હાથની મેંદીનો રંગ પણ નહોતો ઊતર્યો, ને પ્રફુલ્લાબા કોરોના સામેના જંગમાં ઊતરી પડ્યાં

  • લગ્નના બીજા જ દિવસે ફરજ પર હાજર થઈ, વાંકાનેરનાં મહિલા પોલીસકર્મીએ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું
  • સહ પોલીસકર્મીઓએ અભિવાદન કરીને એલઆરડી પ્રફુલ્લાબાની કર્તવ્યપરાયણતાને નવાજી

ગાંધીનગર,
ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે,
રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરઘરે;
મીંઢોળબંધા, તજી માયા, સજી આયુધ નીસરે,
હરખાએ પ્રિયજન, ગાઓ ગુણીજન, દાવદુશ્મન થરથરે.

રાજ્ય પર દુશ્મનોનો હુમલો થયો હોય, ત્યારે મીંઢોળબંધાઓ સહિત તમામને દુશ્મનો સામે લડવાની હાંકલ કરતી આ પંક્તિ વર્તમાન કોરોનારૂપી દુશ્મન સામેના યુદ્ધમાં લડવા માટે વાંકાનેરનાં મહિલા પોલીસકર્મીએ સાચી ઠેરવી છે. લગ્નના બીજા જ દિવસે હજી તો હાથની મેંદીનો રંગ પણ નહોતો ઊતર્યો, ત્યાં પ્રફુલ્લાબા પરમારે ફરજ પર હાજર થઈને કોરોના સામેના આ જંગમાં યોદ્ધા તરીકે પોતાનું સ્થાન સંભાળીને ફરજનિષ્ઠાનું અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોઈ પણ વ્યક્તિ માટે તેના લગ્નની સાથે નવા જીવનની શરૂઆત થતી હોય છે. ત્યારે દાંપત્ય જીવન માટેનાં અનેક અરમાનો અને સપનાઓ હોય જ, ત્યારે આ તમામ અરમાનો, આ બધાં સપનાંનો ત્યાગ કરીને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતાં એલઆરડી પ્રફુલ્લાબા(પૂજાબા) હસુભા પરમાર લગ્ન માટે ફક્ત એક જ દિવસની રજા રાખીને, બીજા દિવસે તેમના નિયત સમયે ફરજ પર હાજર થઈ ગયાં હતાં. ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા અને કર્તવ્યપરાયણતા જોઈને પોલીસમથકના અન્ય કર્મચારીઓએ ઉત્સાહભેર તેમનું અભિવાદન કરીને પ્રફુલ્લાબાની કાર્યદક્ષતાને પ્રોત્સાહિત કરી હતી.

ગત તા. 17/5/2020ના રોજ ટંકારા આર્યસમાજ ખાતે ફકત બાર પરિવારજનોની ઉપસ્થિતિમાં પ્રફુલ્લાબાનાં લગ્ન યોજાયાં હતાં. સામાન્ય સંજોગોમાં લગ્ન બાદ સામાજિક રીતરિવાજ અને નવા પરિવારમાં જવાનું હોવાથી મહિલા પોલીસકર્મીઓને સરકાર તરફથી લગ્નની થોડા દિવસોની રજા મળતી હોય છે, પરંતુ પ્રફુલ્લાબાએ વર્તમાન સમયની કોરોના વાઇરસની મહામારીને લઈને લાગુ કરાયેલા લોકડાઉનમાં પોતાની પોલીસકર્મી તરીકેની જવાબદારીનું મહત્ત્વ સમજીને સરકાર તરફથી મળેલી લગ્નની રજા ઉપર સ્વેચ્છાએ કાપ મૂક્યો અને લગ્નના દિવસનની માત્ર એક જ રજા ભોગવી, બીજા દિવસથી દેશ પ્રત્યેની પોતાની જવાબદારી સંભાળી લીધી હતી.

વ્યક્તિગત જીવન કરતાં પણ જાહેર ફરજને વધારે મહત્ત્વ આપનારાં પ્રફુલ્લાબાએ અન્ય કર્મચારીઓ માટે પણ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ ફરજનિષ્ઠાને બિરદાવવા વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. આર.પી. જાડેજા અને અન્ય સહકર્મીઓએ તેમનું અભિવાદન કર્યું હતું અને કોરોનાની મહામારી વખતે ખરા અર્થમાં કોરોના વૉરિયર સાબિત થયેલાં આ મહિલા પોલીસ કર્મચારીની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!