સૌરાષ્ટ્ર – કચ્છના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદ : સૌની યોજના

Spread the love

સુરેન્દ્રનગર,
સમગ્ર વિશ્વ ૨૨ માર્ચની ‘‘જળ દિવસ’’ તરીકે ઉજવણી કરી રહ્યુ છે, ત્યારે ગુજરાતને પાણીદાર બનાવવા માટે સરકારે હાથ ધરેલી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના સુકા વિસ્તારોમાં આરંભાયેલી જળક્રાંતિની વાત કરવી છે.

‘‘જળ એ જ જીવન‘‘ એ સુત્રને રાજય સરકારે ખરા અર્થમાં સૌની યોજના દ્વારા સાર્થક કરી બતાવ્યુ છે સૌરાષ્ટ્ર અને કચ્છની સુકી ધરા પર સૌની યોજના થકી મા નર્મદાના નીર પહોચાડી રાજય સરકારે એક ભગીરથ કાર્ય કર્યુ છે. ગુજરાતના વિકાસમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનું પ્રદાન આપણે જાણીએ છીએ એક સમય એવો હતો કે ગુજરાતના ધરતીપુત્રો આકાશી ખેતી પર એટલે કે વરસાદી પાણી ઉપર જ નિર્ભર હતા. જે આજે હવે બારે માસ મોસમી પાક લેતા થયા છે. એના ફળ આપણી નજર સામે છે આજે ગુજરાતનો કૃષિ વિકાસ સતત વધી રહ્યો છે.

ગુજરાતમાં ખાસ કરીને નર્મદાના નીર સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા કુલ ૧૧૨૬ કી.મી. લંબાઇની ચાર પાઇપ લાઇન લીંક દ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના ૧૧૫ જળાશયો સુધી પહોંચાડવાનું યજ્ઞકાર્ય આરંભાયુ છે. આ માટે સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી પાણી લીફ્ટીંગ કરી ધોળી ધજા ડેમ ખાતે પહોંચાડવામાં આવે છે આ ધોળી ધજા ડેમ થી ચાર લીંક દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાઇપલાઇન મારફતે પાણી પહોચાડવામા આવી રહ્યું છે.

સૌની યોજનાની લીન્ક- ૧ મોરબી જિલ્લાના મચ્છુ-ર થી જામનગર જિલ્લાના સાની ડેમ સુધીની લીન્ક. ૧૨૦૦ કયુસેકની વહન ક્ષમતા ધરાવતી આ લીન્ક દ્વારા રાજકોટ, મોરબી, દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કુલ-૩૦ જળાશયોમાં પાણી પહોચાડવાનું આયોજન છે, જે દ્વારા આશરે ૧,૮૦,૫૧૫ એકર વિસ્તારમાં સિંચાઇનો લાભ મળશે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-૨ ડેમ થી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધીની ૧૦૫૦ કયુસેક વહન ક્ષમતા ધરાવતી લીંક – ૨ દ્વારા ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ-૧૮ જળાશયોમાં પાણી પહોચાડવાનું આયોજન છે, જેનાથી આશરે ૨,૧૨,૨૮૪ એકર વિસ્તારમાં સિંચાઇનો લાભ થશે.

આ ઉપરાંત લીન્ક- ૩ સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમથી રાજકોટ જિલ્લાના વેણુ-૧ સુધી લંબાયેલી છે. ૧૨૦૦ કયુસેક વહન ક્ષમતા ધરાવતી આ લીન્ક દ્વારા રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભુમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ-૩૧ જળાશયોમાં પાણી પહોચાડવાનું આયોજન છે, જેનાથી આશરે ૨,૦૭,૫૬૦ એકર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે.
જ્યારે લીન્ક- ૪ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-ર ડેમથી જૂનાગઢ જિલ્લાના હીરણ-ર સિંચાઇ યોજના સુધીની લીન્ક થકી રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ-૩૬ જળાશયોમાં પાણી પહોચાડવાનું આયોજન છે, જેનાથી આશરે ૨,૨૪,૫૧૨ એકર વિસ્તારને સિંચાઇનો લાભ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સૌની યોજના દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં સમગ્ર સૌરાષ્ટ્રમાં લીન્ક- ૧ દ્વારા ૧૦ જળાશયો, લીંન્ક –૨ દ્વારા ૧૩ જળાશયો, લીંન્ક – ૩ દ્વારા ૮ જળાશયો અને લીંન્ક – ૪ દ્વારા ૩ જળાશયો મળીને કુલ ૩૪ જેટલા જળાશયોને નર્મદાના નીરથી ભરવામાં આવ્યા હતા.
સૌની યોજનાના ભગીરથ કાર્ય થકી પંડિત દિનદયાળ ઉપાધ્યાયના ‘‘હર ખેત કો પાની’’ નું સપનું રાજય સરકાર સાકાર કરી રહી છે. આ યોજના દ્વારા સૌરાષ્ટ્રની નાની મોટી ૮૭ જેટલી નદીઓ સાથે આંતરજોડાણ કરી છેવાડાના માનવીની તરસ છીપાવવાની સાથે અંદાજે ૧૦ લાખ એકર વિસ્તારમાં જળસંચયનું કાર્ય થઈ રહ્યું છે. જેના પરિણામે આ યોજના સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરુપ સાબીત થઇ છે.
રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડી રહી છે, ત્યારે આપણે પણ આપણા શરીરમાંથી વહી જતા લોહી માટે જેટલી કાળજી રાખીએ છીએ એટલી જ કાળજી આપણે પાણી માટે પણ રાખવી પડશે જ. પાણીનો સદઉપયોગ અને જાળવણી એ આજના સમયની માંગ છે. માટે આવો આપણે પણ વિશ્વ જળ દિવસની ઉજવણીમાં જળસંચયના કાર્ય માટે સંકલ્પબધ્ધ બની અને રાજય સરકારના આ જળ અભિયાનમાં ભાગીદાર બનીએ.

Right Click Disabled!