પેથાપુરની મહાલક્ષ્મી–૧ માં પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ એવા નર્સનું રહીશોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું
ગાંધીનગર,
સમગ્ર દેશમાં અદ્રશ્યમાન એવા કોરોના વાયરસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સનું સન્માન આદર પૂર્વક નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ગીતાબેન પ્રજાપતિનું ઉમળકાભેર પેથાપુર ખાતે આવેલી મહાલક્ષ્મી – ૧ ફલેટના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું.
અત્યારે કોરોનાની મહામારીના સમયમાં ર્ડાકટરો, નર્સોઅને મેડિકલ સ્ટાફને ફ્રન્ટ લાઇન કામ કરતાં કોરોના વોરિયર્સ ગણવામાં આવે છે. અદ્રશ્યમાન કોરોના સામેની લડાઇમાં દિવસ રાત કામ કરતાં ફ્રન્ટ લાઇનના વોરિયર્સ તો કયાંક કયાંક દિવસો સુધી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આવા વોરિયર્સને આજે સમાજના સૌ નાગરિકો સન્માન સાથે સલામ કરી રહ્યાં છે.
ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામની હદમાં મહાલક્ષ્મી- ૧ માં ગીતાબેન પ્રજાપતિ રહે છે. તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ અદા કરે છે. આજે ધણા લાંબા સમય બાદ પોતાની ફરજ પૂર્ણ કરીને ધરે આવેલા ગીતાબેનનું સ્વાગત કરવા માટે મહાલક્ષ્મી – ૧ માં રહેતા રહીશો તેમનું સ્વાગત કરવા માટે સોસાયટીના નાકે ઉભા રહી ગયા હતા. કોરોના વાયરસ સામેના પ્રથમ હરોળના લડવૈયા એવા ગીતાબેન સોસાયટીના નાકે આવતાં મોટી ઉંમરની મહિલાઓ આર્શીવાદ આપ્યા હતા. તો સમોવડી ઉંમરની મહિલાઓ અને યુવાનો દ્વારા તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તેમજ અનેક મહિલાઓ, યુવાનો અને નાના બાળકોએ થાળી વગાડી તેમનું સ્વાગત કરવા બહાર આવી ગયા હતા.
એક સમય માટે ગીતાબેનને લોકોનો આવો પ્રેમ જોઇને ક્ષણવાર માટે હરખના આસું આવી ગયા હતા. તેમને પોતાની જાત પર આત્મ ગૌરવ અનુભવતા હતા. તેમણે સૌ કોઇ રહીશોનું બે હાથ જોડી અભિવાદન સ્વીકાર્યું હતું.