યું કે, ગામ આવું નબળું કામ હરગિજ નહીં ચલાવે. લોકો ઉશ્કેરાય તે પહેલાં કામ સુધારવા તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ સંબંધે કચ્છમિત્રે જવાબદાર અધિકારીને પૂછતાં તેમણે ઠેકદાર પર ઠીકરું ફોડયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંદરા બંદરીય પરિવહન અને જખૌના ઓવરલોડ મીઠાના ખટારા અહીંથી દિન-રાત ધમધમે છે.’કોરોનાની આડમાં કાચા કામ…!?’ હાલ સરકારી કામ પૂરા કરવા મંજૂરી અપાઈ છે, લોકો-તંત્ર બેધ્યાન છે. વાતાવરણ જુદું છે. આ તકનો લાભ લેવાની ચડસ ઉપડી હોય તેમ અમુક ઠેકેદાર સરકારી કામમાં `ડાંઠા’ દેતા હોવાની રાડ ઊઠી છે. આ તો માત્ર ઉદાહરણ છે, બાકી રસ્તા, ગટર બધે આ હાલત છે.’
રીપોર્ટ : કૌશિક રોશીયા
