કડી પાલિકાએ ફાયર NOCની નોટિસો આપતા સોશિયલ મીડિયામાં ડોક્ટરો દ્વારા પાલિકાની કાર્યવાહી સામે વિરોધ
કડી પાલિકાએ ધડાધડ ફાયર NOCની નોટીસો આપતા સોશિયલ મીડિયામાં ડોકટરો દ્વારા પાલિકાની કાર્યવાહી સામે વિરોધ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે. સાવચેતી અને સલામતી એ ચીજ વસ્તુ માટે નહીં પરંતુ જીવન રક્ષણ માટેની હોય ત્યારે પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી બની જાય છે પરંતુ આજે સુરત ટ્યુશન કલાસીસ બાદ અમદાવાદમાં કોવિડ ICU વોર્ડમાં આગ લાગવાની ઘટના બનતા તંત્ર ફરી એકવાર હરકત માં આવ્યું છે ત્યારે રાજ્ય ફાયર અને સેફટી વિભાગ દ્વારા તમામ નગરપાલિકાને જાહેર કે ખાનગી તમામ મિલકતો પર સર્વે કરી અગ્નિશામક સાધનો અને સુવિધા વિશે રીપોર્ટ મંગાવી કાર્યવાહી માટે આદેશ કરાયા છે ત્યાં કડી નગરપાલિકા દ્વારા કડીમાં આવેલ હોસ્પિટલોને પ્રાથમિકતા આપતા તમામ NOC નહી ધરાવતી તેમજ અગ્નિશામક સુવિધા ના ધરાવતી હોસ્પિટલો ને ધડાધડ નોટિસો ફટકારવામાં આવી છે જે નોટિસો મળતાની સાથે જ તબીબી આલમમાં હલચલ મચી જવા પામી છે.
કડીના તબીબો દ્વારા સોસીયલ મીડિયા માધ્યમ થી ગ્રુપમાં પાલિકાની નોટિસ આપવા જેવી કાર્યવાહી સામે નારાજગી જતાવી સોમવારે સામુહિક રૂપે સંગઠીત બની તમામ ખાનગી હોસ્પિટલો બંધ રાખવા ચર્ચા કરવામાં આવનાર છે તો કેટલાક તબીબોએ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે મીટીંગ કરી ચર્ચામાં સમાધાન ના થાય તો હોસ્પિટલોને બંધ રાખવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. તબીબોના વ્હોટ્સએપ ગ્રુપની ચર્ચામાં તંત્રની પોલ છતી થયેલ જોવા મળે છે જેમાં કેટલાક તબીબો એ હોસ્પિટલની NOC માંગી હોવા છતાં આપવામાં આવી નથી જેથી તંત્ર દ્વારા NOC નહિ આપતા હોસ્પિટલમાં કોઈ ઘટના બને તો જવાબદારી તંત્રની વધી જતી હોય છે અને માટે તંત્ર ખાલી નોટિસો આપે છે પરંતુ NOC નથી આપતું તેવા મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે ત્યારે સુરત અને અમદાવાદ ની ગોજારી ઘટના બાદ પણ જો માત્ર તંત્રની દેખાવી કામગીરી રહી અને લોકોમાં પણ જાગૃતતા ના આવી તો આવતી કાલ કોઈ જગ્યાએ પણ દુર્ઘટનાને આમંત્રણ આપવા જેવું બની શકે છે.