છોકરી લેસ્બિયન છે કે નહીં તો કઈ રીતે જાણવું…?
મેં સાંભળ્યું છે કે ટૉમબૉય છોકરીઓ લેસ્બિયન હોય છે. શું મારી દીકરી સાથે તો એવું નહીં હોયને? દીકરીનો સેક્સ્યુઅલ પ્રેફરન્સ ગરબડવાળો હોય એવું લાગી રહ્યું છે.
સવાલ : મારી દીકરી ૧૮ વર્ષની છે. છેલ્લા પાંચ વરસથી તે બોર્ડિંગ સ્કૂલ અને હૉસ્ટેલમાં રહીને ભણતી હતી. હમણા વૅકેશન માટે તે આવી હતી ત્યારે મેં નોંધ્યું કે તેનું વર્તન થોડુક ટૉમબૉય જેવું છે. નાની હતી ત્યારથી તે બૉયકટ વાળ રાખે છે જોકે હમણાંથી તો તેના કપડાં અને વર્તનમાં પણ છોકરાઓ જેવો અટિટ્યુડ જોવા મળ્યો. પહેલાં તેને ફ્રોક પહેરવું પણ ગમતું હતું, પણ હવે તો ડ્રેસ પહેરવાની વાતે ભડકી ઊઠે છે. તેની દોસ્તો પાછી એકદમ ગર્લિશ છે. મેં સાંભળ્યું છે કે ટૉમબૉય છોકરીઓ લેસ્બિયન હોય છે. શું મારી દીકરી સાથે તો એવું નહીં હોયને ? દીકરીનો સેક્સ્યુઅલ પ્રેફરન્સ ગરબડવાળો હોય એવું લાગી રહ્યું છે. તેની દોસ્તો સાથે તે એટલી ચીપકાચીપકી કરતી હોય છે એટલે વધુ શંકા થાય છે. હકીકત કઈ રીતે જાણવી? ધારો કે તે લેસ્બિયન હોય તો શું કરવું?
જવાબ : છોકરા જેવા કપડાં પહેરનારી છોકરીઓ લેસ્બિયન જ હોય એ માન્યતા સાચી નથી. આજકાલ તો ઘણી યુવતીઓ જિન્સ અને વેસ્ટર્ન કપડાં જ પહેરતી હોય છે અને ફ્રેન્ડ્સ સાથે અંગત વર્તન પણ હવે તો ઘણું સામાન્ય થઈ ગયું છે. તમારા વર્ણન પરથી તમારી દીકરી લેસ્બિયન પ્રેફરન્સ ધરાવે છે કે નહીં એવું કન્ફર્મ કહી શકાય એવું નથી. તમે દીકરીના સેક્સ્યુઅલ પ્રેફરન્સ બાબતે શંકાની દૃષ્ટિએ જોવાને બદલે ઑબ્જેક્ટિવલી ઑબ્ઝર્વ કરો. શું તે માત્ર છોકરીઓ સાથે જ વધુ નજદીકી કેળવે છે? તેના મિત્રોમાં બૉય્ઝ છે? બૉય્ઝ સાથે પણ તે ટૉમબૉય જેવું જ વર્તન કરતી હોય તોપણ અમુક બાબતોમાં શરમ-સંકોચ અનુભવે છે ખરી?
મને લાગે છે કે માત્ર બાહ્ના દેખાવ પરથી જ તમારે કોઈ તારણ પર આવી જવાની જરૂર નથી. ધારો કે તે નૅચરલી જ લેસ્બિયન પ્રેફરન્સ ધરાવતી હોય તોપણ તમે કંઈ જ નથી કરી શકવાના. એ કુદરતી જ પસંદ છે. એને બદલવાની કે એ તો ગંદુ કહેવાય એવું કહીને બદલવા માટે દબાણ લાવવાથી તેની જિંદગી વધુ કૉમ્પ્લિકેટેડ થઈ શકે છે. છોકરા જેવી દેખાવા મથતી છોકરી લેસ્બિયન જ હોય એ એક જનરલ માન્યતા છે, મોટાભાગના કેસમાં એ સાચું નથી હોતું.