કન્ટેઇન્મેન્ટ વિસ્તાર ચીચાણી તેમજ પાણીયાપુરા ગામની કલેકટર આર.બી બારડે મુલાકાત લીધી
- કન્ટેઇન્મેન્ટ વિસ્તારના લોકોને મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો
- કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં આરોગ્યલક્ષી થયેલ કામગીરીનો રિવ્યુ કર્યો
લુણાવાડા,
કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીને કારણે દેશ સહિત રાજ્ય લડત આપી રહી છે. ત્યારે કોરોનાવાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સુસજ્જ અને સતર્ક રહીને કોરોના મહામારીને પહોંચી વળવા સક્ષમ છે. મહિસાગર જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડે સંતરામપુર તાલુકાના ચીચાણી તેમજ લુણાવાડા તાલુકાના પાણીયાપુરા એમ બંને કન્ટેઇન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. ચીચાણી તેમજ પાણીયાપુરા કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પોઝિટિવ કેસ સામે આવતા આ ગામોના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ વિસ્તાર હેઠળ આવરી લેવાયા છે. કલેકટરશ્રીએ આ વિસ્તારના લોકોના ઘરોની મુલાકાત દરમિયાન સ્થાનિકોને આરોગ્ય વિભાગ દ્વારા થતા ડોર ટુ ડોર સર્વેમાં સહકાર આપવા અપીલ કરી હતી. તેમજ આ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ના કરવા લોકોને જણાવ્યું હતું. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા માટે કરવામાં આવતી કામગીરી જેવી કે આયુર્વેદિક ઉકાળા વિતરણ, સંશમની વટી ગોળી, હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બનું વિતરણ તેમજ મેડીકલ સર્વે ટીમની કામગીરીનો રિવ્યુ કર્યો હતો. વધુમાં કન્ટેઇન્મેન્ટ વિસ્તારનાં લોકોને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો હતો. આ વિસ્તારનાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું સાથે આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવા તેમજ અન્ય લોકોને અવર-જવર પર પ્રતિબંધ તેમજ ઘરોની બહાર ન નીકળ્યા સૂચનાઓ આપી હતી. કલેકટરશ્રીએ સંતરામપુર તાલુકાને અડતી બોર્ડર વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.
કલેક્ટરશ્રીની પાણીયાપુરા મુલાકાત વેળાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી પણ જોડાયા હતા. સાથે લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી બ્રિજેશ મોડીયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા રહ્યા હતા.