જામનગર મેયર-નગરસેવિકા સહિત વધુ 94 સંક્રમિત, 12 મોત

Spread the love
  • ભયાનક કહી શકાય એ હદે સંક્રમણ બેકાબૂ બન્યું
  • શહેર-જિલ્લામાં ૧૧૪ દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા : ૨૩૮ એક્ટિવ કેસ
  • મૃત્યુદર ઘટવાનું નામ ન લેતા સ્મશાન મોડી રાત્રિ સુધી ખુલ્લું રાખવાની ફરજ પડી

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના કાળોકેર વર્તાવતા વધુ ૧૨ સંક્રમિત દર્દીઓના મોત નિપજ્યા છે. બીજી બાજુ શહેરના પ્રથમ નાગરિક મેયર અને નગરસેવિકા સહિત વધુ ૯૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાનો મૃત્યુદર ઘટવાનું નામ ન લેતા સ્મશાન મોડી રાત્રી સુધી ખુલ્લું રાખવાની ફરજ પડી રહી છે. શહેર-જિલ્લામાં ૧૧૪ દર્દી કોરોનાને મહાત આપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

  • મેયર હસમુખ જેઠવા અને નગરસેવિકા મિતલબેન ફળદુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાના અજગરી ભરડામાં કારણે મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં મંગળવારે રાત્રીથી બુધવારે સાંજ સુધીમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત ૧૨ દર્દીના મોત નિપજ્યા છે. બીજી બાજુ બુધવારે એક જ દિવસમાં કોરોનાના વધુ ૯૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના ૮૪ અને ગ્રામ્ય વિસ્તારના ૧૦ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં કોરોનાએ માઝા મૂકતા બુધવારે શહેરના પ્રથમ નાગરિક મેયર હસમુખ જેઠવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા હતા.

જયારે નગરસેવિકા મીતલબેન ફળદુનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસના સમયગાળા દરમિયાન કોરોનાના કારણે મૃતકોની સંખ્યામાં વધારો થતાં આદર્શ સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાહ દેવા માટે કતારો લાગી હતી, અને ત્રણેય દિવસ દરમિયાન મોડી રાત્રી સુધી વિદ્યુત સ્મશાન ચાલુ રાખવામાં આવ્યું હતું. કોરોનાના પોઝિટિવ કેસ વચ્ચે જી. જી. હોસ્પિટલમાં દર્દીઓનો રિકવરી રેટ જળવાઈ રહ્યો છે. બુધવારે જી. જી. હોસ્પિટલમાં ૧૦૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ દર્દી મહામારીને મહાત આપતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!