ગાડી અને એ પણ નવી !

ગાડી અને એ પણ નવી !
Spread the love

બકાનાં ગતકડાં (ભાગ-18) 

ૐ શ્રી ગણેશાય નમઃ

ગાડીના શોખીન બકાએ જૂની ગાડી કાઢીને નવી ગાડી લેવાનું નક્કી કર્યું.બાળકોની ચોઈસની નાઈન સીટર મોટી ગાડી બુક કરાવી. આખું ઘર ખૂબ ઉત્સાહી હતું.જે દિવસે નવી ગાડી છોડાવવાની હતી એના આગલા દિવસે ઉત્સાહમાંને ઉત્સાહમાં રાત્રે તો કેમેય કરીને ઊંઘ ના આવે….

સવારમાં ઝટપટ નાહીધોઈને ગાડીના શોરૂમ પર પહોચ્યા. સારા મુહૂર્તમાં ગાડીની ડીલીવરી લીધી.કંપની તરફથી મોટી ચાવી આપીને ફોટો સેરેમની કરવામાં આવી..ગટુ,ચીકુ અને બકાએ નવી ગાડીની ચાવી લેતો ફોટો ગર્વથી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો. નવી કારમાં સૌથી પહેલાં મંદિરે દર્શન કરવા ગયાં.

બીજે દિવસે સવારમાં બકાને શ્રીમતીજીએ કામ સોંપ્યું. વડોદરાથી સાસુમાને નવી કારમાં લઇ આવવાનું કામ.બકો અને જીગો ઘરેથી સવારમાં નીકળ્યાં.એય……ને મસ્ત રેડિયો એફ.એમ.વગાડતાં વગાડતાં…સવારી ઉપડી.

“તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર… લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર…

બાજી જે હારી છે,પાછી લગાડી છે…મનડું જુગારી છે આ કેવું ડફોળ….લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે…”

નહેરુનગર ચાર રસ્તાથી સી.એન. તરફ રસ્તામાં ખાસ અવરજવર નહોતી.ગીતાબેન રાંભીયા ચોકથી પરિમલ ગાર્ડન થઈને પાલડી નીકળ્યાં.ફૂલબજારે ફૂલ લેવા ઊભા રહ્યાં.ફૂલ લઈને જેવા ગાડી તરફ જવા પગ ઉપાડ્યો કે બકાએ જોયું.એક સફેદ ટાવેરા બકાની કારની બાજુમાંથી સાવ નીકળી.એમાં બેઠેલા જાડિયાએ બારીનો કાચ ખોલીને પાનની પિચકારી મારી.પિચકારી સીધી પડી બકાની નવી નક્કોર ગાડી ઉપર.બકાએ જોરથી રાડ પાડી.

બકો : “એય સાલા ડફોળ …ઊભો રહે…”

પણ એતો ઊભો રહેતો હશે ?બકો અને જીગો ફટાફટ ગાડીમાં ગોઠવાયા અને એની પાછળ ઉપડ્યાં.એ ગાડી એસ.ટી. ચાર રસ્તાથી ગીતામંદિર રોડે વળી. ત્યાં ખુબ ભયંકર ટ્રાફિક હતો. શાહઆલમ થઈ કાંકરિયા રોડે ચઢી.કાંકરિયા વટાવીને ખોખરાના પુલ ઉપર જતાં જોઈ બકાને આશા બંધાઈ કે હવે આ ગાડી ઓવરટેક કરીને પકડી પાડીશ.

બકો : “સાલો જાડિયો એક વાર હાથમાં આવે એટલી જ વાર છે.નાલાયકને મારી મારીને છોતરાં છોલી નાખું.હરામખોર….મારી નવી નક્કોર ગાડી આજે પહેલી વાર બહાર કાઢી ….શું એને પિચકારીઓ મારવા માટે બહાર કાઢી છે ? નોનસેન્સ….ઈડિયટ્…”

જીગો : “ એકવાર એની નજીક આવી જઈએ તો ય બહુ છે.આપણી ગાડી સાઈડ કરીને એની ગાડીમાં ઘૂસીને સાલ્લાને મારીશું….હું તો કહું છું એના આખા ઘરને કોરોના થાય…કેટલી ખરાબ ટેવ છે ,ગમે ત્યાં થુંકવાની…એને કાયદેસર દંડ પણ થવો જ જોઈએ.હવે તો સરકારે જાહેરમાં થુંકવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.”

પણ એવું થયું નહી.ખોખરા સર્કલ થઇ મદ્રાસી મંદિરના રોડ ઉપરથી સડસડાટ નીકળી પેલો ગાડીવાળો પુલ ચઢી ગયો.સીટીએમ આવ્યું. ત્યાંથી જમણી બાજુ વળી એણે સીધો બરોડા એક્સપ્રેસ હાઈવે પકડ્યો.બકાને થયું હાશ…મારે એક કાંકરે બે પક્ષી મરાશે.વડોદરા જવાનું મોડું નહી થાય ને આને તો હવે હમણાં જ પકડી પાડીશ.

બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર ચઢ્યા પછી પેલી સફેદ ટાવેરાની ઝડપ ઓચિંતાની વધી ગઈ હતી.સો… એકસો વીસ…એકસો પચાસ…બસોની સ્પીડે પણ એને આંબી શકવું અઘરું લાગતાં બકાને પહેલીવાર થયું કે કઈક દાળમાં કાળું છે.હજી તો આવું વિચારે છે એટલામાં ટાવેરા એક્સપ્રેસ હાઈવે છોડીને બીજા ગામ જવાના નાના રસ્તે ફંટાઈ…બકાએ પણ પાછળ પાછળ ગાડી લીધી.નાના ગામડાના રસ્તે પાંચેક કિલોમીટર ગયા પછી એક સુમસામ જગ્યાએ ફાર્મ હાઉસ જેવી વાડીના ઝાંપાની અંદર જતી ટાવેરાને જોઈ બકાએ જીગાને ચેતવ્યો.

બકો : “ જીગા,મને આમાં કઈક ગરબડ જેવું લાગે છે.હોંશિયાર રહેવું પડશે.”

જીગો : “ આપણે તો એને પકડીને બતાવવું જ પડશે.જો આ તું થુંક્યો, એમાં અહી સુધી આવવું પડ્યું છે.શું કરીશું ગાડી બહાર રાખીશું કે અંદર લઇ જઈશું ?”

બકો : “અરે અંદર જ લઇ જઈશું.ભલે જે થવું હોય એ થાય…”

થોડે દુર પાંચેક મિનિટ ઊભા રહ્યાં પછી બકાએ ગાડીને વાડીમાં લીધી.ત્યાં ખુલ્લી જગ્યામાં પેલી ગાડી પડી હતી.એની બાજુમાં કાર પાર્ક કરી.બેય પહોંચ્યા સફેદ ટાવેરા પાસે.બરાબર નિરીક્ષણ કર્યું. ટાવેરામાં કોઈ નહોતું.વાડીમાં પણ કોઈ દેખાતું નહોતું. ટાવેરાની વચલી સીટની નીચે એક કોથળો દેખાયો.બકાએ કુતુહલવશ ગાડીનું હેન્ડલ ખેચ્યું…ખુલી ગયું…!

બકાએ બારણું ખોલ્યું કે તરત કોથળામાં થોડો સળવળાટ જણાયો.બકાએ કોથળો ખેચ્યો.કોથળાનું મો ખોલ્યું.એમાં મોં બાંધેલી હાલતમાં પાંચેક વર્ષની બાળકી હતી.એની આંખોમાં ડર હતો.બકાએ એના મોં ફરતે બાંધેલો પાટો છોડ્યો.મોંમાં ઠુસેલું કપડું કાઢી લીધું.ઘણાં કલાકોથી આ રીતે બાંધેલી હોવાથી બાળકી કશું બોલી નહી.એને ઊંચકીને એકદમ પોતાની કારમાં લઈ ગયો.પાછલી સીટે બેસાડી.પાણી પીવડાવ્યું.

બકો ; “ તારું નામ શું છે ?”

બાળકીએ કોઈ પ્રતિભાવ ના આપ્યો.

જીગો : “ આ બહેરી બોબડી છે કે શું ?”

બકો : “ વોટ ઈઝ યોર નેમ ?”

બાળકી “ માઝા નાવ અનામિકા આહે.” ( મારું નામ અનામિકા છે.)

બકો : “ તુ મરાઠી આહેસ ?” જવાબમાં છોકરીએ હકારમાં માથું હલાવ્યું.( “તું મરાઠી છે ?”)

જીગો : “ આ છોકરી તો મરાઠી છે.પછી ગુજરાતીમાં પૂછે તો ના જ બોલેને.”

બકો : “ તુ હયા કાર મધ્યે કશી આલીસ ?તુઝા ઘર કુઠે આહે ?” ( તું આ કારમાં કેવી રીતે આવી ?તારું ઘર ક્યા છે ?”)

બાળકી : “ મી મુંબઈલા રાહતે…મલા હયા કાકાની ઈથે ઉચલ આહાલ.” ( હું મુંબઈમાં રહું છું.આ કાકા મને ઉપાડીને અહી લઇ આવ્યા છે.)

બકો : “તુલા તુઝ્યા બાબા ચા ફોનનંબર માહિત આહે કા ?”( તને તારા પપ્પાનો ફોન નંબર ખબર છે ?”)

બાળકીએ હકારમાં માથું હલાવ્યું.બકાએ એની પાસેથી બાળકીના પિતાનું નામ અને નંબર લીધા.એ નંબર ઉપર બેબીનો અને ટાવેરા ગાડીનો ફોટો પાડીને એક મેસેજ મોકલ્યો.બેબીના સદનસીબે બકાને થોડી મરાઠી ભાષા આવડતી હતી.એટલે એને ગાડીની સીટ નીચે સુઈ રહેવાની સુચના આપી.જીગાને ગાડીને પાસે જ ઊભો રાખ્યો.

બકો વાડીમાં જાડીયાને ગોતવા નીકળ્યો. ઝાડની ઘટાની પાછળ ખાસ્સું મોટું મકાન હતું. એની સામે આ ફાર્મહાઉસનો આગળનો આલીશાન ઝાંપો દેખાયો.ત્યાં ચોકીદાર પણ હતો.બકાને પાછળના ભાગેથી આવતો જોઈ મકાનમાંથી એક કાકો,એક જુવાન અને એક ડોશી ત્રણ જણા ધસી આવ્યાં.

ડોસો : “ કુણ સ ?ચમ આયો સે ઓંય ?”

બકો : “ સફેદ ટાવેરા કોની છે ? એને બોલાવો.એણે મારી નવી નક્કોર ગાડી ઉપર પાનની પિચકારી મારી છે.એટલે એની પાછળ પાછળ મારે અહી સુધી આવવું પડ્યું છે.”

બકાની કદકાઠી જોઈ એને પોલીસમાં સમજી ત્રણે ગુંચવાયા.

ડોશીમા : “ અરે મું ઇના વતી મોફી મોંગુ સુ શ્યાએબ.મારી સોડીન જોવા બારગામથી આયા સે મેમાન ઈમની ગાડી હ.અવ મુ ઓય બોલાવું તો ખોટું લાગી જાય.તમન હાથ જોડું.પજે લાગુ.આ વાત ઓય દાટી દો.”

બકો : “ જો તમે એ જાડીયાને નહી બોલાવો તો હું પોલીસ ફરિયાદ કરીશ.એનું રફ ડ્રાયવીંગ તો રસ્તામાં સીસી ટીવી કેમેરામાં પણ દેખાઈ જશે.” બકાની કરડાકી આગળ નમતું જોખીને પેલો જુવાન મકાનની અંદર ગયો.થોડીકવાર પછી એની સાથે પેલો જાડિયો અને બીજા બે માણસો બકા પાસે આવ્યાં.
પેન્ટના બેય ખિસ્સામાં હાથ નાંખીને ઠંડે કલેજે ઊભેલા બકાને જોઈ આવનારા જરાક નર્વસ થઈ ગયાં.બકાએ પેલા જાડીયાને એક આંગળીના ઈશારાથી પાસે બોલાવ્યો.મનમાં ઘીસી ખાઈ ગયેલો જાડિયો જરાય ખસ્યો નહી.

બકો : “ કાકા આ હરામખોરને કહો કે મારી ગાડી ઉપર એનું થુકેલું એના હાથે જ સાફ કરે.નહિતર જોવા જેવી કરીશ.”
જવાબમાં જાડીયાએ બેય ખભા ઉલાળ્યા.ડોસો મૂંઝાયો. બકાએ જાડીયાની સામે જોઈ ત્રણ ચપટી વગાડી. અને ગાડી તરફ જવા ઈશારો કર્યો.

બકો : “ સાલા ખાઈ ખાઈને ભેંસ જેવો થયો છે.ગામના ગધેડા ય નથી ખાતા એવી તમાકુ ખાઈને ગધેડા જેટલીય બુદ્ધિ નથી રહી.તારા લીધે મારો જે ટાઈમ બગડ્યો છે,એ વસુલ કરવા કોરોનાની કોઠીમાં પૂરીને હિમાલયની ગુફામાં મૂકી આવીશ.છીકો ખાઈ ખાઈને મરી જઈશ તો ય કોઈ બચાવવા નહી આવે.ચાલ ચાલ ચાલ સીધે સીધો ગાડી સાફ કરવા.”

જાડિયો : “તુ તુઝ્યા બાપલા ઓળખત નાહી…તુઝી ગાડી મી સાફ કરણારચ નાહી જા…તુઝ્યા ચાની જે હોઈ તે કર. જાસ્ત બોલોશીલ તર એકા ગોળીત વર પાઠવુંન દેઈન.” ( તું તારા બાપને ઓળખતો નથી.તારી ગાડી તો સાફ નહિ જ કરું.જા,તારાથી જે થાય તે કરી લે.વધારે બોલ્યો છે તો એક જ ગોળીમાં ઉપર પહોચાડી દઈશ.”)

બકો :” આ શું બકે છે ?એને કહી દો ગાડી તો સાફ કરવી જ પડશે…” સમજતો હોવા છતાં બકાએ ના સમજવાનો ડોળ કર્યો.

જુવાન : “ એ કહે છે કે મારી ભૂલ થઈ ગઈ.માફ કરી દો.એણે બીપીની ગોળી ગળી નથી તો બહુ ચક્કર આવે છે.એનાથી સરખા ઊભા ય નથી રહેવાતું.એટલે હું એના બદલે તમારી ગાડી સાફ કરી આપું છું.તમારી ગાડી સાફ થઈ જશે બસ…ચાલો.”

બકાને એનું નાટક સમજાઈ ગયું.એના મગજમાં પેલી નાની બાળકી રમતી હતી.એને દમદાટી આપીને બકો પાછો ગાડી પાસે આવ્યો.પેલા ત્રણ પણ એની સાથે જ હતાં.એ લોકોને પાનની પિચકારી બકાએ બતાવી.તરત પેલા જુવાને ડોલ અને પોતું લઈને પાનની પિચકારી સાફ કરી આપી.લળી લળીને દસવાર માફી માંગી. બકાએ એ લોકોને બરોડા જવાનો રસ્તો પૂછ્યો.ગાડી બહાર કાઢીને એકદમ સુપર સ્પીડે અમદાવાદ તરફ દોડાવી.

જીગો : “બકા હવે શું કરીશું ?”

બકો : “ વધારે સમય નથી.પેલા ગુંડાઓ પાછળ આવશે જ.આપણે એમને ગુમરાહ કરવા બરોડાનો રસ્તો પૂછેલો.પણ એ આપણી પાછળ જ આવશે આ છોકરીને લેવા.”

બકાની ગાડી રવાના થઈ કે તરત ગુંડાઓ પેલી છોકરીને લેવા ટાવેરામાં ગયાં.છોકરી તો હોય તો મળેને ?કોથળાનું મોં છોકરીથી જાતે તો ખુલે નહી. નક્કી આ કામ બકાનું.બે ગાડી કાઢીને બકાની પાછળ દોડયા.

આ બાજુ બકાએ ગાડીમાં બ્લ્યુ ટ્રુથ સ્પીકર ઉપર જ પોલીસ કમિશ્નર સાથે અને ઘરે કસ્તુરી સાથે ટૂંકી વાત કરી લીધી.છોકરીનો ફોટો અને ટાવેરાનો ફોટો મેસેજ કર્યો.બકાએ હવે એ લોકોને શહેરની હદમાં લાવવાના હતાં.બકો બરોડા એક્સપ્રેસ હાઈવે પૂરો કરે એ પહેલાં ગુંડાઓની ગાડી પાછળ આવતી લાગી.
ઝપાટાભેર અમદાવાદમાં એન્ટર થતાં જ બકાના જીવમાં જીવ આવ્યો.

એણે નારોલ સર્કલ તરફથી ચંડોળા અને ત્યાંથી અંજલિ ચાર રસ્તા થઈ માણેકબાગ વટીને નહેરુનગર ક્રોસ કર્યું.નહેરુનગરના અજબગજબના ટ્રાફિકમાં ભલભલા ગુંચવાઈ જાય,ત્યાં ગુંડાઓની ગાડી પણ અટવાઈ પડી.બરાબર એ.એમ.એ.ની સામે નવા બનેલા પોલીસ સ્ટેશનના બિલ્ડીગમાં બકાએ ગાડી ઘુસાડી દીધી.બહારથી આ બિલ્ડીગ કોઇપણને પોલીસ સ્ટેશન જેવું લાગે જ નહી.

ધાર્યા મુજબ જ ગુંડાઓએ પણ એમની બેય ગાડીઓ અંદર ઘુસાડી. જેવા ગાડીની બહાર નીકળ્યા કે તરત સાદા ડ્રેસમાં આવી પોલીસોએ ચારે બાજુથી ઘેરી લીધા.બકો પોલીસ સ્ટેશનમાં પહોચતા જ પેલી છોકરીના પિતાનો ફોન આવ્યો.એમણે બકાનો આભાર માન્યો.બે દિવસ પહેલાં મુંબઈથી અપહરણ કરાયેલી અને ઇન્જેકશનો આપીને બેહોશ રખાયેલી પેલી નાની છોકરીને બચાવવા બદલ બકાને ખૂબ શાબાશી મળી.

બીજે દિવસે છાપાઓમાં હેડીંગ સાથે બકો,જીગો અને બાળકીનો ફોટો પણ હતો. કસમથી અડધા અમદાવાદને આજે બકાનું સાચું નામ ખબર પડી.
“અપહરણકર્તાઓથી બાળકીને બચાવનાર બહાદુર અમદાવાદી કોણાર્ક બગડિયા.”

લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

મારા વ્હાલા વાચક મિત્રો,
આપની ગમતી કોલમ ‘બકાનાં ગતકડાં’ને અહી વિરામ આપું છું.બકા સાથે આપણે ફરીથી ચોક્કસ મળીશું.આપના સ્નેહ અને લાગણી માટે આભાર .
નિકેતા વ્યાસ કુંચાલા

Screenshot-36.png

Admin

Niketa Vyas

9909969099
Right Click Disabled!