ટૂંકી વાર્તા : એકલવાયા

ટૂંકી વાર્તા : એકલવાયા
Spread the love

ટૂંકીવાર્તા : એકલવાયા

સરકારી ઓફિસમાં બોલાવીને એના હાથમાં મરણના વળતર રૂપે સરકારી સહાયનો ચેક મૂકાયો.એનું મન પાછું સુરત પહોચી ગયું.
આકરા તડકામાં લૂ ઝરતી આગને પણ અવગણીને માથે પોટલાં મૂકી મૂકીને દોડતા સૌના મનમાં એક જ આશ હતી, પોતાના વતનમાં પાછા ફરવાની. પોતે અપંગ બાળકને તેડીને એની બિમાર પત્નીને સાચવતો ચાલી રહ્યો હતો. એ એની ઘરડી માનો હાથ પકડીને ચાલતી હતી. હતા પણ એક જ ગામના.

અને એક ટ્રકવાળો બીજા રાજ્ય સુધી લઇ જવા રાજી થયો.બધા રાજીરાજી થતાં ટ્રકમાં ગોઠવાયાં.ખીચોખીચ ભરેલી ટ્રકમાં ગરમીથી ભારે ગુંગળામણ થતી હતી.લોકડાઉનમાં બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હતો.એટલે જેવું કોઈ ગામ કે નગર આવે ત્યારે ટ્રકમાં હાલ્યા-ચાલ્યા વગર બેસવું પડતું.ભગવાનનો પાડ હતો કે હજી કોઈ જગ્યાએ પોલીસે રોક્યા નહોતા.રાત્રે ઝોકું આવી ગયું પછી સીધી દવાખાને આંખ ખૂલી.

ટ્રક પલટી જતાં મોટાભાગના વતનના બદલે ભગવાનના ઘરે પહોચી ગયા હતા.પત્ની અને બાળક ગુમાવ્યા પછી પોતે શા માટે બાકી રહી ગયો ? એનો જવાબ આપવા આવી હોય એમ નર્સે એને કહ્યું કે પેલા માજી એને બોલાવે છે.મરતા મરતાં માજીએ એમની વિધવા દીકરીનો હાથ એને સોંપ્યો.

એ પણ ચેક લેવા લાઈનમાં ઊભી હતી.એણે બહાર નીકળી એની રાહ જોઈ.એ આવી.એણે એનો ચેક એના હાથમાં ધીમેથી મૂક્યો.એ ચમક્યો.”તારું બેંકમાં ખાતું નથી ?એમાં જમા કરવાનો છે.”એ બોલ્યો.”હવે તારે જ બધું સંભાળવાનું છે.મને પણ.” કહેતાં એની આંખો ઝુકી ગઈ. શું બોલવું એ ના સૂઝતાં એણે પેલીનો હાથ પકડી લીધો.

બે એકલવાયા એ અહીંથી જિંદગીની નવી શરૂઆત કરવા પગ ઉપાડ્યો.

લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

18

Admin

Niketa Vyas

9909969099
Right Click Disabled!