રાજકોટમાં કિસાનોનું હલ્લાબોલ
- રસ્તા પર લસણના ઢગલા કરી વિરોધ, પચીસની અટકાયત
રાજકોટ: રાજકોટમાં ધિરાણ ન મળવા અને પાકના ભાવ મુદ્દે કિસાન સંઘ અને ખેડૂત આગેવાનો એકત્ર થયા હતા અને રસ્તા પર લસણ ઢોળી વિરોધ કર્યો હતો. જો કે ઉગ્ર વિરોધ કરે તે પૂર્વે જ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત અંદાજીત ૨૫થી વધુ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અન્ય નાના ગામોમાંથી આવતા ખેડૂતોને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા.
જો કે અટકાયત કરતી વેળાએ દિલીપ સખીયા સહિત ખેડૂત આગેવાનોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોના પ્રશ્ર્નને લઈને ખેડૂત આગેવાનો દ્વારા શહેરના રેસકોર્સ રિંગ રોડ પર વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ લસણ-ડુંગળીના ભાવ અને ધિરાણના અલગ અલગ પ્રશ્ર્નોને લઈને વિરોધ કર્યો હતો. જો કે ખેડૂતોએ રસ્તા પર જ લસણ ઢોળીને વિરોધ કર્યો હતો. ખેડૂતો ઉગ્ર વિરોધ કરે તે પહેલા જ પોલીસે ૨૫થી વધુ ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.