ભરૂચમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત સાયન્સ કાર્નિવલ – ૨૦૨૦ ની થયેલી ઉજવણી

ભરૂચમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત સાયન્સ કાર્નિવલ – ૨૦૨૦ ની થયેલી ઉજવણી

ભરૂચ,
સાયન્સ કાર્નિવલ – ૨૦૨૦ માં ૪૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓએ ૧૦૦ થી વધુ કૃતિઓ રજૂ કરી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ) ગાંધીનગર સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ડીએસસી ભરૂચમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત સાયન્સ કાર્નિવલ – ૨૦૨૦ ની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રસિધ્ધ ભારતીય વૈજ્ઞાનિક ડૉ. સી.વી.રામને કરેલી રામન અસરની શોધના દિવસને સમગ્ર દેશમાં વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સાયન્સ કાર્નિવલ – ૨૦૨૦ નું ઉદઘાટન કરતાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકો એ ગળથુંથીમાંથી જ બનતા હોય છે એમને બનાવવા પડતાં નથી. આવા કાર્યક્રમો બાળકોની વિશિષ્ટ શક્તિઓ ખીલવવાનું કામ કરે છે. નાના નાના ઈનોવેશન ખુબ આગળ સુધી લઈ જશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ભરૂચના પ્રથમ વર્ષ બી.એડ.ના તાલીમાર્થીઓએ તૈયાર કરેલ હસ્તલિખિત અંક “અવકાશની સફરે – ઈસરોને સંગ” નું અનાવરણ પણ કર્યું હતું. તેમણે ઈસરોની દરેકે દરેક મિશન આ અંકમાં વર્ણવી લીધેલ છે. જે ખરેખર અભિનંદનને પાત્ર છે.
અતિથિ વિશેષ તરીકે વિહિતા કેમ્પ પ્રા. લિ. ના એમ.ડી./સી.ઈ.ઓ. શ્રી વિત્તલ પટેલ અને સોલેનીસ કેમિકલ ઈન્ડિયા પ્રા. લિ. ના એચ.આર. મેનેજરશ્રી સંજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસ્તુત કાર્નિવાલમાં વિદ્યાર્થીઓને લગતાં વિવિધ આકર્ષણો ઉપરાંત ભરૂચ શહેરની સત્યમ બી.એડ. કોલેજો અને મુનશી મહિલા બી.એડ. કોલેજને પણ આવરી લેવામાં આવી હતી. પ્રારંભમાં ડી.એસ.સી.ના ચેરમેન કિર્તિબેને સ્વાગત પ્રવચન કરતાં લોક વિજ્ઞાનકેન્દ્રની માહિતી આપી હતી. તેમણે સમાજમાં પ્રવર્તતા અંધશ્રધ્ધા, વહેમ કે કુરીવાજો વિગેરે પ્રત્યે લોક જાગૃત્તિ કેળવવા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. સાયન્સ કાર્નિવલ – ૨૦૨૦ ના ઉદઘાટન સમારંભ રાસાયણિક પ્રક્રિયા વડે દીપ પ્રજવલન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષશ્રી દિનેશભાઈ પંડ્યા, ભરૂચ જિલ્લા શાળા સંચાલકના મંત્રીશ્રી શબ્બીરભાઈ, જાણીતા ખગોળશાસ્ત્રી શ્રી અરવિંદભાઈ પંચાલ, નગર પ્રાથમિક સમિતિના અધ્યક્ષ ઈન્દિરાબેન રાજ, સામાજિક આગેવાન રશ્મિકાંત પંડ્યા, પર્યાવરણવાદી શ્રી યોગેશભાઈ, સોલેનીશના દેવેન્દ્રભાઈ, હેમંતભાઈ, શ્રીમતિ પલ્લવીબેન ઉપસ્થિત રહ્યા હતા.
સમાપન સમારંભ પ્રસંગે મુખ્યમહેમાન તરીકે નગર પાલિકાના પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલા ઉપસ્થિત રહ્યા હતા.
સાયન્સ કાર્નિવલ – ૨૦૨૦ માં ૪૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓએ ૧૦૦ થી વધુ કૃતિઓ રજૂ કરી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કાર્નિવલનું આયોજન ચેરમેનશ્રી કિર્તિબેન જોષી, ડીસ્ટ્રીક્ટ કો.ઓનેટર શ્રીમતિ કેશાબેન પ્રજાપતિએ કર્યુ હતું જ્યારે કાર્નિવલનું સંચાલન પ્રાધ્યાપકશ્રી નિલેશ ઉપાધ્યાય અને બી.એડ તાલીમાર્થી રોશનીબેન અને આમીરાબેને કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!