BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના ભદ્રેશદાસ સ્વામી બન્યા હિંદુ ધર્મના છઠ્ઠા આદી આચાર્ય

BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના ભદ્રેશદાસ સ્વામી બન્યા હિંદુ ધર્મના છઠ્ઠા આદી આચાર્ય
Spread the love

હિંદુ ધર્મ માં આચાર્ય નું ખુબ મહત્વ માનવામાં આવે છે, આચાર્ય ની પરિભાષા એવી છે કે હિંદુ ધર્મ ગ્રંથો નો અભ્યાસ કરીને ભાષ્ય લખીને ચારેય મઠ ની માન્યતા મળે તેને આચાર્ય ની પદવી મળે. પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતના ક્ષેત્રમાં જે સિદ્ધિ મેળવી છે, તે આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. આટલી નાની ઉંમરે આવા અદ્વિતીય અને અપૂર્વ ભાષ્યો રચવા તે કોઈ સામાન્ય સિદ્ધિ નથી. દેશ અને વિદેશના અનેક પ્રકાંડ વિદ્વાનો કહે છે કે છેલ્લી કેટલીય સદીઓમાં આવું કાર્ય થયું નથી. સોમનાથ સંસ્કૃત યુનિ.એ તેમનું બહુમાન કર્યુ તે, સર્વથા ઉચિત છે.

આજદિન સુધી હિંદુ ધર્મ ને પાંચ આચાર્ય મળ્યા અને હવે છઠ્ઠા આચાર્ય પણ મળી ચુક્યા છે. ભદ્રેશદાસ સ્વામી અને વિદ્વાન સંતો દ્વારા વૈદિક સાહિત્ય પર હજુ વધુ સંશોધન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું, એમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે રવિવારે સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે મહામહોપાધ્યાય ભદ્રેશદાસજી સ્વામીનું સોમનાથ સંસ્કૃત યુનિ.ના વિદ્વાનો દ્વારા બહુમાન થયું તે પ્રસંગે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે માત્ર ૪૦ વર્ષની વયે પૂ.ભદ્રેશદાસજી સ્વામીએ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય રચીને એક મહાન સિદ્ધિ મેળવી છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી તેમણે રચેલા આ ભાષ્યોને વિશ્વભરના અનેક વિદ્વાનોએ ૨૧મી સદીના પ્રથમ ભાષ્ય તરીકે ગણાવીને મહાન ઉપલબ્ધિ દર્શાવી છે. થાઇલેન્ડ ખાતે યોજાયેલી વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ ખાતે ભદ્રેશદાસ સ્વામીનું પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્યો રચવા બદલ ‘વેદાંત માર્તંડ’ તરીકે સન્માન કરાયું હતું. સાથે જ કાશીમાં ‘વેદાંત કેસરી’, મહામહોપાધ્યાય વગેરે અનેક બહુમાનોથી સન્માનવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રવીન્દ્રકુમારજી, આંબેડકર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પંકજ જાની, વૃંદાવનના વિદ્વાન ધર્માચાર્ય શ્રીવત્સ ગોસ્વામીજી, ઇન્ડિયન કોંગ્રેસ ઓફ ફિલોસોફિકલ રિસર્ચના અધ્યક્ષ એસ.આર.ભટ્ટ, બેંગ્લોરના વિદ્વાન હરિદાસ ભટ્ટાચાર્ય જે.એન.યુ.ના વિભાગાધ્યક્ષ પેન્દ્ર રાવ સહિત મૂર્ધન્ય વિદ્વાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ વિદ્વાનોએ ભદ્રેશદાસ સ્વામીની આ સિદ્ધિને વિશ્વભરના સંસ્કૃત જગતની એક મહાન ઘટના ગણાવી હતી.

વૈદિક અક્ષરપુરુષોત્તમ દર્શન એટલે કે તત્ત્વજ્ઞાનની રહસ્યમયવાતોને વિશ્વ સમક્ષ ગ્રંથો દ્વારા મૂકનારા ભદ્રેશદાસ સ્વામીજીએ જણાવ્યું કે આજે હું જે કંઇ કરી શક્યો છું, તે બધાનો યશ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ, પૂજ્ય મહંત સ્વામી મહારાજને જાય છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે મને ઉપનિષદોના ગહન મંત્રોના અર્થોની પ્રેરણા કરી તે મુજબ હું પ્રસ્થાનત્રયીના ભાષ્યો અને વાદગ્રંથ રચી શક્યો છું. ભગવાન સ્વામિનારાયણે આરંભેલી મહાન વૈદિક તત્ત્વજ્ઞાનની પરંપરાની સેવા કરવાની તક મળી તેને હું મારું અહોભાગ્ય સમજું છું.

પ્રસ્થાનત્રયી ભાષ્ય એટલે શું ?

વિશ્વના સૌથી પ્રાચીન ગણાતા વૈદિક સાહિત્યના દશ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતાના મંત્ર-શ્લોકોનું અર્થઘટન કરી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનો ઉપક્રમ એટલે પ્રસ્થાનત્રયી ભાષ્ય. તેમણે લખેલા કુલ ૩.૫ હજાર મુદ્રીત પૃષ્ઠોનું વિશાળ કદ ધરાવે છે. તેમણે અનેક ગ્રંથો રચ્યા છે, જે યુનિ.ઓના ઉચ્ચસ્તરીય અભ્યાસક્રમમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.

Right Click Disabled!