જૂનાગઢ : કેન્સર એટલે કેન્સલ નહિ

જૂનાગઢ : કેન્સર એટલે કેન્સલ નહિ
Spread the love
  • આજે વિશ્વ કેન્સર દિવસ
  • ખુમારીથી અને હિંમત થી જીવો
  • ૧૯૩૩ થી થાય છે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી

જૂનાગઢ : આજે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સર રોગને રોકવાના સાવચેતીના પગલા અને તેની સારવાર અંગે લોકજાગૃતિ કેળવવા માટે દર વર્ષે ૪ થી ફેબ્રુઆરીએ વિશ્વકેન્સર દિવસ મનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં માનવીના મૃત્યુના કારણરૂપ રોગોમાં કેન્સર બીજા ક્રમે આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે, ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં મૂડીરોકાણના અભાવે કેન્સર માટે પ્રતિબંધાત્મક સારવાર નબળી હોવાથી આગામી ૨૦૪૦ સુધીમાં આવા દેશોમાં કેન્સરના કેસોની સંખ્યામાં ૮૧ ટકાનો વધારો થઇ શકે છે.

કેન્સર એટલે કેન્સલ નહિ. ખુમારી થી અને હિંમત થી જિવવાથી કેન્સરને પણ દૂર રાખી શકાય છે. કેન્સરને રોકવા આત્મવિશ્વાસ સાથે સમયસરની સારવાર જરૂરી છે. તેમ જૂનાગઢ સીવીલ હોસ્પિટલના કિમોથેરાપી સારવાર સંભાળતા ડો. અજય પરમારે જણાવ્યું છે. જૂનાગઢ સીવીલ હોસ્પિટલ માટે છેલ્લા એક મહિનાથી કિમોથેરાપી શરૂ કરવામાં આવેલ છે. અને એક માસ દરમિયાન સીવીલ હોસ્પિટલ ખાતે ૨૫ દર્દીઓને કિમોથેરાપીની સારવાર આપવામાં આવી છે. ઉપરાંત કેન્સર સંબંધી માર્ગદર્શન માટે સીવીલ હોસ્પિટલ ખાતે ડો. અજય પરમારનો છઠા માળે રૂમ નં. ૬૧૦ કિમોથેરાપી વોર્ડમાં સંપર્ક સાધી શકાય છે.

વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૧૯૩૩ માં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી શરૂ થઈ હતી. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ ‘હું છું અને હું હોઈશ’ (I am and I will) રાખવામાં આવી છે. આ થીમ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ સુધી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમ વિશ્વ કેન્સર દિવસ વર્ષ ૧૯૩૩ માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો.

વિશ્વ કેન્સર દિવસ કેમ ઉજવવામાં આવે છે

વિશ્વ કેન્સર દિવસ સામાન્ય લોકોને કેન્સરના જોખમોથી જાગૃત કરવા, તેના લક્ષણો અને નિવારણ વિશેની જાણકારી આપવા માટે ઉજવવામાં આવે છે. ઘણા લોકો સમજે છે કે આ રોગ સ્પર્શ દ્વારા ફેલાય છે, જેના કારણે લોકો કેન્સરના દર્દીઓ સાથે સારો વ્યવહાર નથી કરતા. આ દિવસ કેન્સર વિશે ફેલાયેલી ગેરસમજોને ઘટાડવા અને કેન્સરના દર્દીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ માટે, સરકારી અને બિન-સરકારી સંગઠનો સમગ્ર વિશ્વમાં શિબિર, પ્રવચનો અને પરિસંવાદોનું આયોજન કરે છે.

વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ

યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા વર્ષ ૧૯૩૩ માં વિશ્વ કેન્સર દિવસની સ્થાપના કરવામાં આવી હતી, એટલે કે વિશ્વ કેન્સર દિવસ પ્રથમ વખત યુઆઈસીસી દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો. જોકે, કેટલીક અન્ય મુખ્ય કેન્સર સોસાયટીઓ, સારવાર કેન્દ્રો, પેશન્ટ ગ્રુપ અને સંશોધન સંસ્થાઓએ પણ તેના આયોજનમાં મદદ કરી હતી. મળતી માહિતી મુજબ, તે સમયે લગભગ ૧૨.૭ મિલિયન લોકો કેન્સર સામે ઝઝૂમી રહયા હતા અને દર વર્ષે લગભગ ૭ મિલિયન લોકો કેન્સરના કારણે મૃત્યુ પામતા હતા.

આ હોઈ શકે છે કેન્સર થવાના કારણ

તમાકુ અથવા ગુટખાના લાંબા ગાળાના સેવન, સિગારેટ પીવી, દારૂ પીવો, લાંબા સમય સુધી રેડિયેશનના સંપર્કમાં રહેવું, આનુવંશિક ખામી, શારીરિક નિષ્ક્રિયતા, નબળું પોષણ અને કેટલીકવાર મેદસ્વીપણું પણ કેન્સરનું કારણ બની શકે છે.

કેન્સરના પ્રકારો

કેન્સર ઘણા પ્રકારોના હોય છે. પરંતુ સૌથી સામાન્ય કિસ્સાઓમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મગજનું કેન્સર, યકૃત (લીવર)નું કેન્સર, બોન (હાડકાનું) કેન્સર, મોઢાનું કેન્સર અને ફેફસાંના કેન્સરનો સમાવેશ થાય છે.

આ હોઈ શકે છે કેન્સરનાં લક્ષણો

શરીરના કોઈપણ ભાગમાં ગઠ્ઠો લાગે, ગળવામાં મુશ્કેલી થાય, પેટમાં સતત દુખાવો થવો, ઘા ન રુઝાવો, ત્વચા પર નિશાન પડવા, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો, કફ અને છાતીમાં દુખાવો, થાક અને નબળાઇ, નિપ્પલમાં ફેરફાર થવા, શરીરના વજનમાં અચાનક વધ-ઘટ થવી.

કેન્સરથી બચવાના ઉપાય

કેન્સરથી દૂર રહેવા માટે આલ્કોહોલનું સેવન ન કરવું, રેડિયેશનના સંપર્કમાં આવવાનું ટાળો, ફાઇબર યુક્ત આહાર લો, ધૂમ્રપાન ન કરો, આહારમાં વધારે ચરબી ન લો, શરીરનું સામાન્ય વજન જાળવી રાખો તેમજ નિયમિત કસરત કરો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

20210204_150026.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!