દિવ્ય ભાસ્કરના રિપોર્ટર સાથે પોલીસની દાદાગીરી, લાકડી ઉગામી
- અમદાવાદમાં લોકડાઉન કવરેજ કરવા ગયેલા પત્રકારો પર પોલીસનો લાઠીચાર્જ
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઇરસના વધતાં કેસોને લઈ સમગ્ર રાજ્યમાં રાતે 12 વાગ્યાથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, છાશ, જીવન જરૂરીયાત સહિતની ચીજ વસ્તુઓ લેવા જવા છુટ આપવામા આવી છે જો કે અમદાવાદ પોલીસ જાણે કરફ્યુ હોય અને બહાર નીકળવાની પરમિશન ન હોય તેમ હવે લોકોને મારવા પર ઉતરી આવી છે. લોકોને પૂછ્યા વગર જ લાઠીચાર્જ કરવાનું શરૂ કરી દીધું છે.
લોકડાઉનની પરિસ્થિતિમાં પોલીસ કામગીરી કરી
ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્નેહપ્લાઝા ચાર રસ્તા પાસે પીઆઈ બી.કે ગમાર, પીએસઆઇ કમલ પટેલ સહિત ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મારામારી પર ઊતરી આવ્યો છે. જે પણ વ્યક્તિ વાહન પર જતો દેખાય તેને રોકી અને પૂછ્યા વગર જ એક લાકડી પહેલા મારી દે છે. ચાંદખેડા નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા હિરેન રાઠોડ નામનો વ્યક્તિ દૂધ લેવા માટે એકલો નીકળ્યો હતો.
જો કે તેને દૂધ ન મળતા તે ઘર તરફ પરત ફરતો હતો. સ્નેહપ્લાઝા પાસે પીએસઆઈ કમલ પટેલ (કે.આર.પટેલ)એ તેને પૂછ્યા વગર જ લાઠી મારી દીધી હતી. લોકડાઉનની પરિસ્થિતિમાં પોલીસ કામગીરી કરી અને લોકોને સમજાવી ઘરે જવા કહી રહી છે અને બહાર ન નીકળવા કહે છે તેવી રીતે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલે પત્રકારને લાકડી મારી
પોલીસની કામગીરી અંગે કવરેજ કરવા ગયો અને હવે ઘરે જાઉં છું મારી પાસે આઈકાર્ડ છે તેવું કહેવા છતાં પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહએ ધમકી આપી હતી..એક મીડિયા તરીકે સમજાવવા જતા રોહિત પ્રજાપતી નામના પોલીસ કોન્સ્ટેબલે પત્રકારને લાઠી મારી દીધી હતી. પોલીસને સહકાર આપવા છતાં મારામારી અને લાઠીચાર્જ કરવા ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સ્ટાફને પોલીસ કમિશનર આશિષ ભાટિયા અને ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ કોઈપણ વ્યક્તિને મારવાની છૂટ આપી હોય તેમ લાઠીચાર્જ કરવામાં આવે છે.
આ મામલે ઝોન-2 ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દૂધ લેવા જવાના બહાના છે. એવું કંઈ નથી હોતું. જયારે પત્રકાર પર લાઠીચાર્જ કરવા બાબતે કહ્યું ત્યારે તેઓએ વાતને ગંભીરતાથી લીધી ન હતી અને શાંતિ રાખો તમે એવું કહી દીધું હતું. પીઆઈ ગમાર સાથે ડીસીપીએ વાત કરી ત્યારે પીઆઈ ગમારે કશું નથી કર્યું એવું કહી દીધું હતું. ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ પણ આ વાતને ગંભીરતાથી નથી લીધી.