બકાનાં ગતકડાં (લોકડાઉન-2)

બકાનાં ગતકડાં (લોકડાઉન-2)
Spread the love

બકાનાં ગતકડાં (ભાગ-6)
લોકડાઉન-2

ગઈકાલે રાત્રે આઠ વાગ્યે પ્રધાનમંત્રી એ કોરોના અંગે આખા દેશજોગ સંબોધન કર્યું. કોરોનાની ગંભીરતા એની આંકડાકીય માહિતી સાથે સમજાવી.સાવચેતીના પગલાંરૂપે આખા દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી.બકાની સોસાયટીમાં સવારમાં ઉઠતાં વેંત બદલાયેલી પરિસ્થિતિ ને કારણે નવા પ્રોબ્લેમો ચાલુ થઈ ગયાં.

પહેલાં તો ઘરમાં નવું માટલું પડ્યું છે ? એવી બે ત્રણ પૂછપરછ આવી. પછી ફોન આવ્યો :”આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે. તો ઘટ સ્થાપન માટે ઘડો ક્યાંથી લાવવો ? તારા ઘરમાં નવું માટલું પડ્યું હોય તો આપ.મહારાજને પૂજા કરવા ય કેવી રીતે બોલાવવા ?”
“સોરી ભાઈ માટલું તો રાખતાં નથી.”

“તું મારી બાને કંઈક સમજાવ. દર નવરાત્રીમાં બપોરે ભજન કરવા ભેગાં થાય એ બરાબર .પણ અત્યારે તો કોરોનામાં ઘરની બહાર નીકળવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. આમાં કરવું શું ?”

ત્યાં વળી સિનિયર સિટીઝનોના અલગ પ્રશ્ર્નો હતાં. નવરાત્રિના ઉપવાસમાં ફરાળનું શું ?રોજ દૂધ ન આવે તો ચાનું શું ?ઓફિસે રજાઓ હોવાથી ઘરે રહેલાં દીકરો-વહુ પોલીસ જેવા લાગવા માંડ્યા.”અલ્યા ભગવાનનું નામ લેવા તો જવા દો…!” કમળા કાકીએ ધમાલ કરી મૂકી.
બાળકો એમના રૂમમાં મોબાઈલ અને વીડિયો ગેમમાં વ્યસ્ત હતાં. પતિ મહાશય ઓફિસના કાગળિયા અને લેપટોપમાં બીઝી હતાં.

આખા ઘરમાં માત્ર પત્નીઓ સખત કામમાં હતી. કામવાળાને એન્ટ્રી આપવાની નથી. તો આખા ઘરની સફાઈ, કપડાં ધોવા, વાસણ ઉટકવા, રસોઈ કરવી,સુકાયેલા કપડાં લેવાં, વાળીને ખાનામાં ગોઠવવા, અને એ બધાં કરતાં ખતરનાક કામ હતું – ઘરમાં બધાને ચોવીસે કલાક એટેન્ડ કરવાં. એકની ચા બનાવવાની, બીજાની કોફી. ત્રીજાનું કેસરવાળું દૂધ. એ પતે ત્યાં નાસ્તો. એય પાછો અલગ અલગ .કપડાને સાબુ બ્રશ કરી મશીનમાં નાખો, ત્યાં રસોઈનો ટાઈમ થાય. એકને રસાવાળું શાક ને બીજાને રસા વગરનું. એકને ખીચડી ને બીજાને શીરો… એકને રોટલી તો બીજાને રોટલો. દસ બૂમો પડાવીને છોકરાં ઉપકાર કરતાં હોય એમ જમવા આવે… જમ્યા પછી વળી વાસણકુસણને રસોડાની સાફ સફાઈ !

ઘરના બધા તો એટીસથી ટીવી જોતાં હોય. હજી તો બિચારી એકધારા કામથી જરાક આડી પડે ,ત્યાં છોકરા જોડે કહેવડાવે.” મમ્મીને એમ કે’ સુવે નહીં. નહિતર શરીર વધી જશે.”અલ્યા થાક તો ઉતારવો કે નહીં ?આમાં પેલી રિસાય જ ને ?! અને પછી વોટ્સપમાં જોક આવે કે લોકડાઉનમાં ક્રાઈમ રેટ ઝીરો, અકસ્માત રેટ ઝીરો, સૌથી વધારે રેકોર્ડ બ્રેક સંખ્યામાં ઘરઘરમાં પતિ-પત્નીના ઝગડાં..!!!

“કસુ તને રોજ ઘરકામ કરવાની ટેવ નથી. તું થાકી ગઈ હોઈશ. જરાક આરામ કર.” સમજુ બકાએ પત્નીને કહ્યું.

” હા તમારી વાત સાચી પણ છોકરાંઓ જુઓને કશી મદદ કરતાં નથી. તમે તો તો ય નાની મોટી ઘણી હેલ્પ કરો છો. અને મારે તો કામ કર્યા વગર છૂટકો ક્યાં છે ? ”

” પણ મેં તને કંઈ કીધું કામ બાબતે ?તું આમ મંડી ને મંડી ના રહે કામમાં.આજથી પાછા નોરતાના ઉપવાસ છે તારે. એક કામ કર. તું અહીં બેસ રસોડામાં. મને કંપની આપ. હું તારા માટે મસ્ત કોફી બનાવું.” બકાએ કસ્તુરીના હાથમાંથી પોતું લઈ એને ખુરશીમાં બેસાડી દીધી.

કોફી બનાવતાં એણે પૂછ્યું : “કસુ તારી ફ્રેન્ડ્સ ના શું સમાચાર છે ?કામવાળી વગર ચાલે છે ને ?”

“જેને આઉટ હાઉસ સાથેનું મકાન છે એ એઝ ઇટ ઇઝ રૂટિન લાઈફમાં જીવે છે. કામવાળો ત્યાં જ રહેતો હોય. રસોઈયો પણ ક્વાર્ટર્સમાંથી આવી જાય.બસ જલસા. એટલે કેટલા બધાએ તો વરને અલ્ટીમેટમ આપી દીધું છે. નવું ઘર અપાવો અને એ પણ આઉટ હાઉસ વાળું…!”

“લે… આવી બબાલ થઈ ગઈ ?!!! ”

“આ તો કંઈ નથી. મિસિસ બોઝ તો ખતરનાક છે.એ સી.એસ. છે. એના ઘરે કામવાળો, રસોઈયો અને છોકરું સાચવવા આયા રાખેલી છે. હવે લોકડાઉનમાં તો કોઈ આવે નહીં…”

“એને તો કામ કરવું અઘરું પડી જાય. એને આવડે છે ખરું ?”

“બિલકુલ નહીં. એણે કોઈ દિવસ કામ કર્યું જ નથી. એ બહારથી ઓર્ડર કરીને પણ મગાવી ન શકે. એટલે એણે કામના વારા કર્યા.એક ટાઈમ એણે રસોઈ અને વાસણ કરવાના. બીજા ટાઈમ હસબન્ડે રસોઈ અને વાસણ કરવાનાં. કચરાપોતા એક દિવસ એ અને બીજા દિવસે હબી.

કપડાં સૌ પોતપોતાના વોશિંગ મશીનમાં જાતે ધોવે.સુકવે. જાતે ઈસ્ત્રી કરે…!!!”

બકો ખડખડાટ હસી પડ્યો “આ તો મારી બેટી બધાની ચોટલી લઈ જાય એમ છે.તું આની બેનપણી ના કરીશ ભાઈ.”

“એમાંય પાછી રાત્રે એના વરે આખા શરીરે માલિશ કરી આપવાની. કેમ ?તો કે’ બેબી અભી બ્યુટીપારર્લ્સ બંદ હૈ ના !વરના કલ મેરે સે ઉઠા નહીં જાયેગા ઓર સારા કામ તુમ પર આ જાયેગા. છોટુ કો ભી તુમ્હે હી સંમ્હાલના પડેગા.”

“બિચારો ખરો ફસાઈ ગયો. સાલું બૈરું તો ભગવાન સીધું આલે ને તો જ જિંદગી સીધી ચાલે.” બકાએ કોફીના બે મગ તૈયાર કર્યા. સાથે હીંચકે બેઠાં.

“કસુ આજ તો પટેલના ઘરે સવાર સવારમાં ઝગડો થઈ ગયો.”

“હા જાગુબેનનો કાલે ફોન હતો. ઓફીસ ક્યાં જવાનું છે તે દાઢી કરવી ?એમ આળસ કરીને પટેલ દાઢી કરતાં નથી એ એમને ગમતું નથી. વર ઘરમાં હોય તો આપણને તો ગમવો જોઈએ ને !એમ કહેતા હતાં.”

“હું માનું ત્યાં સુધી લોકડાઉનમાં નવ્વાણું ટકા પુરુષો દાઢી કરવાની આળસ કરતાં હશે. ક્યાં કોઈ જોવાનું છે ? અને નવ્વાણું ટકા સ્ત્રીઓ આઈબ્રો વધી ગઈ છે એના ટેનશનમાં રહેશે.”ત્યાં ચુનીકાકાના ઘરમાં બોલચાલનો અવાજ સંભળાતા બકાએ બૂમ પાડી.

“પરીકાકી… હું થયું ?ઓમ આઓ જોઈએ બા’ર.”

“આ ચ્યોથી ઘરમાં પોહાણ થાય ?આતો બા’ર જ હારા.”પરીકાકી બારીમાંથી બોલ્યાં.

ચુનીકાકા તો બા’ર જ આઈ જ્યા.”લ્યા બકલા… મારા ચહમાં હવાર હવારમોં ટૂટી જ્યા. અવ મારે સાપુ વોચવું સ. ચહમાં વગર મોબાઇલમોં સાપુ ચમનું વોસુ ? એન આજ નોરતા સે તે માતાજીના ગરબા ચોપડીમોં હી ગાવા હ. મીં કીધું તારા ચહમાં મન આલ. મું સાપુ વોંચી લઉં પસી તું તાર ગરબા ગા…”

“સાપા મોં એવો હું દેવતા બરયો હ તે ભગવાનન મેલી ન મારા ચહમાં ડોહા ન આલુ ???!”

હજી તો આનો કંઈ ઉકેલ આવે એ પહેલાં ગુપ્તાના ઘરેથી એના બાપાની બૂમ સંભળાઈ.”અરે કોઈ દોડો… બંદર મેરી ધોતી લે ગયા…” આખી સોસાયટી બહાર ડોકાઈ. એક વાંદરું ધોતી લઈને ગુપ્તાના ઘરની બાજુવાળા વડના ઝાડ પર દેખાતું હતું. વાંદરાને લોકડાઉન કેમ નહીં પડતી હોય ? સ્વંયશિસ્તવાળા હોવાથી કોઈ ભેગા ન થયાં અને વાંદરા પાસેથી ધોતી મળી નહીં.

ખિજાયેલા ગુપ્તાએ કોઈની ચડવણીથી પોલીસ કમિશ્નરને ઇમેઇલ કર્યો.બીજે દિવસે છાપામાં સમાચાર હતાં :” શહેરના આંબાવાડી વિસ્તારમાં એક વાંદરાએ કર્યું પ્રૌઢનું ચીરહરણ.પોલીસ કમિશ્નરને કરાઈ રજુઆત શા માટે પ્રાણીઓને પણ લોકડાઉન નહીં ?” પોલીસ તપાસ કરવા આવી.તપાસનો દોર શરૂ થયો. કાકા ઘરની બહાર નીકળ્યાં જ કેમ ?વાંદરાના હાથમાં ધોતી આવવાનું કારણ શું ?

અલ્યા… મારા બાપા ઘરની બહાર ક્યાંય ગયાં નથી. પહેરેલી ધોતી નહીં, દોરીએ સુકાતી લઈને વાદરું જતું રહ્યું.એવું સમજાવતાં ગુપ્તાના નાકે દમ આવી ગયો.પણ લોકડાઉનની આ ઘટના લોકોએ મોજથી માણી.

  • નિકેતા વ્યાસ – કુંચાલા

IMG-20200325-WA0040.jpg

Admin

Takhubhai

9909969099
Right Click Disabled!