બનાસકાંઠા કલેકટર હસ્તે વૃક્ષ પ્રેમી ઓનું સન્માન

બનાસકાંઠા કલેકટર હસ્તે વૃક્ષ પ્રેમી ઓનું સન્માન
Spread the love

પાલનપુર કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા આયોજીત હરિયાળુ બનાસકાંઠા પ્રકલ્પના ભાગરૂપે વૃક્ષમિત્રો અને વૃક્ષ મંડળીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ સાથે જોડાયેલા વૃક્ષમિત્રોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિગની વિકરાળ સમસ્યા છે, તેનું સંપૂર્ણ નિરાકરણ તો આપણા હાથમાં નથી, પરંતુ તે સમસ્યાના ઉકેલ તરફ વિચાર કરી તેને ઓછી જરૂર કરી શકાય છે. એના માટે પ્રકૃતિનું જતન કરી વૃક્ષો વાવીએ તેમજ તેના ઉછેર માટેની જવાબદારી સારી રીતે નિભાવવી ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે, સિંધુ સંસ્કૃતિના સમયમાં આપણો આ વિસ્તાર લીલોછમ- હરીયાળો હતો. પરંતુ કુદરતી રીતે સમયની સાથે ભૌગોલિક ફેરફાર થવાથી આ વિસ્તાર સૂકા રણ જેવો પ્રદેશ બની ગયો છે ત્યારે આપણે સૌ સાથે મળી ફરી આ પ્રદેશને લીલોછમ- હરીયાળો બનાવવાની દિશામાં કામ કરીએ.
કલેકટરશ્રીએ કહ્યું કે, વૃક્ષો વાવવા એ યજ્ઞ કરવા જેવું મહાન કાર્ય છે તેમજ વૃક્ષ એ ફક્ત વૃક્ષ નથી પરંતુ ધબકતુ હ્રદય કે જીવન છે. તેમણે જણાવ્યું કે, વૃક્ષો એ પક્ષીઓનો આધાર છે, આપણી સંસ્કૃતિ પ્રકૃતિ પૂજાની સંસ્કૃતિ છે. આપણા વડવાઓ પણ પ્રકૃતિની પૂજા કરતા હતા અને આપણે સૌ એ વૃક્ષોનું જતન કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરી ઉત્તર ગુજરાતના વેરાન વગડાને નંદવન બનાવીએ. વૃક્ષમિત્ર તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર વિજેતાઓને અભિનંદન પાઠવતાં કલેકટરશ્રીએ વૃક્ષ ઉછેર ક્ષેત્રે સારી કામગીરી કરનાર ગેળા, મખાણું, ગોલવી અને સોનેથ ગામને રૂ. ૨-૨ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. તેમણે વિચરતા સમુદાય સમર્થન મંચને અપીલ કરતા કહ્યું કે, આવતા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પેટર્ન આધારે ૫ લાખથી વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખીને જિલ્લાને હરીયાળો બનાવવાની દિશામાં કામ કરીએ. તેમણે કહ્યું કે, શક્ય એટલા ફળ-ફૂલના વૃક્ષો વાવીએ જેથી ભવિષ્યમાં ફરી બાળકો મોબાઇલ મૂકી ફળની વાડીમાં ફળ તોડવા જાય બાળપણને સારી રીતે માણે. તેમણે કહ્યું કે, આપણે સૌ સાથે મળી સશક્ત ભારતના નિર્માણ માટે પ્રકૃતિનું જતન કરવું ખુબ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસાકાંઠા જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચના સહયોગથી વર્ષ-૨૦૧૯-૨૦માં ૨૧ ગામોમાં ગ્રામજનોના સહયોગથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. એ પૈકી વધુ વૃક્ષો વાવનાર અને તેનું જતન કરનાર લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. વૃક્ષ ઉછેર તરીકે સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ, દ્વિતીય અને ત્રીજો ક્રમ હાંસલ કરનાર વૃક્ષમિત્રોને વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા રૂ.૫૧,૦૦૦, રૂ.૨૧,૦૦૦ અને રૂ.૧૧,૦૦૦ ની રકમના ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વૃક્ષમિત્ર શ્રી કરશનભાઈ રાજપૂત અને શ્રી બજરંગ ગૌસેવા ટ્રસ્ટની વૃક્ષમંડળ- ગેળા, દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર મખાણુ ગામના શ્રી મોહનભાઈ તેમજ તેમની વૃક્ષમંડળી ટીમ અને ત્રીજો નંબર ગોલવી ગામના ધર્માભાઈ અને અમરાભાઈ તેમજ તેમની વૃક્ષમંડળી તથા સોનેથ ગામના વૃક્ષમિત્રશ્રી અમરતજી ઠાકોર અને તેમની વૃક્ષ મંડળીએ હાંસલ કર્યો હતો.
આ પ્રસંગે વિચરતા સમુદાય સમર્થન મંચના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રીમતી મિત્તલબેન પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આપણે સૌએ પાણી અને પર્યાવરણ માટે જાગૃત થવાની જરૂર છે. તેમણે કહ્યું કે, અત્યારે અમારી સાથે બનાસકાંઠા જિલ્લાના ૫૩ જેટલાં જાગૃત વ્યક્તિઓ સંકળાયેલા છે જેમની મદદથી ૩૫ હજાર જેટલાં વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે તેમજ બેણપ ગામમાં ૧૨ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે વૃક્ષમિત્રોને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ પ્રસંગે વિચરતા સમુદાય સમર્થન મંચના કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત અધિકારી શ્રી એસ. ડી. ગિલવા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વી. એસ. પટેલ, શ્રી નિલેશભાઈ રોજગોર, વિચરતા સમુદાય સમર્થન મંચ- બનાસકાંઠા જિલ્લા સંયોજકશ્રી નારણભાઇ રાવળ અને સંસ્થાના કાર્યકરો સહિત વિવિધ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ :જનકસિહ વાઘેલા (થરાદ)

FB_IMG_1632358344949.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!