ડરવાનો સમય સમાપ્ત.. હવે યુદ્ધ એ જ કલ્યાણ

ડરવાનો સમય સમાપ્ત.. હવે યુદ્ધ એ જ કલ્યાણ
Spread the love

લૉકડાઉન દરમિયાન ૫૦૦ના સવા લાખ કેસ થયા તો છૂટછાટ અને સંપૂર્ણ મુક્તિની તિરાસી માંડવી જ રહી.. હવે પછીની આપણી બેદરકારી સમગ્ર દેશને મૂલ્યમાં ભરપાઈ ન થનારું નુકસાન આપનારી બની રહેશે.. કોરોના સામેના યુદ્ધમાં સેનિટાઈઝર, માસ્ક અને વ્યવહારમાં સલામત દૂરીના આયુધ સજી પ્રત્યેક નાગરિકે ‘અર્જુન’ બની ઝઝૂમવું પડશે. આખું વિશ્વ સંક્રમિત (Global Pandemic) કરવા ૦.૦૦૦૦૦૧ ગ્રામ કોરોના વાઈરસ પર્યાપ્ત છે, જે પ્રમાણે સંક્રમિત દર્દીનો સરવાળો જોવા મળે છે તે પ્રમાણે ૧.૫ ગ્રામથી વધુ વાઈરસ પૃથ્વી પર વ્યાપ્ત છે

એક કંજુસ શેઠે પોતાનાં ૩ સંતાનોને કહ્યું, આજે સાંજે જે ભોજન નહીં કરે તેને ૧૦ રૂપિયા આપીશ.. ત્રણેય સંતાનો ૧૦ રૂપિયા લઈને સૂઈ ગયા.. સવારે શેઠે એ ત્રણેય સંતાનોને બોલાવીને કહ્યું, જે ૧૦ રૂપિયા આપશે તેને જ આજે નાસ્તો અને જમવાનું મળશે.. આ વાતને આજની રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. ‘કોરોના સે ડરોના’થી શરૂ થયેલી કવાયત ‘કોરોના કો હરાના હૈ’ના બ્યૂગલ ગાન પછી હવે ‘કોરોના સે કબ તક ડરના’ના પડાવ પર આવી ઊભી છે. લૉકડાઉન-૪માં અપાયેલી છૂટછાટો સરકારની મજબૂરી છે. પહેલું લૉકડાઉન જાહેર થયું ત્યારે કોરોના સંક્રમિત દર્દીનો સરવાળો ૫૦૦ હતો, જે આજે ૩ કડક લૉકડાઉન પછી ૧ લાખને પાર કરી ગયો છે.

છૂટછાટ સાથેનું લૉકડાઉન કેવો વિસ્ફોટ કરશે તેનું અનુમાન માત્ર મગજ બંધ કરી દેનારું છે. કોરોના સામે જંગ જેવા બહાદુરી સૂચક સૂત્રો સાંભળવામાં કાનને ખૂબ સારા લાગે છે, પરંતુ આ સૂત્રોચ્ચાર માત્રથી કોરોનાનો ભય સમાપ્ત થતો નથી. જંગનો અર્થ યુદ્ધ છે. યુદ્ધમાં શત્રુને ઓળખીને વ્યૂહરચના ન બનાવીએ તો કારમો પરાજય નિિૃત બની રહે. કોરોના ક્યાંથી ઉદ્ભવ્યો..? અને કોણે ફેલાવ્યો..? તેનો નિર્ણય કરવા માટે જગત ફોજદાર અમેરિકા યુરોપને સાથે રાખી સક્રિય થઈ ગયું છે. ‘પાડેપાડા લડે એમાં ઝાડનો ખો નીકળી જાય’ એ ગુજરાતી કહેવતનો પ્રાયોગિક પુરાવો આપવા અમેરિકા અને ચાઈના સજ્જ થઈ ગયા હોય તેવું જણાય છે. આપણે ઝાડ ન બની જઈએ એટલી જ તકેદારી રાખવાની છે. આખા વિશ્વને

બાનમાં લઈ સમગ્ર માનવજીવનની ગતિ સ્થગિત કરી દેનાર કોરોનાની ભૌતિક ઓળખ જાણવા જેવી છે. ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યામાં કોરોનાના એક વાઈરસનું વજન ૦.૮૫ એટ્ટોગ્રામ (atto gram) સાદી ભાષામાં કહીએ તો માત્ર ૦.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૮૫ એટલે કે ૦.૮૫ ગ્રામના ૧૦ લાખમાં ભાગના ફરી ૧૦ લાખમાં ભાગ કરીએ તેટલું સૂક્ષ્મ વજન એક કોરોના વાઈરસનું છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ ડાર્ટમાઉથના જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક એરિન એસ. બ્રોમેજ એક સંશોધન લેખમાં લખે છે કે, તજજ્ઞોના અનુમાન પ્રમાણે સાર્સ કોવિડના ૧૦૦૦ વાયરલ પાર્ટિકલ એક માનવશરીરને સંક્રમિત કરવા પર્યાપ્ત છે. સંક્રમિત વ્યક્તિની એક ઉધરસ કે છીંક એકસાથે ૨૦૦,૦૦૦,૦૦૦ કોરોના વાઈરસ હવામાં ફેંકે છે.

આ ઉધરસ કે છીંક હવામાં વછૂટે પછી ૧૦ મિનિટની અંદર જે પણ નવો વ્યક્તિ તે પરિધિમાં પ્રવેશે કે તે સંક્રમિત વ્યક્તિ સાથે રૂબરૂ થાય તેને કોરોના સંક્રમિત થવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. જાણકારો કહે છે કે, ૭૦ અબજ કોરોના વાઈરસ (વજનમાં ૦.૦૦૦૦૦૦૫ ગ્રામ) શરીરમાં ભેગા થાય ત્યારે તંદુરસ્ત વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કરે છે. સમગ્ર વિશ્વમાં ૩૦ લાખ સંક્રમિત દર્દી મૂકીએ તો તેને પોઝિટિવ કરનાર વાઈરસનું વજન ૧.૫ ગ્રામ અને ભારતમાં ૧ લાખ ગણીએ તો અહીં ૦.૦૫ ગ્રામ સાર્સ કોવિડ વાઈરસ હાલની બધી ઉપાધિનું કારણ છે. ગુજરાતના કુલ દર્દીની સરખામણીએ વજનમાં વાઈરસની તિરાસી જેણે માંડવી હોય તે પોતાના કેલ્ક્યુલેટર પર માંડી શકે છે.

વાઈરસ પર કામ કરતા વિજ્ઞાનીઓનું માનવું છે કે, આખું વિશ્વ સંક્રમિત (Global Pandemic) કરવા ૦.૦૦૦૦૦૧ ગ્રામ કોરોના વાઈરસ પર્યાપ્ત છે. જે પ્રમાણે સંક્રમિત દર્દીનો સરવાળો જોવા મળે છે તે પ્રમાણે ૧.૫ ગ્રામથી વધુ વાઈરસ પૃથ્વી પર વ્યાપ્ત છે. ઉપરોક્ત વિગતો રજૂ કરવા પાછળનો હેતુ વાચકને ખોટા ડરથી મુક્ત કરી સાચા ભયથી વાકેફ કરવાનો છે. કોરોનાથી ડરીને ઘરમાં બેસી રહેવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. જિંદગી ક્યારે પણ અટકતી નથી. લૉકડાઉનને કારણે ઘરમાં કેદ થઈને રહી ગયેલા એ ૬૦ દિવસ પ્રત્યેકની જિંદગીના કેલેન્ડરમાંથી ઓછા થઈ જ ગયા છે. મૂળ મુદ્દો એ છે કે, કોરોના સાથે સહજીવન કેળવવું તો કઈ રીતે?

શત્રુને સમજ્યા વિના યુદ્ધના મેદાનમાં ધસી જવું એ પરાપૂર્વથી મૂર્ખતા ગણાતું આવ્યું છે. પ્રેરણા હંમેશા સફળ હોય તેની લેવાતી હોય છે. અહીં ફરી તાઈવાનનો ઉલ્લેખ ફરજિયાત બને છે. ગત તા. ૯ મેના રોજ જ્યાં ૪૪૦ કેસ હતા ત્યાં ૨૩મી મે એ ૪૪૧ થયા છે. મૃત્યુ ૬ હતા તેમાં એક ૭મું ઉમેરાયું છે. સામે સાજા થયેલા દર્દીનો સરવાળો ૩૩૫થી વધીને ૪૦૮ થઈ ગયો છે. લૉકડાઉન જેવી સખ્તાઈ વિના આ બધું જ શક્ય બન્યું, કારણ આ ટચૂકડો દેશ કોરોનાની ગંભીરતાને પહેલા જ દિવસથી સમજી ગયો હતો. આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સિલ કરવા સાથે વિદેશથી આવનાર પ્રત્યેક મુસાફરને ફરજિયાત ક્વોરન્ટાઈન કરવાના સમયસરના નિર્ણયે આખા દેશને લૉકડાઉન થતો બચાવી લીધો.

સ્થાનિક નાગરિકોએ રાષ્ટ્રીય નેતૃત્વની અપીલને શિરોમાન્ય કરી માસ્ક, સલામત દૂરી અને સેનિટાઈઝેશનના મૂળ ઉપાયો પૂર્ણતઃ અપનાવી લીધા. આવી કેટલીક સામાન્ય બાબતો આપણે ચૂકી ગયા છે. પહેલું લૉકડાઉન લાગું થયું ત્યારે ૫૦૦ કેસ હતા, જે ચોથા લૉકડાઉનના મધ્યાંતરે સવા લાખને આંબવા તરફ તીવ્ર ગતિથી વધી રહ્યા છે. હવે જે વાત સ્વીકારવી પડે તે એ છે કે, કોરોના સાથે જ આપણે રહેવાનું છે. જિંદગી રોકાતી નથી. લૉકડાઉનથી કોરોના નિયંત્રણમાં રહ્યો હોવાની સરકારી શેખી જો સાચી હોય તો છૂટછાટ સાથેના લૉકડાઉન અને સંપૂર્ણ મુક્ત જનજીવનમાં કોરોનાના સંભવિત ઉપદ્રવની તિરાશી માંડવી જ રહી.

વાસ્તવિક ભયથી મોઢું સંતાડવાને સાહિત્યની ભાષામાં શાહમૃગ નીતિ કહે છે. જ્યારે કોઈ હિંસક પ્રાણી વિશાળ કાયા ધરાવતા આ જીવની પાછળ પડે છે ત્યારે ભાગતા ભાગતા હાંફેલું શાહમૃગ રેતીમાં પોતાનું મોઢું નાંખી આંખ બંધ કરી દે છે. દેખાતું બંધ થતાં તે માની લે છે કે, ભય ટળી ગયો અને શિકારી તેનો શિકાર કરી જાય છે. શરીરના કોઈપણ અંગનું પ્રત્યાર્પણ કરવાની કાબેલિયત ધરાવતું તબીબી વિજ્ઞાન હજી સુધી કોવિડ-૧૯ વિશે જો અને તો ની અટકળોમાં ગોથા ખાઈ રહ્યું છે. કોરોનાના મુદ્દે વૈશ્વિક દહેશત ફેલાવવા પાછળ અમેરિકા અને ચીન જેવી મહાસત્તા તરફ મેલી મુરાદની આંગળી ચીંધાઈ રહી છે.

તજજ્ઞ તબીબોનો એક મોટો વર્ગ કોરોના પણ ફ્લૂ જેવી જ એક સામાન્ય બીમારી હોવાનું અને તેનાથી ડરવાની સહેજ પણ જરૂર નહીં હોવાનું જણાવે છે. ડરની આગળનો પડાવ એ જીતનું સરનામું છે. કામ કરવાનું જ છે, કામ કરવા માટે બહાર નીકળવું જ પડશે. અત્યાર સુધી કોરોના સામે જંગના નામે જે કંઈ પણ ચાલ્યું તે બધું તેની જગ્યાએ રહેશે, હવે પછીની આપણી બેદરકારી સમગ્ર દેશને મૂલ્યમાં ભરપાઈ ન થનારું નુકસાન આપનારી બની રહેશે. છૂટછાટો આપવી પડે તે સરકારની ફરજિયાત લાચારી છે.

આ છૂટછાટો સરકાર આપે છે, કોરોના વાઈરસ નહીં. કોરોના સામેના યુદ્ધમાં સેનિટાઈઝર, માસ્ક અને વ્યવહારમાં સલામત દૂરીના આયુધ સજી પ્રત્યેક નાગરિકે ‘અર્જુન’ બની ઝઝૂમવું પડશે. આકાશ ફાટયું હોય ત્યારે થીંગડું ક્યાંથી મારવું તે સૌથી મોટી મૂંઝવણ હોય છે. રાહત પેકેજના રૂપાળા મથાળે થતી જાહેરાતોને પોતાની મર્યાદા છે.

અને છેલ્લે…

લૉકડાઉન-૦૪.. કોથળામાં પાંચ શેરી. કેન્દ્રએ રાજ્યો પર છોડયું, રાજ્યોએ કલેક્ટરો પર છોડયું, કલેક્ટરોએ મનપાઓ-પાલિકાઓ પર છોડયું, મનપાઓ-પાલિકાઓએ દુકાનદારો પર છોડયું, દુકાનદારોએ લોકો પર છોડયું અને લોકોએ ઉપરવાલા પર.. મંદિર, મસ્જિદ, ચર્ચ, તમામ ધર્મસ્થાનોના દરવાજા બંધ કરી ઉપરવાલો આરામ પર છે.. હજી સમય છે, ચાલો સમજી જઈએ અને સુધરી જઈએ. [email protected]

થોડા હટકે – પ્રસન્ન ભટ્ટ

100667871_2704909153126327_7124752914681167872_n.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!