માંગરોળના ઓગણીસા ગામના 40 પરિવારોને એક દાયકા પછી પણ જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી…!

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરવપરાશના વિજજોડાણ ધરાવનારાઓને સતત ૨૪ કલાક વીજપુરવઠો મળી રહે એ માટે જ્યોતિ ગ્રામ યોજના સરકાર તરફથી અમલમાં મૂકી હતી.અને ત્યારબાદ રાજ્યભરના ઘરવપરાશના વીજ જોડાણ ધરાવતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળતો થઈ ગયો હતો. પરંતુ આજે એક દાયકા કરતા વધુ સમય આ યોજનાની જાહેરાતને થયો છે.છતાં માંગરોળ તાલુકાનું ઓગણીસા ગામ કે જે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે.આ ગામના ૪૦ જેટલા પરિવારો આજે પણ આ યોજનાથી વચિત રહ્યા છે. જ્યારે જાહેરાત કરાઈ ત્યારપછી આ પરિવારો જે વિસ્તારમાં રહે છે.એ વિસ્તારમાંથી પસાર થતી LT વીજ લાઇનને ખેતીવિષયક વીજ લાઈનમાં ફેરવી કરાતાં હાલમાં આ પરિવારોને માત્ર આંઠ કલાક જ વીજપુરવઠો મળે છે.અને તે પણ ગમે તે સમયે મળે છે.
અગાઉ DGVCL કચેરી, માંગરોળ ને પણ રજુઆત કરાતાં તે સમયે આ રહીશો પાસે ઘરદીઠ ૫૦૦-૫૦૦ રૂપિયા ભરાવ્યાં હતા છતાં આ પ્રશ્ન હલ થયો નથી.આખરે આજે તારીખ ૨૧ ના ગ્રામવાસીઓએ તાલુકા કોગ્રેસના સથવારે, DGVCL માંગરોળ,કચેરીનાં નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી.નયન એચ. ચૌધરીને ઉપરોક્ત વિગતોવાળું આવેદનપત્ર આપી આ પ્રશ્ન હલ કરવા માંગ કરી છે.જો કે કાર્યપાલક ઈજનેર શક્ય એટલા ટૂંકા સમયમાં આ પ્રશ્ન હલ કરી દેવાની ખાત્રી આપી છે. આ પ્રસંગે તાલુકા કોગ્રેસના પ્રમુખ શામજીભાઈ ચૌધરી, માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, શાબુંદીન મલેક, રૂપસિંગ ગામીત,પ્રકાશ ગામીત , સંતોષ મેસુરીયા સહિત મોટીસંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
