ટિકટોક પર લગામ એટલે દેશભક્તિ..!?

ટિકટોક પર લગામ એટલે દેશભક્તિ..!?
Spread the love

ગુજરાતી ભાષામાં એક કહેવત છે: “પહેલો સગો પાડોશી” ગમે તેટલો મોટો પરિવાર હોય, પૈસા-માયા કે પાવર હોય પણ જ્યારે જ્યારે માણસ પર આફત આવે કે દુઃખ પડે કે મોતનો માતમ હોય ત્યારે સૌપ્રથમ પાડોશી જ કામ આવે છે, આશ્વાસન-ધીરજ આપે છે, ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, દલિત હોય કે કોઈપણ જ્ઞાતિ કે વર્ગનો હોય એટલે જ કહેવાયું છે કે, “પહેલો સગો પાડોશી” એટલે તેનાથી બગાડવું ન જોઈએ. વર્તમાન સ્થિતિમાં કોરોના નામના જીવલેણ રોગના કારણે “વિશ્વ આરોગ્ય સસ્થા”એ માર્ચમાં “વૈશ્વિક મહામારી” લાગુ કરી જે આજ પર્યંત ચાલે છે.

આખા વિશ્વને હચમચાવી દેનારી આ ઘટના છે, આપત્તિ છે. પરંતુ આવા કપરા સમયમાં લોકોના આરોગ્યને જાળવવું, પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી, દવાઓ પુરી પાડવી, હોસ્પિટલોમાં સેવાઓ પુરી પાડવી, સંશોધનો કરીને કોરોના પર અંકુશ મેળવી શકાય એવી દવાઓનું સંશોધન કરવું, દેશના ખૂણે ખૂણે વસતા લોકો-મજૂરો-કામદારો માટે પરિવહનની સુવિધા પૂરી પાડવી અને ગરીબ-મજૂર-મધ્યમવર્ગના લોકોને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવી(જોકે મહદઅંશે સરકારે કાર્ય કર્યું છે, પણ ખૂબ સારું તો નહીં જ) આ બધું કરવાની જગ્યાએ પાડોશી દેશો સાથે તણાવભર્યા સંબંધો પેદા કરવા, ખાસ કરીને ચાઈનીઝ વસ્તુઓનો(ટિકટોક) બહિષ્કાર કરવો વગેરે લોકોમાં એક પ્રકારે ધ્રુવીકરણ, નફરત પેદા થાય તેવું કાર્ય વર્તમાનમાં કરવામાં આવી રહ્યું છે.

રમુજી ઍપ એટલે “ટિકટોક” જે ચીન દ્વારા વિકસાવવામાં આવી છે અને આજે તેની ચાહના ખાસ કરીને યુવાવર્ગમાં અસીમ વધેલી જોવા મળે છે, ભારતમાં તો ખાસ! એવું કહેવાય છે કે ટિકટોકના સ્થાપકે આ ઍપ એટલા માટે વિકસાવી કે જે લોકો પાસે કામ નથી એ લોકો તેને જોઈને ટાઈમપાસ કરી શકે! પરંતુ તેની દેખતાં-દેખતાં એટલી ચાહના વધી કે આબાલવૃદ્ધ કોઈપણ તેનાથી દૂર રહી શક્યું નહિ! ભારતનું યુવાધન તેને આધીન થઈ ગયું, રાહ ભટકી ગયું! આમ તો સરકારના આ પગલાને દાદ આપવી જોઈએ પણ ફરીવાર ચાલુ ન કરે તો!! હવે તો સરકાર દ્વારા આપણા દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપીને એવી ઍપ્સ તૈયાર કરવી જોઈએ જેનો ઉપયોગ કરવા આખું વિશ્વ લલચાય! ખાસ કરીને ચાઈના! તો જ ખરા અર્થમાં “ટિકટોક”ની પાબંદી સફળ થઈ ગણાય, નહિ તો માત્ર રાજકીય સ્ટંટ કહેવામાં અતિશયોક્તિ નથી.

દેશમાં કોરોનાના કારણે દા’ડે હજારો લોકો તેનો ભોગ બને છે તેની ચિંતા નથી એટલી ચિંતા ‘ટિકટોક’ની કરે છે! ટિકટોક જ નહીં પરંતુ દરેક વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ. મોબાઈલ, મોટરકાર, મોટાં યંત્રો, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, સૌંદયપ્રસાધનો, કપડાં, ફેસબુક, વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ઝૂમ, ગૂગલ વગેરે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ, વિદેશપ્રવાસ પણ બંધ કરી દેવા જોઈએ! પણ કોઈ એક દેશની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવીને સરહદ પર તણાવ પેદા ન કરવો! જમ્મુ-કાશ્મીરના હુમલામાં 44 જવાનોનો અગ્નિ તો હજુ ઠર્યો જ નહોતો ત્યાં તો ચીની સરહદ પર અઢારેક સૈનિકોએ દેશ ખાતર બલિદાન આપી દીધું! વારંવાર સૈનિકોનો જ ભોગ લેવાનો!! “દુઃખે પેટ ને કૂટે માથું!” આવું ન કરવું જોઈએ. આનું પરિણામ છેવટે સરહદ પર સૈનિકોની શહીદીમાં પરિવર્તન પામે આ કરુણતા છે.

પાકિસ્તાનની સરહદ પર તો રોજ ઘર્ષણ થાય છે, હવે વળી ચીન સરહદ પર ટિકટોકની આગ બળે છે!! “ટિકટોક” પર પ્રતિબંધ મુકવો એટલે દેશભક્તિ નથી પણ નફરત દેખાય છે! એકબાજુ કોરોના ને એકબાજુ ચીન સરહદ વિવાદ, ટિકટોક પ્રતિબંધ, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર આ બધું દેશના ભાવિ માટે યોગ્ય તો નથી જ, ખતરારૂપ કદાચ ગણાવી શકાય. ટિકટોકની સાથે-સાથે અન્ય બિનજરૂરી ઍપ્સ પર પ્રતિબંધ લગાવવાથી કંઈ ચીન પીછેહઠ કરવાનું નથી કે નથી પગે પડવાનું- આ કડવી વાસ્તવિકતા છે! કદાચ ચીનનું ઘમંડ તોડવું હોય તો વર્તમાન સરકારે “સંયુક્ત રાષ્ટ્રો”માં “વિટો પાવર”ની શક્તિ મેળવવી જોઈએ તો કદાચ ચીનને ઊંચુંનીચું કરી શકીએ! બાકી ટિકટોક ઍપ પર પ્રતિબંધ લગાવવાથી કોઈ ફાયદો થાય એમ લાગતું નથી અને મોબાઈલમાંથી ટિકટોક ઍપ ડિલિટ કરવાથી કંઈ દેશભક્ત થવાતું નથી! મેં આજ દિવસ સુધી ટિકટોકનો ઉપયોગ કર્યો નથી. જયભારત જયહિંદ.

——-૦——-૦——-૦——-૦——

સુથાર કેશાભાઈ કુંપાભાઈ
વાઘાસણ, બનાસકાંઠા

Right Click Disabled!