કીસ કી લાગી લ્હાય : કાળજી કે કાળજું

કીસ કી લાગી લ્હાય : કાળજી કે કાળજું
Spread the love

કીસ કી લાગી લ્હાય : કાળજી કે કાળજું

૧૭મી મેના રોજ વાવાઝોડાના સમાચાર વાયુવેગે પ્રસરતા હતાં.તેવામાં દૂરભાષથી અવાજ સંભળાય છે. “કાકા પપ્પાની તબિયત સારી નથી રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે પરંતુ સીટી સ્કેનમાં 5% જ બતાવે છે અમે તેમ છતાં આજે ડો.વાળાની હોસ્પિટલમાં ભરતી થઈ ગયા છીએ.”ભત્રીજા શિવરાજના અવાજમાં થોડી ગ્લાનિ હતી, તે સમજી શકાય. મને મોટાભાઈની તબિયત અંગે રાતભર ચિંતા રહી. સવારે હું જાગીને ફોન કરું તે પહેલાં શિવરાજનો ફોન આવી ગયો તબિયત રાતે વધુ નાજુક અવસ્થામાંથી પસાર થઈ છે તમે આવો.
રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે શરૂ થયેલું વાવાઝોડું પવનના સૂસવાટા, ઝરમર ઝરમર વરસાદના ફોરાં હજુ પણ પોરો ખાતાં નથી. વાતને લગભગ 12 કલાક વીતી ગયાં છતાં પવનની ઝાપટો મારા આંગણાના નગોડને કડાકો કરતી’ક ને પાડતી ગઈ. હું હિંડોળે બેઠો બેઠો પવન રહી જવાની, થંભી જવાની રાહમાં હતો. નાનાભાઈ મંગળુભાઈના ઘર સુધી આંટો માર્યો. પરંતુ દિવસ હોવા છતાં બધું સુનકાર, ભેંકાર ભાસતું હતું. ક્યાંક વંડીઓ પડવાના, દીવાલોને ધસી પડવાના,ધબાકા સંભળાતાં હતાં. આંગણાનો આસોપાલવ ટકી રહેવા ઘડીક આથમણો તો ઘડીક ઉગમણો વળતો, ઝંઝેડાતો હતો.પવનના સુસવાટા હમણાં મને ઉડાડી દેશે તેવો ભય ઉંડે ઉંડેથી ઉઘાડ પામતો હતો.હું ઘરે પાછો ફર્યો,બેઠો, ઓસરીમાં ટહેલવા લાગ્યો.ફરી ઊભો થઈ નાનાંભાઈ પાસે ગયો.હું વિહ્વળ બન્યો.એકાદ બે કલાક પછી પવનનું જોર ધીમું પડ્યું.અમે મારી વેગન આર લઈ અમરેલી તરફ નીકળ્યાં.દોઢ- બે વરસ પછી કોવિડ સામે બાથ ભરવાનો વખત આવ્યો.હું કેટલાં પ્રિકોશન રાખી બચતો રહ્યોં હતો, પણ હવે આફત પગથિયાં પાસે આવીને ઊભી.એક તરફ કોવિડની કાળજી ને બીજી તરફ મોટાભાઈ લાગણીનું કાળજું..! આખરે કાળજીનો ઘા કરી કાળજાંને બથ ભરવી પડે જ..!
અમે વાવાઝોડાંના કહેરને જોતાં અને રસ્તો કરતાં આગળ વધતાં હતાં. ચારે બાજુ ઝાડવા, થાંભલા મકાનો બધાનો સોથ વળી ગયો હતો. ક્યાંક લીમડા પડ્યા હતા તો ક્યાં કોઈ બાવળના કાંટા બધાંને બાજુ પર કરતાં કરતાં અમરેલી પહોંચી ગયા. હવે મોટાભાઈની તબિયત વધુ નાજુક હોવાથી તેને વેન્ટીલેટર પર લેવાની જરૂર પડી. પરંતુ વાવાઝોડાએ અમરેલીમાં ન તો વેન્ટિલેટર નો પતો રહેવા દીધો હતો કે ના ઓક્સિજનનો. વીજળી વગર આ બધું ચાલે પણ કેમ એકમાત્ર સરકારી સિવિલ હોસ્પિટલમાં જનરેટરથી કોવિડનો આઈ.સી.યુ.વોડૅ ચાલુ હતો. હવે શિવરાજભાઈએ તાત્કાલિક જ્યાં સુધી બીજી સુવિધા ન થાય ત્યાં સુધી મોટાભાઈને સિવિલમાં ટ્રાન્સફર કરવા પડ્યાં.અમે જ્યારે પહોંચ્યાં ત્યારે તેઓ સિવિલમાં ટ્રાન્સફર થઇ ચુક્યાં હતાં. હું અને નાનોભાઈ બંને કોવિંડના વોર્ડમાં દાખલ થયા અને જ્યાં તેમની સારવાર ચાલુ હતી ત્યાં પહોંચ્યાં. તેઓને ઓક્સીજન માસ્ક લગાવેલું હતું તેથી તે બોલી તો ન શક્યા પરંતુ ઇશારાથી અમને ત્યારથી નીકળી જવા માટે સૂચન કર્યું. મારું હૈયું એક થડકારો ચૂકી ગયું ભાઈની નાજુક તબિયત જોઈને ગળે ડૂમો ભરાયો.અમારા બંને વચ્ચે સંવાદ ઓછો થતો પરંતુ આજે હવે એ સંવાદ લાગણીના તંતુઓથી મીણપાયેલ દોરા જેવો પ્રગાઢ થયો.હું ફરીવાર કોરોના વોડૅમા જઈ તેને જોઈ આવ્યો ત્યારે શાતા થઈ. અમે તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા તપાસના દોરડાઓ શરૂ કર્યાં.રાજકોટથી આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ બોલાવવી પડી. કારણકે અહીં અમરેલીમાં ભલે જિલ્લો રહ્યો પરંતુ આવી સગવડતા જિલ્લા મથકે પણ નથી એક લાચારી ગણી શકાય…!!?
રાજકોટની સમર્પણ હોસ્પિટલમાં મોટાભાઈને દાખલ કરવામાં આવ્યા. ઓક્સિજન, પલ્સ વગેરે બરાબર ચાલતું હતું. અમે લગભગ રોજિંદા મોટાભાઈ સારવાર માંથી ઉભા થઇ બહાર આવે તેની પ્રતીક્ષા કરતાં હોસ્પિટલની બહાર ટળવળતાં હતાં.તે હોસ્પિટલ ખાનગી માલિકીની હોવાથી શિવરાજને આવન જાવન કરવાની છૂટ મળી હતી. 18 તારીખની રાત્રે શરૂ થયેલી સારવાર રોજેરોજ આવતાં રીપોર્ટમાં કારગર સાબીત થતી દેખાતી ન હતી. હું એકાંતરે રાજકોટ જતો આવતો. આજ કાલ કરતાં સમય પસાર થઇ રહ્યોં હતો. મારા મિત્ર ડોક્ટર વર્તુળનો પણ સહારો લીધો. કોઈ હોસ્પિટલમાં તેમની સારવાર વધુ સારી રીતે થઇ શકે છે તે માટે પણ વિકલ્પો વિચાર્યા. પરંતુ તેમની હાલત અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઇ રહી હતી. તેથી હવે ડોક્ટરોએ તેમને કોઈ જગ્યાએ ખસેડવા હિતાવહ નથી તેવી સલાહ આપી. હું રાજકોટ અને મારા ઘરની વચ્ચે 150 કિ.મીમા સતત દોડાદોડી કરી રહ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરને મળવાનું અને બીજા અહીંયા ડો.વર્તુળોમાં સલાહસૂચનો લેવાના સતત ચાલુ હતાં. એક તબક્કે ફેફસાના નિષ્ણાંત ડોક્ટરને બોલવાનું નક્કી થયું અને તેમણે પ્લાઝમા આપવાની સલાહ આપી.બીજા કેટલાક સારવારના સૂચનો પણ સ્થાનિક ડોક્ટરને કર્યા.અમે તે પ્રમાણે અનુસરીને પ્લાઝમા વગેરે સારવાર પણ કરી. પરંતુ બીજા દિવસના રિપોર્ટ તેના કરતાં પણ વધુ ભયજનક રીતે આવી રહ્યાં હતાં. તેઓ થોડું પ્રવાહી વગેરે ભોજન લેતાં હતાં. તે પણ હવે બંધ થયું. હું ફરીથી છેલ્લે 26 મેના રોજ રાજકોટ ગયો જોકે 18 થી શરૂ કરીને 28 સુધીમાં લગભગ છ દિવસ સુધી રાજકોટમાં રહ્યો. કોરોનાનો કોઈ ભય નહોતો પરંતુ સાવચેતી જરૂર હતી. કેટલાંક લોકોના સતત ફોન ચાલુ હતાં. ખબર અંતર પૂછવાને બદલે ભયસ્થાનો વધુ બતાવતાં હતાં. મેં લગભગ તે બધાને તિલાંજલિ આપીને શક્ય તેટલુ દોડતાં રહેવાનું મુનાસીબ માન્યુ હતું. જે થવું હોય તે થાય પરંતુ જો મોટાભાઈ ઉભા થઈ જાય તો અમે આફતમાંથી ઉગરી જઈએ.
સ્વભાવે તેઓ રામભાઈ નામ પ્રમાણે ઋજુ હતાં. અહીં અમારાં ગામનાં જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને પોતાનું નામ ક્યાંય ન આવે તે રીતે રેશનશોપ પર પૈસા આપી રાખતાં તેમાંથી તેને મદદ મળ્યાં કરતી. તે જ્યારે ઓફિસમાં બેઠા હોય ત્યારે કોઈ પણ આવે તેની પાસેથી ખાલી હાથે ન જતો. ગામના તમામ લોકોને પોતાના સારા-માઠા પ્રસંગોએ ખૂબ આર્થિક મદદ પણ પહોંચાડેલી.તેમનું શરીર ખૂબ કસાયેલું કદી તેમણે કોઈ એલોપથીની ગોળી ખાધી હોય તેવું પણ યાદ નથી.! પોતાનું ગાંઠનું ગોપીચંદન ખર્ચીને અનેક લોકોને દવાદારૂમાં ટેકો કરવાનો તેનો આચાર હતો. ચલાલાથી શરૂ કરીને પાલીતાણા સુધીના પંથકમાં ચાર-પાંચ આશ્રમો એવાં હતાં કે જેનું સેવા કાર્યનું સંચાલન તેઓના માથે લીધું હતું.અને પોતાના ખર્ચે ભોજનાલય અને ધાર્મિક કાર્યક્રમો પણ તેમાં ઉજવાતા રહેતાં. એક આશ્રમમાં કુતરાને સો રોટલા નાખવાની સેવા ચાલતી હતી તેનું સઘળું અનાજ એટલે કે બાજરો મોટાભાઈ પૂરો પાડતાં. આ બધું હોવા છતાં આ સત્કર્મો ભગવાન ને શા માટે દેખાયા નહીં હોય તે હું સતત વિચારતો રહેતો.
બુધવારના દિવસે હું સાંજે ઘેર પરત ફર્યો અને તબિયતની પૃચ્છા માટે ગામમાંથી કેટલાક લોકોએ મને ઘરે આવીને પૂછપરછ કરી. ગુરુવારની બપોરે હું તેમને સૌને સારાં સમાચાર આપી રહ્યો હતો. પરંતુ તેમ છતાં મે કહ્યું ત્યાં સુધી નાંનુ વેન્ટિલેટર બાયપેપ હટાવવામાં ન આવે ત્યાં સુધી આપણે હજુ ચિંતાજનક સ્થિતિમાં છીએ. 27ની બપોરે જરા આડો પડ્યો ત્યાં ભત્રીજા શિવરાજનો ફોન આવ્યો. કાકા પપ્પાની તબિયત ખૂબ નાજુક છે ને હવે તેને મોટા વેન્ટિલેટર ઉપર લેવા પડ્યા છે તમે તાત્કાલિક ફરી રાજકોટ આવો. હું લગભગ બપોરે એક-દોઢ આસપાસ નીકળીને અઢી કલાકે રાજકોટ પહોંચી ગયો. હોસ્પિટલના ડો. મનોજ સાથે જ્યારે મારે વાત થઈ ત્યારે હું ભાંગી પડ્યો.ઓક્સિજન લેવલ માત્ર 60 ની આસપાસ આવે છે તેવું તેણે જણાવ્યું. એક તબક્કે કશું જ ખાધા-પીધા વગર દવાખાનાના બહારના ઓટલે રાત વિતાવવા નો નિર્ણય કર્યો.પણ ભત્રીજા શિવરાજે ગળગળા થઈ આરામ કરવા આગ્રહ કર્યો.આખી રાત હું પડખા ફેરવતો રહ્યો ઊંઘ ન આવી.એકાદ ઝોકું ખાધું તો રાતે સાડાત્રણ વાગે એક સંબંધી નો ફોન આવ્યો, મેં ઉપાડ્યો તો તે…રામ..રામ…રામ… એટલું બોલ્યા ફોન કપાઈ ગયો.
28 મેની સવારે જ્યારે ડો.કહ્યું હવે ભાઈની તબિયત ખૂબ છેલ્લા તબક્કામાં છે.હું ચુરચુર થઈ તુટી પડ્યો.મને સલાહના શબ્દો પણ સંભળાયા ‘તમે જ ભાંગી પડશો તો શિવરાજને કોણ સંભાળશે.’ ભાઈએ બસ થોડી પળોમાં કાયમ માટે આંખો મીચી લીધી.અમારાં પરિવારનો મોભાર ભાંગી પડ્યો.
છેલ્લે આખા પરિવારની સ્વસ્થતા બરકરાર રહી.તે માટે જગતનિયંતાનો આભાર.પણ હે..ઈશ્ર્વર અમારી સાથે આવો અન્યાય..! રામભાઈને શત શત નમન…

 

તખુભાઈ સાંડસુર

 

FB_IMG_1594455021576-1.jpg IMG_20210609_085052-0.jpg

Admin

Takhubhai

9909969099
Right Click Disabled!