તમે અને તમારા સાથી સફાઇ સેવકો લોકોની બહુ મોટી સેવા કરો છો – મુખ્યમંત્રી
વડોદરા,
રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નં.૪ના સફાઇ સેવિકા તુલસીબેન સાથે સીએમ ડૅશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રના માધ્યમથી વાત કરી હતી અને હાલના મુશ્કેલ સંજોગોમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક સમગ્ર શહેરની સફાઇ સેવા માટે સતત સેવા કરી રહેલા ફરજરત તમામ સફાઇ કામદારોની સેવાને બિરદાવવાની સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ તુલસીબેનને સફાઇ એક ટાઇમ કરો છો કે બે ટાઇમ? સફાઇકર્મીઓને સફાઇ કામ કરતી વખતે કઇ સાવચેતી રાખવી અને શું-શું સુવિધાઓ મળી છે તેની વિગતવાર પૂછપરછ કરી હતી જેના જવાબમાં તુલસીબેને જણાવ્યું કે, તમામ સફાઇસેવકોને હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક, હેન્ડવોશ જેવી સુવિધા આપવામાં આવી છે અને અમે ખૂબ જ સાવચેતી રાખીને કામ કરીએ છીએ.
મુખ્યમંત્રીશ્રીએ તુલસીબેન અને તેમના સાથી શહેર સફાઇસેવકોને હ્યદયપૂર્વક અભિનંદન પાઠવતા કહ્યું કે, તમે લોકોની બહુ મોટી સેવા કરો છો તમે હિંમતપૂર્વક અને નિષ્ઠા દાખવીને કામ કરો છો કોઇપણ તકલીફ હોય તો જણાવજો. તુલસીબેને સફાઇસેવક જેવા પાયાના કર્મચારીઓ માટે લાગણી અને ચિંતા રાખવા બદલ મુખ્યમંત્રીશ્રીના કાર્યની સરાહના કરી આભાર વ્યકત કર્યો હતો.