બકાના ગતકડાં (લોકડાઉનમાં ફ્રીજ બગડયું)

બકાના ગતકડાં (લોકડાઉનમાં ફ્રીજ બગડયું)

બકાના ગતકડાં
( લોકડાઉનમાં ફ્રીજ બગડયું …)

” અરે સાંભળો છો ?ફ્રીજમાં બરાબર કુલીંગ નથી આવતું … ” શ્રીમતીજીએ ફરિયાદ કરી.

“એમાં શું લાવને કરી દઉં રીપેર .”

“પણ ફ્રીજમાં કેટલી બધી વસ્તુઓ…લોકડાઉનમાં રોજ રોજ દૂધ લેવા જવું નાં પડે એટલે .આજે તો દૂધ પણ દસ થેલી વધારે લીધું છે.એ બધું બગડી જશે….”

“અરે ફિકર નોટ. મૈ હું ના….અબ ઘડીએ રીપેર કરી દઈશ.”કહીને બકાએ ફ્રીજની મેઈન સ્વીચ બંધ કરી.ફ્રીજરમાં બાર મહિના ચાલે એટલી ફ્રોજન આઈટમો હતી. લીલા વટાણા, તુવેરના દાણા,સ્માઈલી પોટેટો ચિપ્સ,કોર્ન બીન્સ…અને અલગ અલગ ફ્રોજન ફ્રુટ્સ.એ સિવાય પણ ફ્રીજમાં બટર, પનીર, ચીઝ, શીખંડ, મઠો, દહીં, છાશ, લીલો મસાલો, શાકભાજી…જાતજાતનું હતું.એ બધું બહાર કાઢી ફ્રીજ ખાલી કર્યું.

બકાને પાછું રીપેરીગ આવડે ખરું. શ્રીમતીજી બીજા કામમાં પરોવાયા.અડધો કલાક…એક કલાક…બે કલાક…ત્રણ કલાક……ચાર કલાક…પાંચ કલાકે ફ્રીજ રીપેર થયું.!

બીજે દિવસે સવારમાં ક્સ્તુરીએ બુમાબુમ કરી મૂકી.

” લો આ ચા ફાટી ગઈ…નાં જોયા હોય તો મોટાં ફ્રીજ રીપેર કરવાવાળા…”એક પછી એક બધી દૂધની થેલીઓ ચેક કરી જોઈ.બધું જ દૂધ ફાટી ગયું હતું.

“લે એમાં મુંઝાય છે શું ?એક કામ કર.બધું દૂધ ગરમ કર……પછી બધું પાણી બાળી દે……ઈલાયચી અને ખાંડ નાખી દે…છોકરા ખુશ થી જાય એવો મસ્ત હલવો બની જશે…”બકાએ શિખામણ આપી.

“દસ થેલી દૂધનો હલવો બનાવતાં બનાવતાં દૂધ હલાવી હલાવીને મારો હાથ રહી જાય એનું શું ?અને તમારે કામ શું છે ? આવ્યાં મોટાં હલવો બનાવોને… શિખામણો આપવા તૈયાર…દૂધ તો તમે જ બગાડ્યું છે,તો બનાવોને હલવો !” ક્સ્તુરીએ સિક્સર મારી.

” લે બસ હું બનાવી દઉં હલવો એમાં શું ?”

“પહેલાં દૂધ લી આવો.ચા તો પીએ.પછી હળવો બનાવો તમતમારે.”

બકો તો ચાલ્યો દૂધ લેવાં. રસ્તામાં ચીનુપુત્ર બાબલો ડાફોળીયા મારતો દેખાયો.

“શું થયું બેટા ?કઈક ખોવાઈ ગયું છે ?” બકાએ પૂછ્યું.

“અંકલ પપ્પાએ દૂધ લેવા સોની નોટ આપેલી.આ બે થેલી દૂધ લીધું પછી દૂધવાળા અંકલે મને પચાસ રૂપિયાની નોટ પાછી આપેલી.એ મારા હાથમાં જ હતી.પણ ક્યાં પડી ગઈ એ શોધું છું.”

બન્ને શોધખોળમાં લાગ્યાં.પણ પૈસા તો નાં જ મળ્યાં.

“પપ્પા મારશે આજે તો…” બાબલો રડમસ અવાજે બોલ્યો.

” અરે હોય કઈ…તારે ઘરે જઇને કહેવાનું કે દૂધવાળા અંકલે મને નવી પચાસની નોટ આપેલી.એ હું ઊચી કરીને જોતો હતો.ત્યાં એકદમ મારા હાથમાંથી ઊડીને એક ખટારો પસાર થતો હતો એમાં પડી…ખટારોય ગયો…ને પૈસાય ગયાં…” બકાએ આઈડીયા સમજાવ્યો.

“પણ પપ્પા માનશે ?” બાબલાએ શંકા વ્યક્ત કરી.

” હા…હા… કેમ નાં માને ? તારે કહેવાનું કે બકાકાકાને પૂછી જુઓ.એ મારી જોડે જ હતાં. ”

“પણ દૂધવાળાને પૂછશે તો ?”

” એને ક્યાં કઈ ખબર છે તે કહેવાનો છે ?ને હું કહી દઈશ કે દૂધવાળાથી થોડા આગળ ગયાં ત્યારે આવું બનેલું.અને ત્યારે અમે બે જ જણાં હતાં.વાત પૂરી….જા શાંતિથી ઘરે…” બકાએ ધરપત આપી.

બાબલો ઠેકડા મારતો મારતો ઘરે રવાના થયો.

કસ્તુરી લાંબી ડોકે ક્યારની દૂધની રાહ જોતી હતી.”અરે તમે તો જ્યાં જાવ છો ત્યાં ચોટી જાવ છો.આટલી બધી વાર હોય ?”

ચા મૂકાઈ .ચા પીવાઈ. સવાર સવારમાં સજોડે ચા પીવાનો નિયમ હતો.ચા પીધા પછી બકાએ રસોડાનો હવાલો લીધો.

એક મોટું તપેલું લીધું.એમાં દસ થેલી દૂધ ખાલી કર્યું.ગેસ ચાલુ કર્યો.ગરમી મળતા જ થોડીવારમાં દૂધ ફાટીને ફોદા થઈ ગયાં.બકાએ ગેસ બંધ કર્યો. ફાટેલાં દૂધમાંથી પાણી ગાળીને માવો અલગ કર્યો. એક કડાઈ લીધી. એમાં ચાર – પાંચ ચમચા ઘી લીધું.ગેસ ચાલુ કર્યો. ગરમ ઘીની સુગંધ આખા ઘરમાં ફેલાઈ. કસ્તુરી

એકદમ રસોડામાં દોડી.”આ શું કરો છો? આમાં ઘી ગરમ કરવા કેમ મુક્યું છે ?”

“કુછ બોલને કા નહી…પૂછને કા ભી નહી…મેડમ આપ તશરીફ લે જાઇએ પ્લીઝ…”બકાએ પત્નીને રસોડામાંથી બહાર ભગાડી.

ઘીમાં શેકીને માવામાંથી વધારાનું પાણી બાળી નાખ્યું.દસ ઈલાયચી લીધી.એને વાટીને માવામાં નાંખી.હવે ગળપણ માટે ખાંડ નાખવાની હતી. ઓહ…નો….ખાંડ નાખીશ તો વળી પાણી છૂટશે.અને એને બાળવા માટે મારે વળી હલાવી હલાવીને હાથ દુ:ખાડવા પડશે.

એમ કરું આને ઠંડો પડવા દઉં અને પછી દળેલી ખાંડ નાખું.બકાએ ગેસ બંધ કર્યો.એણે રસોડાના ખાનાઓમાં દળેલી ખાંડ શોધી.પણ દેખાઈ નહી.હવે ઉપરના કબાટમાં જોવાનું રહ્યું. એના માટે ટેબલ જોઈએ. ટેબલ લેવા તે થોડું જવાય ? એણે આમતેમ જોયું.

લોટનો ડબો દેખાયો. ડબો ખેચીને બકો તો ચઢ્યો ઉપર…સાલું ઉપરનું ખાનું હતું ઊંડું. કશું દેખાય તો ખબર પડે.એણે ત્રણ ચાર કાચની બરણીઓ ખસેડીને કિનારે કરી ત્યારે માંડ દેખાયું. એક નાની કાચની શીશી જોઇને બકાની આંખો ચમકી…મળી ગઈ ! એણે તરત ઝપટ મારી.એ સાથે જ કિનારે ગોઠવેલી ત્રણેય કાચની બરણીઓ નીચે પડી. આખા રસોડામાં કાચની કરચોની સાથે હળદર,રાજમા અને ચણા વેરાયા.

આ શું થયું એની બકાને કઈ સમજ પડે એ પહેલાં જ એનું બેલેન્સ ગયું અને એ ભડામ કરતો નીચે પટકાયો. લોટનો ડબો વાંકો થઈ ગયો. એમાંથી પાછો બાજરાનો લોટ વેરાયો એ જુદો…કસ્તુરી હાંફળી ફાંફળી દોડી.

“આ તમે શું ખાંખાખોળા કરવા ગયાં…? કશું પૂછવા ગાછવાનું જ નહી ને …!લાવો હવે હાથ લંબાવો તમારો…” કસ્તુરી બગડી.

બકાને આખા શરીરે કાચ પેસી ગયા હતા. છતાં પણ એણે પેલી નાની કાચની શીશી મજબૂત રીતે હાથમાં પકડી રાખી હતી.એણે શીશી બતાવી. “આ દળેલી ખાંડ જોઈતી હતી.”

“તમને કોણે કહ્યું કે આ દળેલી ખાંડ છે ? આ તો ખાવાનો સોડા છે …સોડા….”ક્સ્તુરીથી હસી જવાયું.

“હેં……?!!! હું તો હમણાં દૂધના માવામાં નાખવાનો હતો…”બકાએ લમણે બેય હાથ મૂકી નિસાસો નાંખ્યો.બરાબર એ જ વખતે ગટુએ રમણભમણ રસોડામાં લમણે

હાથ દઈને બેઠેલા પપ્પાનો ફોટો પાડી લીધો.તરત જ સ્ટેટ્સમાં અપડેટ કર્યો અને લખ્યું “પપ્પાનાં પરાક્રમ.”

બસ…પછી શું…? !બકાને એટલાં ફોન આવ્યાં……એટલાં ફોન આવ્યાં……એને એમ થઇ ગયું કે હું આમાં ક્યાં પડ્યો ??????

 

લેખક:- નિકેતા વ્યાસ-કુંચાલા

bako-10.png

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!