ભ્રમણાઓની ભૂતાવળમાં અખતરાના અટકચાળાથી હવે થાક્યા…!

ભ્રમણાઓની ભૂતાવળમાં અખતરાના અટકચાળાથી હવે થાક્યા…!
Spread the love

રસીની નફાખોરી આપણા દેશમાં ચર્ચાનો મુદ્દો જ ન બની શકે પરંતુ અત્યાર સુધી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જે ભ્રામક ભયની ભૂતાવળનો વેપાર થયો છે, તેના અનુભવે રસીકરણની ઉતાવળ ક્યાંક અખતરાનો અટકચાળો ન બને તે નિિૃત કરવું સરકાર માટે અગ્નિપરીક્ષા બની રહેશે. કોરોનાની રસી ૧૦૦ ટકા કાર્યક્ષમ હોવાનો દાવો છે. કોરોનાની રસી લીધા પછી જો કંઈ થાય તો કોઈ જવાબદાર નહીં ગણાય, રસી બનાવનાર જવાબદારી નહીં લે, આપનાર ડોક્ટર તો આપતાં પહેલાં જ ફોર્મ પર સહી કરાવી લેશે. જો ખરેખર રસી સુરક્ષિત છે જ તો જવાબદારી લેવા કેમ કોઈ તૈયાર નથી તે યક્ષ પ્રશ્ન છે. ૯૬ ટકાથી વધુ દર્દીઓ વગર ઈલાજના રોગમાં સાજા થયા છે, ત્યારે ૯૪થી ૯૫ ટકા પરિણામ નિિૃત કરતી રસીના ઉપયોગની સાર્થક્તાનો મુદ્દો જનસામાન્યને મૂંઝવણમાં મૂકનારો છે, ડબ્લ્યુએચઓ ભરોસાપાત્ર રહ્યું નથી..

૨૦૨૦ની વસમી યાદોને ભૂલી નવું વર્ષ આવકારવાના ઉમળકા સામે નવા કોવિડનો નવો અજ્ઞાત ભય પડકાર બની ઊભો છે. ગત આખું વર્ષ ઉપચાર વગરના કોરોનાની રસીની રાહ જોવામાં વીતી ગયું. દસ વર્ષે પ્રમાણિત થતી રહેલી ‘રસી’ કોવિડ-૧૯ વાઈરસ માટે ફક્ત એક જ વર્ષમાં હસ્તગત થઈ ગઈ. આખા વિશ્વમાં આ રસીના પ્રાયોગિક કટોકટીજન્ય પરીક્ષણોને મંજૂરી આપી દેવાઈ છે. આપણા દેશમાં પ્રત્યેક નાગરિકને આ રસી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી દીધી છે. ભારતમાં ૩૦મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પહેલો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો તે પછી આજ દિવસ સુધીના કોરોના ઉપદ્રવનો ચિતાર જોવાની ઇચ્છાએ જે યત્ન કર્યો તેનાથી આજના આલેખનનો વિષય મળ્યો.

પ્રારંભે આ વિપદા માટે ફક્ત સરકારી સંસાધનો હતાં ત્યારે નોંધાયેલો કોરોનાનો વૃદ્ધિદર ખાનગી ધોરણે કાર્યાન્વિત થઈ ઉમેરાતી રહેલી સુવિધાને સમાંતર જ વધતો દેખાયો. ટૂંકમાં જેમ જેમ ખાટલા વધતા ગયા તેમ તેમ કોરોના પોઝિટિવની સંખ્યામાં પણ વધારો થતો રહ્યો.આ તર્કના સમર્થનમાં આંકડાની માયાજાળ રજૂ કરી ગૂગલિયા જ્ઞાનની વિદ્વત્તા સ્થાપિત કરી શકાય પરંતુ મૂળ વિષયના સમર્થનમાં તે અખબારની બહુમૂલ્ય જગ્યા અને વાચકોના અમૂલ્ય સમયનો વ્યર્થ વ્યય ગણાશે તેમ મારું સ્પષ્ટ માનવું છે. ‘હટેલી’ વાત ‘ભટકેલી’ ન થઈ જાય તેની પૂર્ણતઃ સભાનતા સાથે આજે અહીં કોરોના કાળના ભૂતકાળ અને ભાવિનું વિહંગાવલોકન કોઈ પણ ટીકા ટિપ્પણી વિના જે દેખાય છે તે સ્વરૂપે રજૂ કરી રહ્યો છું.

૨ જાન્યુઆરીએ સાંજે આ લખાય છે ત્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસનો સરવાળો ૧,૦૩,૦૬,૧૨૪ છે. આ મીટર સતત ચલિત છે. હાલ દેશમાં ૨,૪૯,૪૫૬ કોરોનાગ્રસ્ત સારવાર હેઠળ છે. અત્યાર સુધી ૯૯,૦૬,૩૮૭ દર્દીઓ એવા રોગની સારવાર લઈ સાજા થઈને ગયા છે, જેની કોઈ પ્રમાણિત દવા જ નથી. મૃત્યુઆંક ૧,૪૯,૨૮૫ને જોતા કોરોનાનો મૃત્યુદર માંડ ૧.૪૪ ટકા છે. અહીં વધુ સ્પષ્ટતા માટે દિલ્હીનું દૃષ્ટાંત રજૂ કરીએ તો નવેમ્બરના અંતમાં કિસાન આંદોલનના તંબુ બંધાયા ત્યારે ૧,૮૩,૬૬૮ નવા કેસ સાથે કોરોના તેની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો હતો. દિલ્હીની સરહદો પર આખો મહિનો કિસાન આંદોલનની ભારે ટોળાંશાહી વચ્ચે આ આંકડો ગત ૩૧ ડિસેમ્બરે ત્રીજા ભાગથી વધુ ઘટી ૫૫,૫૮૦ કેસ પર સમેટાયો છે.

જો સામાજિક દૂરીની તકેદારી કારગત વિકલ્પ હોય તો દિલ્હીની આજની સ્થિતિ ભયાનકથી વધુ ભયંકર હોવી જોઈતી હતી. ‘૦’ને સ્પર્શવા અધીરા તાપમાનના પારા વચ્ચે હકડેઠઠ ભેગા બેઠેલા કિસાન પરિવારોએ કોરોનાને લઈ પેદા કરાયેલા ભયની ભ્રામક્તાનો પરપોટો ફોડયો હોવાનું જણાવતા સંદેશાથી સામાજિક પ્રચાર માધ્યમો છલકાઈ રહ્યાં છે. આપણે ત્યાં કોરોના સંદર્ભે પહેલું જાહેરનામું ૨૦ માર્ચ ૨૦૨૦ના દિવસે બહાર પડયું, તેના પાંચ દિવસ પછી લૉકડાઉન લાગુ થયું. ગત ૨૬ ડિસેમ્બર સુધીનો ચિતાર જોતાં સ્પષ્ટ થાય છે કે, અત્યાર સુધી કોવિડને લઈ ૯૭૯ જાહેરનામા બહાર પડયાં છે.

આ પૈકી ૩૦ નિર્ણય એવા છે કે જે સમયાંતરે સદંતર ફેરવાયા છે. માસ્ક ફક્ત પોઝિટિવ વ્યક્તિએ જ પહેરવું જરૂરી હોવાની સૂચનાના થોડા સમય બાદ બધા માટે તે ફરજિયાત કરી દેવાયું. માસ્કમાં એન-૯૫ શ્રોષ્ઠ હોવાનું કહ્યા પછી કોઈ પણ માસ્ક છેવટે ગમછો પણ મોંઢે વીંટાળેલો હોય તો ચાલે તેવી જાહેરાત કરવામાં આવી. થોડા સમય બાદ વાલ્વવાળા માસ્ક ગેરકાયદે ઠર્યા. કોરોનાની સાઇકલ તોડવા ૨૧ દિવસનો સમય કેટલા દિવસ લંબાયો તે સૌને ખબર છે. હાલ રાત્રિના ૧૦થી ૬માં કોરોનાના વાઇરસ સિવાય સૌને ફરવા પર પ્રતિબંધ છે.

આરોગ્ય સેતુ એપ કોરોનાના લોકલ ટ્રાન્સમિશન મુદ્દે ડબ્લ્યુએચઓ સાથેનો વિવાદ, પ્રવાસી શ્રામિકોના સ્થળાંતર મુદ્દે જોવા મળેલી સ્થિતિ, કન્ટેન્મેન્ટ ઝોન નક્કી કરવાથી માંડીને પરીક્ષણ, ક્વોરન્ટાઈનનાં ધારાધોરણ, કૃષિ સંચલન, વિદેશી મુસાફરો માટેનાં ધારાધોરણોમાં થતા રહેલા ફેરફારો ઊડીને આંખે વળગતા રહ્યા. આ બધું જ સરકાર માટે ફરજિયાત હતું, કારણ કોરોનાનો ઉપદ્રવ વૈશ્વિક કટોકટીરૂપે ઘોષિત કરાયો હતો. અમાનુષી સામ્યવાદના સામ્રાજ્યવાદી ચીનમાંથી પ્રારંભે પ્રસારિત થયેલા ભયંકર વીડિયો મેસેજ વિશ્વ આખાને કોરોનાથી ભયભીત કરવાનું પ્રપંચ હતું, તેવું હવે વિશ્વ આખું માનવા લાગ્યું છે. જૂન માસ પછી સામાન્ય પ્રજામાં હિંમતનો સંચાર થવાની શરૂઆત

સાથે સ્થિતિનું સુધરવું સ્વાભાવિક હતું. આજે કોરોનાની રસીનું આગમન નિિૃત બન્યું છે અને જૂના કોરોનાનો ભય ઓછો થતો જોવા મળે છે ત્યારે તજજ્ઞો કોવિડના નવા સ્વરૂપનું પ્રગટ થવું ખૂબ સૂચક માને છે. કુલ કોરોનાગ્રસ્ત પૈકી ફક્ત ૩ ટકા નાજુકથી અતિનાજુક સ્થિતિમાં પહોંચ્યા હોવાના સત્યને સ્વીકારીએ તો ૧.૩ કરોડમાંથી ૩ લાખ દર્દી વેન્ટિલેટર સુધી પહોંચ્યા ગણાય.

પ્રાયોગિક ધોરણે ઉપચારમાં સમાવાયેલા ટોસિલિઝુમાબ અને રેમ્ડેસિવિર ઇન્જેક્શન આ પૈકી ૫૦ ટકા માટે ઉપયોગમાં લેવાયા હોવાનું અનુમાન કરીએ. પ્રત્યેક દર્દીને બે ટોસિલિઝુમાબ અને ૪ રેમ્ડેસિવિર ઈન્જેક્શનની ત્રિરાશી માંડીએ. ૪૦ હજારનું એક ટોસિલિઝુમાબ અને પાંચ હજારનું એક રેમ્ડેસિવિર, દોઢ લાખ દર્દી સાથે ગુણાકાર કરીએ તો ૧૨,૦૦૦,૦૦૦,૦૦૦ના ટોસિલિઝુમાબ અને ૩,૦૦૦,૦૦૦,૦૦૦ના રેમ્ડેસિવિરનો ધંધો આ દેશમાં થઈ ગયો છે.

૯૬ ટકાથી વધુ દર્દીઓ વગર ઈલાજના રોગમાં સાજા થયા છે

ત્યારે ૯૪થી ૯૫ ટકા પરિણામ નિિૃત કરતી રસીના ઉપયોગની સાર્થક્તાનો મુદ્દો જનસામાન્યને મૂંઝવણમાં મૂકનારો છે. સામાન્ય રીતે કોઈ પણ રસી તૈયાર કરી સલામતીની દૃષ્ટિએ તેના પરીક્ષણ કરવામાં ૧૦ વર્ષ જેટલો સમય લાગતો હોવાની પરંપરા રહી છે. કોરોનાની રસીનું એક વર્ષમાં તૈયાર થવું તબીબી નિષ્ણાતોને પણ ગળે ઊતરતું નથી.

૩ તબક્કામાં પરીક્ષણ અને પ્રત્યેકના પરિણામની સત્યતા માટે બે માસની પ્રતીક્ષાનો શિરસ્તો જો જળવાયો હોય તો ૬ માસનો સમય તો ફક્ત ચકાસણી માટે ખર્ચાય. ક્લિનિકલ ટ્રાયલથી ઓળખાતી આ પ્રક્રિયાનાં પરિણામો પુરાવા સાથે સરકારની સમિતિ સમક્ષ રજૂ થાય, તેના તમામ પાસાં સરકારના તજજ્ઞો વિશ્લેષણ કરી પ્રમાણિત કરે ત્યારબાદ રસીનું ઉત્પાદન થાય. આવી પરવાનગી પહેલાં રસીનું ધમધોકાર ઉત્પાદન થયું હોવાનો પ્રચાર પ્રજામાં આશંકા ઉપજાવનારો બની રહે છે.

બે ભારતીય અને એક વિદેશી કંપની પોતાની રસી અધિકૃત કરાવવા મેદાને છે. ભારતની બે કંપનીઓએ ૩ તબક્કાના નિર્ધારિત પરીક્ષણો ભારતના જ લોકો પર કર્યા છે, અમેરિકાની ફાઈઝરે કોઈ પરીક્ષણ ભારતમાં કર્યા ન હોવાનો ગણગણાટ વ્યાપક છે. પૂણેની ભારતીય કંપની દ્વારા નિર્મિત કોરોનાની રસી બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા બનેલી ફોર્મ્યુલા પર આધારિત છે. જેનું માર્કેટિંગ બિલ ગેટ્સની જેમાં ભાગીદારી છે તેવી એસ્ટ્રાઝોનેકા નામની કંપની કરતી હોવાના મેસેજ વાયરલ છે. ભારતમાં પોલિયો અને ટીબી જેવી પેચીદી સમસ્યા માટે થયેલા રસીકરણ અભિયાનનો ઉલ્લેખ અહીં કરવો પડે.

આ બંને પ્રકલ્પો જે તે સમયે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૫ પ્રમાણે મળેલી મંજૂરીથી અમલી કરાયા હતા. હાલની સ્થિતિને કટોકટીની ગણી રસીકરણને મંજૂરીની અગ્રીમતા આપણા દેશમાં શુદ્ધ હેતુ સાથે થઈ હોવા બાબતે કોઈ શંકા રાખી ન જ શકાય, કારણ પુણેની ઉત્પાદક કંપની સ્વદેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા જાહેર કરી ચૂકી છે સાથે જ સરકારે આ રસી પ્રત્યેકને વિનામૂલ્યે ઉપલબ્ધ કરવાની પણ જાહેરાત કરી દીધી છે.

રસીની નફાખોરી આપણા દેશમાં ચર્ચાનો વિષય ન બની શકે પરંતુ અત્યાર સુધી ડબ્લ્યુએચઓ દ્વારા જે ભ્રામક ભયની ભૂતાવળનો વેપાર થયો છે તેના અનુભવે રસીકરણની ઉતાવળ ક્યાંક અખતરાનો અટકચાળો ન બને તે નિિૃત કરવું સરકાર માટે અગ્નિપરીક્ષા છે. અમેરિકામાં રસી લીધા પછી નર્સના મોતની ઘટના, રસીની અસરકારકતાના દાવા સાથે સલામતીના મુદ્દે મૌન, રસીની આડ અસરના કિસ્સામાં રસી ઉત્પાદકોની નાદારી જેવા મુદ્દા તર્ક આધારિત છે.

ક્લોરોક્વીન, રેમ્ડેસિવિર, ટોસિલિઝુમાબ જેવી દવાઓનો નિરાધાર ઉપયોગ અને પાછળથી તે અંગેનાં નિવેદનો, આરટીપીસીઆર – એન્ટીજન્ટનાં પરીક્ષણો, પીસીઆર રિપોર્ટની માર્ગદર્શિકા, સામાજિક દૂરીની સાર્થક્તા જેવા ગંભીર મુદ્દે બદલાયેલી ડબ્લ્યુએચઓની નિર્દેશિકાઓને કારણે તેની વિશ્વસનૂયતાને દવા માફિયાઓને ત્યાં ગીરવે મૂક્યાનો આક્ષેપ છે ત્યારે કોરોનાના રસીકરણ મુદ્દે ઉતાવળના આરોપની ચકાસણી થવી ઘટે. કોરોનાની રસી રંગસૂત્રની તવારીખ પર અસર કરનારી હોવાનું જણાવતાં વ્યાપક પ્રચારથી સામાન્ય પ્રજા ખૂબ જ દ્વિધામાં છે.

અને છેલ્લે…

કોરોનાની રસી ૧૦૦ ટકા કાર્યક્ષમ હોવાનો દાવો છે. કોરોનાની રસી લીધા પછી જો કંઈ થાય તો કોઈ જવાબદાર નહીં ગણાય, રસી બનાવનાર જવાબદારી નહીં લે, આપનાર ડોક્ટર તો આપતા પહેલા જ ફોર્મ પર સહી કરાવી લેશે. જો ખરેખર રસી સુરક્ષિત છે જ તો જવાબદારી લેવા કેમ કોઈ તૈયાર નથી તે યક્ષ પ્રશ્ન છે.

થોડા હટકે : પ્રસન્ન ભટ્ટ
[email protected]

15036386_1107543579292909_2346104771022986991_n.jpg

Vinod Meghani

Vinod Meghani

Right Click Disabled!