નર્મદા જિલ્લામાં જનધન યોજનાના મહિલા ખાતેદારોને રૂા.૫૦૦ લેખે કુલ રૂા. ૨૯ લાખની કરાયેલી ચૂકવણી

નર્મદા જિલ્લામાં જનધન યોજનાના મહિલા ખાતેદારોને રૂા.૫૦૦ લેખે કુલ રૂા. ૨૯ લાખની કરાયેલી ચૂકવણી
  • નર્મદા જિલ્લામાં પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજનાનાં ૧.૨૧ લાખ મહિલા બચત ખાતા ધારકોના ખાતામાં રૂ. ૫૦૦ લેખે કુલ ૬.૦૫ કરોડની રકમ સરકાર તરફથી જમા કરાઇ
  • તા. ૩ અને ૪ થી એપ્રિલ દરમિયાન ૫૮૦૦ જેટલાં જનધન યોજનાના મહિલા ખાતેદારોને રૂા.૫૦૦ લેખે કુલ રૂા. ૨૯ લાખની કરાયેલી ચૂકવણી

રાજપીપલા,

નોવેલ કોરોના વાયરસ (COVID-19) ની વૈશ્વિક મહામારી સંદર્ભે કેન્દ્ર સરકાર તરફથી પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજનામાં બચતખાતું ધરાવનાર ૧.૨૧ લાખ જેટલા મહિલા બચત ખાતાધારકોના ખાતામાં સરકારશ્રી તરફથી એપ્રિલ -૨૦૨૦ ના માર્ચે માટે રૂા. ૬.૦૫ કરોડની રકમ જમા કરવામા આવી છે. આ જમા થયેલ રકમ ઉપાડવા વધુ પડતા લોકો એકસાથે ભેગા ન થાય અને Social Distance જળવાઇ રહે તે માટે જમા થયેલ ઉક્ત રકમના ઉપાડ માટે નક્કી કરાયેલા જુદા જુદા તબક્કાઓ મુજબ ગત તા. ૩ જી અને ૪ થી એપ્રિલ-૨૦૨૦ ના રોજ કુલ-૫૮૦૦ ખાતેદાર મહિલાઓને કુલ રૂા. ૨૯ લાખની રકમની ચુકવણી કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના લીડ ડિસ્ટ્રીક્ટ બેન્ક મેનેજરશ્રી ગોવિંદભાઇ પ્રજાપતિએ આજે આપેલી ઉક્ત જાણકારીમાં વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ ૨૫૧ લાખ બચત ખાતમાં કુલ ૨.૫૧ લાખ બચત ખાતાઓ પૈકી કુલ ૧.૨૧ લાખ મહિલા બચત ખાતાધારકો છે. અને આ મહિલા બચત ખાતાધારકોના ખાતામાં એપ્રિલ-૨૦૨૦ ના માસ માટે સરકારશ્રી તરફથી પ્રત્યેક મહિલા લાભાર્થી ખાતાધારકદીઠ રૂા. ૫૦૦/- લેખે રકમ જમા કરાઇ છે. જિલ્લામાં કુલ-૬૩ બેન્ક/શાખાઓ કાર્યરત છે, તે પૈકી ૪૭ બેંક/શાખામાં જનધન ખાતા ખોલવામાં આવ્યાં છે. શ્રી પ્રજાપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, બેન્કમિત્ર (BC) પોઇન્ટ પર પણ પેમેન્ટ કરવામાં આવે છે. પોસ્ટ પેમેન્ટ પોઇન્ટ દ્વારા પણ બેન્કનાં ખાતાધારકોને નાણાં ઉપાડવાની સગવડ છે. બેન્કની બધી શાખાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે સર્કલ દોરવાની સાથે મંડપ-ખુરશી-પીવાના પાણીની વ્યવસ્થા પણ કરાઇ છે. બેન્કના કર્મચારીઓ તેમજ ગ્રાહકોને સેનેટાઇઝર આપીને બેન્કમાં પ્રવેશ આપવામાં આવે છે.

લીડ ડિસ્ટીક્ટ બેન્ક મેનેજરશ્રી ગોવિંદભાઇ પ્રજાપતિએ આજે રાજપીપલા શહેરની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા, પંજાબ નેશનલ બેન્ક, સિન્ડીકેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, ભદામની બેન્ક ઓફ બરોડા વગેરેની મુલાકાત લઇને જે તે બેન્કની શાખાઓમાં બેન્કીંગ સેવાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો સાથે સમીક્ષા કરી હતી. શ્રી પ્રજાપતિએ ગત શુક્રવારે પણ જિલ્લાના સાગબારા, દેડીયાપાડા તાલુકામા ગ્રામીણ વિસ્તારમાં વિવિધ બેન્કોની મુલાકાત પણ લીધી હતી અને જે તે બેન્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

રાજપીપલાની સ્ટેટ બેંન્ક ઓફ ઇન્ડીયાની મુખ્ય શાખાના ચીફ મેનેજરશ્રી શ્રીમન સોંલકીએ જણાવ્યું હતું કે, પગાર,પેન્શન તેમજ જનધન ખાતાના લાભાર્થીઓના ખાતામાં જે રકમ જમા થઇ છે તેને ઉપાડવા માટે લાભાર્થીઓ બેન્કમાં આવી રહ્યાં છે. બેન્ક દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે જુદા જુદા અંતરે સર્કલની વ્યવસ્થા કરાઇ છે અને સેનીટાઇઝેશનની પણ સુવિધા કરાઇ છે તેમ જણાવી શ્રી સોલકીએ લાભાર્થીઓને ફ્રેશ નોટ આપવામાં આવે છે અને જુની નોટોને એક દિવસ માટે રાખી મુકવામાં આવે છે લાભાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુસર ચાર કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રાજપીપલાની બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાના ચીફ મેનેજરશ્રી સાજન મેહતાએ કહ્યું હતું કે, કોરોના કોવીડ-૧૯ ને લઇને જે લોકડાઉન અમલમાં છે ત્યારે તેની તકેદારીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે બેન્કની બહાર મંડપ બાંધવામાં આવ્યો છે અને જુદા જુદા અંતરે ખુરશીઓ મુકવામાં આવી છે. તેમજ સેનીટાઉઝેશન પણ રાખવામાં આવ્યું છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દરેક સ્ટાફ માસ્ક અને સેનીટાઉઝેશનનો ઉપયોગ કરે છે. તેમજ અહીં એક જ જગ્યાએ દેના બેંક અને બેંક ઓફ બરોડા હોવાથી લાભાર્થીઓ વધારે આવતા હોવાથી તેમના માટે અલગ ચાર કાઉન્ટરની વ્યવસ્થા કરાઇ છે તેમજ જનધન યોજનાના લાભાર્થીઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજપીપલાના લક્ષ્મીબેન વસાવાએ જણાવ્યું હતું કે, મારે જનધન ખાતુ છે અને મારા ખાતામાં સરકારે ચાલુ માસમાં રૂા. ૫૦૦ રૂપિયા જમા કરાવ્યા છે એટલે હું તેમાથી મારે જોઇએ તે વસ્તુની ખરીદી કરી લઇશ. અત્યારે લોકડાઉન હોવા છતાં પણ મને કોઇ પ્રકારની મુશ્કેલી નથી પડી રહી એટલે હું સરકારશ્રીનો આભાર માનું છું.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!