‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ સૂત્રને સાર્થક કરતી જુનાગઢ પોલીસ

  • કેન્સરપીડિતાને 15 દિવસમાં બે વખત સારવાર માટે રાજકોટ જવા પોલીસ દ્વારા વ્યવસ્થા કરાઈ

ગાંધીનગર,
‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક બનાવતું ઉદાહરણ જુનાગઢ પોલીસ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. જુનાગઢનાં કેન્સરપીડિતા અમીનાબેન આમદાણીને છેલ્લા 15 દિવસમાં બે વખત સારવારઅર્થે રાજકોટ જવાનું થતાં અમીનાબેન તથા તેમની પુત્રીને રાજકોટ સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા જુનાગઢ પોલીસ દ્વારા કરી આપવામાં આવી હતી.

જુનાગઢમાં રહેતાં અને મજૂરીકામ કરીને જીવન ગુજારતાં અમીનાબેન કેન્સરની બીમારીથી પીડાય છે અને રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિલમાં તેમની સારવાર ચાલી રહી છે. દરમિયાન, થોડા દિવસ પહેલાં તેમને તાત્કાલિક સારવાર લેવાની જરૂરિયાત ઊભી થતાં જુનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા અન્ય સ્ટાફની મદદથી તેમને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર પાસવાળી કારમાં મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જોકે, થોડા દિવસ બાદ ગત તા.14થી 16 મે દરમિયાન પંદર દિવસના ટૂંકાગાળામાં ફરી વખત અમીનાબેનને રાજકોટ ખાતે સારવારની વધુ જરૂરિયાત હોવાનું જણાવતા, જુનાગઢ પોલીસ દ્વારા તેમના રાજકોટ જવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આમ, લોકડાઉન દરમિયાન માત્ર 15 દિવસમાં બે વખત જુનાગઢ પોલીસ દ્વારા કેન્સરપીડિતાને રાજકોટ ખાતે સારવારઅર્થે પહોંચાડવાની વ્યવસ્થા કરી, ફરજની સાથે સેવા પણ કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ દ્વારા જરૂરિયાતમંદ તેમજ નિરાધાર લોકો માટે ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારનાં ઉદાહરણો દ્વારા જુનાગઢ પોલીસ આમ નાગરિકોની સુરક્ષા સાથે તેમની સેવાનું ઉત્તરદાયિત્વ પણ સુપેરે નિભાવીને ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ એ સૂત્ર ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!