ચાલો માણસ બનીએ……! “હું માનવી માનવ થાઉં તો ઘણું”

ચાલો માણસ બનીએ……! “હું માનવી માનવ થાઉં તો ઘણું”
Spread the love

– સુન્દરમ્

ઉપરોક્ત પંક્તિ મહાન ગુજરાતી સાહિત્યકાર “સુન્દરમ્ “ની છે. આમતો માત્ર બે-ચાર શબ્દોની પંક્તિ જ છે, પરંતુ તેનો મર્મ ઘણો મોટો છે, ગહન છે. આ પંક્તિને વાંચતા સામાન્ય રીતે એવું પ્રતીત થાય, કે આતો ‘માનવી’ અને ‘માનવ’ બન્ને એક જ શબ્દ છે સમાન છે! તો માનવી અને માનવ બન્ને અલગ કેમ? એવો પ્રશ્ન કદાચ મનમાં થાય એ સહજ છે. ભલે બન્ને સમાનાર્થી છે પરંતુ બન્ને વચ્ચે જમીન-આસમાન જેટલો ફરક છે! પૃથ્વી પરની સજીવસૃષ્ટિમાં વનસ્પતિ, જીવજંતુ, પ્રાણીઓ, પક્ષીઓ, વિષાણુ, જીવાણુ અને માનવીનો સમાવેશ થાય છે. પણ, આ બધાંમાં માનવી એ બુદ્ધિશાળી-સામાજિક પ્રાણી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેને ‘માનવી’ કે ‘મનુષ્ય’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જે પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે અને વિચારી શકે છે એટલે જ તેને કુદરતનું અમૂલ્ય સર્જન કહેવામાં આવે છે!

હવે વાત કરીએ માનવી અને માનવ વચ્ચેના ભેદની. સામાન્ય રીતે સર્જકે-ઈશ્વરે આપણને ‘માનવી’ બનાવીને જ મુક્યાં છે. બે પગ, બે હાથ, આંખો, કાન, નાક, ઇન્દ્રિયોવાળું, ઊભું, સીધું- ટટ્ટાર પ્રાણી એટલે માનવી. ધરતી પર આપણે બધા માનવી થઈને જ અવતરીએ છીએ. માનવ તો પછી બનવાનું હોય છે સારાં કર્મો કરીને! એટલે તો કહેવાય છે, કે “માણસ જાતિથી નહિ પણ કર્મથી મહાન બને છે!” પછી તે કોઈપણ ધર્મ કે જાતિનો હોય. ધાર્મિક સ્થળો, શાળાઓ, સંસ્થાઓ, ગુરુકુળો, આધ્યાત્મિક સંગઠનો, મહાશાળાઓ, વિદ્યાપીઠો, ચલચિત્રો, રામાયણ, મહાભારત, વેદો, ઉપનિસદો વગેરે ગ્રંથો અને વિવિધ પ્રકારનાં પુસ્તકો આ બધું માનવીને માટે જ હોય છે, માનવીને જ બોધ આપવા-સમજ આપવા માટે હોય છે, માનવીને માનવ બનાવવા માટે!

ક્યાંય એવું પુસ્તક કે ગ્રંથ જોવા મળ્યો કે જે પશુ-પંખીઓને બોધ આપવા માટે લખવામાં આવ્યું હોય! પણ, હા તેઓનો(પશુ-પંખીઓ) ઉપયોગ કરીને માનવીને જરૂર બોધ આપવામાં આવે છે! ‘ પંચતંત્રની વાતો’ માં પ્રાણીઓ-પંખીઓને પાત્રસ્વરૂપે લઈ માનવીને માનવ બનાવવા માટેના પ્રયાસો જરૂર કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં ભક્તિની આડમાં ઘણીવાર કંઈક ને કંઈક અનિચ્છનીય ઘટનાઓ બનતી જોવા મળે છે જે હીનતા દર્શાવે છે. દિનપ્રતિદિન માનવી “માનવી” જ બનતો જાય છે, “માનવ” બનતો નથી. માત્ર ભણવાથી કે નવાંનવાં કપડાં પહેરવાથી, ટીલાં-ટપકાં કરવાથી માણસ બની શકાતું નથી!! પરંતુ કોઈને ઉપયોગી બનવું, અપકારનો બદલો ઉપકારથી લેવો, દયાભાવ, સહનશીલતા, ક્ષમાભાવ, કોઈના રસ્તામાં ફૂલ ન પથરાય તો વાંધો નહિ પણ કાંટા તો ન જ પાથરવા, સર્વધર્મસમભાવ, ઊંચનીચનો ભેદભાવ નહિ, શિક્ષણનું કાર્ય, જરૂરતમંદને મદદ કરવી વગેરે માધ્યમોમાંથી પસાર થઈ પરિપક્વ બને તેને જ સાચો “માનવ” કે “માણસ” કહી શકાય! માટે આપણે માનવીમાંથી માનવ બનવાનું છે.

ઘણીવાર આપણે કંઈક ભૂલ કરતા હોઈએ ત્યારે આપણને કોઈ કહે છે, “માણસ” થા કે “માનવ” થા. પણ “માનવી” કે “મનુષ્ય” થા એમ કોઈને કહેતાં સાંભળ્યાં!? ના. કારણ કે, “માણસ” થવું એટલે સારા બનવું, વિવેકી બનવું, યોગ્ય બનવું વગેરે. આમ, માનવી અને માનવ બન્ને છે તો એક પરંતુ તેમના વચ્ચેનો તફાવત, મર્મ, ભેદ ઘણો મોટો છે, એક તળાવ છે તો એક સમુદ્ર છે! એટલે જ “માણસ” બનવું અઘરું તો છે પણ, પ્રયત્ન કરો તો સફળતા જરૂર મળે છે. કોઈકે કહ્યું છે કે, ” જિંદગી તો એવી જીવવી જોઈએ કે જ્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યારે(મૃત્યુ થાય ત્યારે) સ્વજનો કરતાં દુશ્મનો વધારે રડે! એટલે કે દુશ્મન પણ આંસુ સારે! ટૂંકમાં, પોતાના પાપી પેટ માટે માનવી ડૉકટર, ઈજનેર, નેતા, વેપારી, વકીલ, શિક્ષક, અભિનેતા તો બનતા જ હોય છે પરંતુ તેની સાથેસાથે “માણસ” પણ બનવું જોઈએ. તમારી હાજરીની તો નોંધ બધાં લે પણ ગેરહાજરીની નોંધ લેવામાં આવે ત્યારે સમજો તમે સાચા “માણસ” છો! પછી ભલેને તમારી પાસે કોઈ હોદ્દો, પૈસા કે પાવર કશું પણ ન હોય!!

અંતમાં, આવો આપણે બધા “માનવી”માંથી “માનવ” બનીએ….! બસ, “હું માનવી માનવ થાઉં તો ઘણું”


સુથાર કેશાભાઈ કુંપાભાઈ
વાઘાસણ, બનાસકાંઠા

Right Click Disabled!