ગૃહ રાજ્ય મંત્રીપ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લા  આયોજન મંડળની બેઠક યોજાઈ

Spread the love
  • આયોજનમાં મંજૂર થયેલા કામો નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવા નિર્દેશ આપતા ગૃહ રાજ્યમંત્રીશ્રી
  • પંચમહાલ જિલ્લામાં સર્વાગી વિકાસ અર્થે રૂ.૨૨૬૬ લાખના ખર્ચે ૧૬૯૫ કામો મંજૂર
  • પંચમહાલ જિલ્લાના આયોજન મંડળના રૂ. ૯૨૫ લાખના ૬૭૫ કામો મંજૂર: આદિજાતિ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂ.૧૩૪૧ લાખના ખર્ચે ૧૦૨૦ કામો મંજૂર

ગાંધીનગર,
પંચમહાલ જિલ્લાના પ્રભારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ વર્ષ 2020-21 માટે જિલ્લાકક્ષા તથા તાલુકાકક્ષાએ વિકાસના કામોને પ્રાથમિકતા આપતા પંચમહાલ જિલ્લામાં સર્વાગી વિકાસ અર્થે રૂ.૨૨૬૬ લાખના ખર્ચે ૧૬૯૫ કામોની મંજૂરી આપી છે. જેમાં પંચમહાલ જિલ્લાના આયોજન મંડળના રૂ. ૯૨૫ લાખના ૬૭૫ કામો મંજૂર કરાયા છે અને આદિજાતિ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂ.૧૩૪૧ લાખના ખર્ચે ૧૦૨૦ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આયોજનમાં મંજૂર થયેલા કામો નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવા જરુરી નિર્દેશ આપ્યા હતા.

જિલ્લાના વિકાસ કાર્યોના આયોજનની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રીએ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સર્જાયેલ કટોકટીથી સમગ્ર પ્રક્રિયા ત્રણ મહિના વિલંબથી ચાલી રહી છે તો હવે અમલીકરણમાં વધુ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગૃહમંત્રીશ્રીએ આયોજનમાં મંજૂર થયેલ કામો નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેનું અંગત રીતે ધ્યાન રાખવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. તો બીજી તરફ ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટ કોરોના કટોકટીમાં વપરાઈ છે ત્યારે તાલુકા કક્ષાઓના વિકાસ કાર્યો માટે વધુ ગ્રાન્ટ માટેની રજૂઆતને ધ્યાને લઈ તે અંગે હકારાત્મક રીતે વિચારણા કરવા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

બેઠકમાં ઉપસ્થિત કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે મંજૂર થયેલ કામો સમયસર પૂર્ણ થાય તે માટે વહીવટી મંજૂરી માટેની પ્લાન એસ્ટીમેટ તૈયાર કરવા સહિતની ઔપચારિકતાઓ માટેની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. કલેક્ટરશ્રીએ આ બેઠકમાં વર્ષ 2020-21ના પંચમહાલ જિલ્લાના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લાની 4 નગરપાલિકાના સીસીરોડ, પાણીની પાઈપલાઈન, કન્ટેઈનર સહિતના 27 પ્રકારના કામો માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, બક્ષીપંચ જોગવાઈ હેઠળ પાંચ તાલુકાઓના સંરક્ષણ દિવાલ, સીસી રોડ, પેવર બ્લોક, ગટરલાઈન પ્રકારના 16 કામો માટે કુલ 25 લાખની જોગવાઈ છે. જિલ્લા સમાહર્તાશ્રી અરોરાએ આ ઉપરાંત વર્ષ 2018-19ના વર્ષમાં મંજૂર થયેલ કાર્યોની વિગત આપતા જણાવ્યું હતું કે મંજૂર થયેલ 1801 કામો પૈકી 1623 કામો પૂર્ણ થયેલ છે, 164 પ્રગતિમાં છે તેમજ 14 કામો શરૂ થઈ શક્યા નથી. વર્ષ 2019-20માં મંજૂર થયેલ 1519 કામો પૈકી 740 પૂર્ણ થયા છે જ્યારે 677 કામો પ્રગતિમાં છે અને 102 કામો શરૂ થઈ શક્યા નથી.

આ બેઠકમાં ગાંધીનગર ખાતે કૃષિ પંચાયત અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગોધરા કલેક્ટર કચેરી ખાતે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુરના સાંસદશ્રી ગીતાબેન રાઠવા, ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી, કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, પોલિસ અધિક્ષક ડો. લીના પાટિલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.એલ. નલવાયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી, પ્રાયોજના વહીવટદારશ્રી સહિતના અધિકારીઓ, તાલુકા પંચાયત-નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તથા અગ્રણી પદાધિકારીશ્રીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!