સૌએ વૃક્ષ જતનને નૈતિક જવાબદારીરૂપે સ્વિકારવું પડશે : શ્રી દિલીપ ઠાકોર

સૌએ વૃક્ષ જતનને નૈતિક જવાબદારીરૂપે સ્વિકારવું પડશે : શ્રી દિલીપ ઠાકોર
Spread the love
  • કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને અને સાંસદશ્રી ભરતસિંહજી ડાભીની ઉપસ્થિતિમાં હારીજ આઈ.ટી.આઈ. ખાતે જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ સંપન્ન

પાટણ જિલ્લાના હારીજ મુકામે શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ૭૧મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. હારીજ આઈ.ટી.આઈ. ખાતે યોજાયેલા વન મહોત્સવમાં સાંસદશ્રી ભરતસિંહજી ડાભી તથા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, મનુષ્ય પોતાના જીવનકાળ દરમ્યાન ચાર વૃક્ષો જેટલો ઓક્સિજન ગ્રહણ કરે છે જેની ભરપાઈ માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા ચાર વૃક્ષો વાવવા જોઈએ. સાથે જ આધુનિક યુગમાં પરિવર્તન સાથે ફેલાયેલા પ્રદુષણથી પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે ત્યારે દરેક વાહનની ખરીદી વખતે પણ વૃક્ષો વાવી વાતાવરણને સંતુલિત કરવા પ્રયત્ન કરવો જોઈએ.

વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું કે, હાલ દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવી રહેલા અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વન મહોત્સવને નવીન સ્વરૂપ આપ્યું. તેમણે શરૂ કરેલી પરંપરાને અનુસરીને આજે ૧૭ જેટલા વન રાજ્યભરમાં ઉછેરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના પ્રયત્નો થકી વનસંપદામાં વૃદ્ધિ થઈ રહી છે. સરકારશ્રી દ્વારા વન મહોત્સવ અને સામાજીક વનીકરણ યોજનાઓ થકી વૃક્ષોનું વાવેતર કરવા નિઃશુલ્ક રોપા વિતરણ અને પુરક માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે લોકોએ વધુને વધુ વૃક્ષો વાવી તેના જતનની જવાબદારી સ્વિકારવી પડશે. પાટણ લોકસભા મતવિસ્તારના સંસદ સભ્યશ્રી ભરતસિંહજી ડાભીએ જણાવ્યું કે, વૃક્ષો માનવજાતના પરમ હિતૈશી અને સ્વજન સમાન છે. પ્રાયવાયુ સહિત અનેક લાભ આપતા વૃક્ષોના વાવેતર અને સંવર્ધન થકી આપણે સૌએ પ્રકૃતિનું ઋણ અદા કરવાનું છે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, સાંસદશ્રી ભરતસિંહજી ડાભી, જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ તેમજ મહાનુભાવો દ્વારા હારીજ આઈ.ટી.આઈ.ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે મહાનુભાવો દ્વારા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં રોપા વિતરણ કરવા માટે પાંચ જેટલા વૃક્ષ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. કાર્યક્રમના સ્થળ પર વન વિભાગ દ્વારા રોપા વિતરણ માટે સ્ટૉલ ઉભા કરવામાં આવ્યા હતા જેનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ આઈ.ટી.આઈ. સંકુલના પ્રવેશદ્વાર પર થર્મલ ગનથી ચેકીંગ, સેનેટાઈઝેશન તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત લોકોમાં સામાજીક અંતર જળવાય તે માટે જરૂરી બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. નાયબ વન સંરક્ષકશ્રી જે.એસ.રાજપુતએ સ્વાગત પ્રવચન કરી પાટણ જિલ્લામાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, સંગઠનના હોદ્દોદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, રાજ્ય વન સંરક્ષકશ્રી એસ.જે.પંડિત, પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, પ્રાંત અધિકારીશ્રી અમિત પરમાર સહિતના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ તથા પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જય આચાર્ય

IMG-20200807-WA0439-2.jpg IMG-20200807-WA0442-1.jpg IMG-20200807-WA0441-0.jpg

Right Click Disabled!