40 થી 50 લાખ ભણેલા-ગણેલા બેકાર છે : શંકરસિંહ વાઘેલા

40 થી 50 લાખ ભણેલા-ગણેલા બેકાર છે : શંકરસિંહ વાઘેલા
Spread the love

ગુજરાતમાં એક તરફ બીજેપી સરકાર દ્વારા ૮૦૦૦ નોકરીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ બેરોજગાર યુવાન યુવતીઓએ સરકારી નોકરી મેળવવા માટે ગાંધીનગર ખાતે પ્રતીક ધરણાં કરીને તેમની ભરતી કરવા અવાજ બુલંદ કર્યો હતો. પ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ, વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી હતી અને પ્રાથમિક પરીક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો હતો પરંતુ અન્ય તબક્કા બાકી હતા તેવી ૮૦૦૦ જગ્યાઓ માટે બાકી રહેતી પ્રક્રિયા સત્વરે પૂરી કરીને તાત્કાલિક નિમણૂક પત્રો આપવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત સરકારની નોકરીઓમાં ભરતી માટે જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ-સામાન્ય વહીવટ વિભાગ, શિક્ષણ વિભાગની બેઠકમાં આદેશો આપ્યા છે. આ બેઠકમાં નિર્ણય કરાયો છે કે ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી પરંતુ પરિણામની જાહેરાત થવાની બાકી હતી તેવી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂરી કરવામાં આવશે. આગામી પાંચ મહિનામાં ૨૦,૦૦૦થી વધુ યુવાઓને સરકારી નોકરીની તક મળતી થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.

ગુજરાતમાં બીજેપીની વિજય રૂપાણી સરકારે ભરતીની જાહેરાત કરી છે. બીજી તરફ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાના ગાંધીનગરમાં આવેલા બંગલા પાસે નોકરીવાંચ્છુ બેરોજગારોએ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના નેજા હેઠળ પ્રતીક ધરણાં કર્યાં હતા અને પાંચ વર્ષથી પેન્ડિંગ ભરતી કરવા માગણી કરી હતી.શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્ય દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે બેરોજગાર યુવાન યુવતીઓએ પ્રતીક ધરણા યોજ્યાં છે ગુજરાત સરકાર પાસે વર્ષ ૨૦૧૫, ૧૬ અને ૧૭ના નિમણૂક ઓર્ડર અમે માગી રહ્યા છીએ.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ બેરોજગાર યુવાઓના પ્રતીક ધરણાં મુદ્દે પત્રકારોને કહ્યું હતું કે યુવાનોએ ગુજરાત સરકારની સામે બાથ ભીડી છે તેમને હું દાદ આપું છું. આ ભણેલા-ગણેલા ભાઈ બહેનોનો વિરોધ સાંભળવો નથી. આ વિરોધ પેટના ખાડા માટે છે. તેમની માગણી શું છે તે જાણીને સાચા અર્થમાં આ ભણેલાગણેલા છોકરાઓ સાથે સરકાર મા–બાપની ભૂમિકા ભજવે અને વાત કરે ગુજરાતમાં ૪૦થી ૫૦ લાખ ભણેલા-ગણેલા બેકાર છે.

shankarsinh_vaghela_0609_d.jpg

Right Click Disabled!