સુરતના શહેરીજનોની ઘરઆંગણે આરોગ્ય સુખાકારી માટે ૧૦૫ જેટલાં ધન્વંતરિ રથ શરૂ કરાયા છે

Spread the love
  • ધન્વંતરિ રથ દ્વારા શહેરની તમામ વસ્તીને આરોગ્ય તપાસ હેઠળ આવરી લેવાશે
  • રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની ૩૭ ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ. કરી ૨,૦૦૦થી પણ વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે:
  • આયુષ મંત્રાલયના નિર્દેશ અનુસાર શહેરમાં કતારગામ વિસ્તારથી સુરતનું સૌથી મોટું ઉકાળા વિતરણ અભિયાન શરૂ કરવામાં આવશે: મેયર ડો. જગદીશ પટેલ
  • તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો હોય તો તાત્કાલિક ૨૪ કલાક કાર્યરત ૧૦૪ ફિવર હેલ્પલાઇન પર જાણ કરવા સુરતના મેયર ડો. જગદીશ પટેલની શહેરીજનોને અપીલ

સુરત,
સુરતને કોરોનામુક્ત બનાવવા અને કોરોના સામેની લડાઈને વધુ વ્યાપક બનાવવા માટે રાજ્ય સરકાર અને પાલિકા દ્વારા શહેરની ૩૭ જેટલી ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ૨,૦૦૦ થી પણ વધુ બેડની વ્યવસ્થા કરાઈ છે હોવાની વિગતો પત્રકાર પરિષદમાં મેયરશ્રી જગદીશ પટેલે આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, ડે. મેયરશ્રી નિરવ શાહ, સ્થાયી ચેરમેન અનિલ ગોપલાણી ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના વાયરસના સંક્રમણને ડામવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિસ્તૃત વિગતો મેયરશ્રી પટેલે કહ્યું કે, શહેરીજનોની આરોગ્ય અને સુખાકારી જળવાય રહે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ ઉપરાંત આગોતરા આયોજનના ભાગરૂપે શહેરની ૩૭ જેટલી હોસ્પિટલો સાથે એમઓયુ કરીને કોર્પોરેશન દ્વારા રિફર કરાયેલાં જનરલ વોર્ડ માટેના દર્દીઓનો સંપૂર્ણ સારવાર ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા વહન કરશે. આગામી દિવસોમાં જરૂર પડ્યે ૫,૦૦૦ જેટલા બેડની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સુરતમાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય તંત્ર ખડે પગે છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા વધુ સઘન અને અસરકારક આરોગ્ય વ્યવસ્થા દ્વારા કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શહેરમાં ૧૦૫ જેટલાં ધન્વંતરિ રથ ‘અર્લી ટ્રીટમેન્ટ એટ યોર ડોર સ્ટેપ’ ના ધ્યેય સાથે શરૂ કરાયા છે, જેમાં નોર્મલ તાવ, શરદી, ઉધરસ જેવા સામાન્ય પ્રાથમિક લક્ષણો ધરાવતા શહેરીજનો ઘરઆંગણે નિદાન અને પ્રાથમિક સારવાર મેળવી શકશે. ધન્વંતરિ રથ દ્વારા શહેરની તમામ વસ્તીને આરોગ્ય તપાસ હેઠળ તબક્કાવાર આવરી લેવાશે.મેયરશ્રીએ વધુમાં જણાવ્યું કે, ઘણાં કેસોમાં શહેરીજનો દ્વારા હોસ્પિટલમાં દાખલ થવાના ડરના કારણે સામાન્ય લક્ષણો જેવા કે, શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો હોવા છતાં ગંભીરતા દાખવતાં નથી અને તેમની બિમારી છુપાવી આરોગ્ય તંત્રને જાણ કર્યા સિવાય ઘરગથ્થુ ઉપચારો કરતા હોય છે. ઘરે જ પ્રિસ્ક્રાઈબ્ડ ન હોય તેવી દવાઓનું સેવન કરવાના પરિણામે માઈલ્ડ કે મોડરેટ સ્ટેજ પાર કરી ગયું હોય છે, અને દર્દીનું સ્વાસ્થ્ય જોખમાય છે અને ક્રિટીકલ સ્ટેજમાં સારવાર કરવી મુશ્કેલ બનતી હોવાથી શ્રી પટેલે શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું કે, આ પ્રકારના લક્ષણો જણાતા હોય તો તાત્કાલિક ૨૪ કલાક કાર્યરત ૧૦૪ ફિવર હેલ્પલાઇન પર જાણ કરે અથવા નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે પહોંચે. ૧૦૪ હેલ્પલાઇન પર કોલ કરનારનો કોર્પોરેશનની આરોગ્ય ટીમ સંપર્ક કરી તેના ઘરે આવી પ્રાથમિક તપાસ કરશે અને જરૂરી જણાશે તો વધુ સારવાર અર્થે સિવિલમાં રિફર કરાશે.

શ્રી પટેલે કહ્યું કે, શહેરની આરોગ્ય સુવિધાને વ્યાપક સ્તરે લઈ જવા માટે ઘરે રહી કોરોના દર્દી સારવાર લઈ શકે તેવી ‘કોરોના કેર એટ હોમ’ સુવિધા ઊભી કરાઈ છે, જો દર્દી પાસે કેર ટેકરના રૂપમાં પરિવારનો એક સભ્ય અને ફેમિલી ડૉકટરનું મોનિટરીંગ ઉપલબ્ધ હોય તો તેમના ઘરે જ સારવાર થઈ શકે છે. હાલ ૮૦ જેટલા દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ ‘કોરોના કેર એટ હોમ’ હેઠળ ઘરે રહીને સારવાર મેળવી રહ્યા છે. કતારગામ વિસ્તારમાં દિનપ્રતિદિન વધી રહેલા સંક્રમણને નાથવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આયુષ મંત્રાલયના નિર્દેશ અનુસાર શહેરમાં કતારગામ વિસ્તારથી સુરતનું સૌથી મોટું ઉકાળા વિતરણ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ કતારગામની સાથોસાથ શહેરના દરેક ઝોનમાં ઉકાળાનું સેવન કરાવવામાં આવશે. જેમાં તેઓએ સેવાભાવી સામાજિક સંસ્થાઓને પણ વધુમાં વધુ લોકોને ઉકાળાનું સેવન કરાવી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહભાગી બનવાનું આહ્વાન કર્યું હતું. મેયરશ્રીએ જણાવ્યું કે, શહેરમાં શહેરીજનોને આરોગ્ય જાળવણી માટે આઈ.સી.એમ.આર. અને રાજ્ય સરકારના મદદ અને માર્ગદર્શનથી કોરોના સંક્રમિત વિસ્તારોનું આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ પણ અને ડોર ટુ ડોર સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સંક્રમિત વિસ્તારો તેમજ ડાયમંડ અને ટેક્ષટાઈલ જેવા વ્યવસાયિક ક્ષેત્રોમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ઉદ્યોગકારો સાથે બેઠકો યોજી નિવારાત્મક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ઘણા ટેક્ષટાઇલ અને ડાયમંડ યુનિટોમાં એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, ટેમ્પરેચર ગન, પ્લસ ઓક્સિમીટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે પ્રશંસનીય પગલું છે એમ તેમણે ઉમેર્યું હતું.

Right Click Disabled!