ઝાડની વેદના

ઝાડની વેદના
Spread the love
શિશિરનો ડંખ હિમ સરીખો તરુવરથી ન સહાયો,
ઝાડ એનાં પાંદડાંને પૂછે, તમારો રંગ શાને ઘવાયો?
લીલાં પર્ણોની નાજુકતા ને લાવણ્ય ગયું છીનવાઈ,
પિતવર્ણના છાંટા ઊડ્યા, બધે પીળો રંગ છવાયો.
એના સૌંદર્ય પર પ્રહાર થયો ને પર્ણો ખરવા લાગ્યા,
જતનથી જેને હૈયે ચાંપ્યા એણે સાથ છોડ્યો સવાયો.
પીળાં સાથે લીલાંય ચાલ્યાં, બંધનમાં નહીં બંધાવું;
ગીતો ગાતાં, હરવા ફરવા જાતાં, એનો થઇ ગયો ભવાયો.
તરુની આંગળી ઝાલી કિલ્લોલ કરતાં’તાં, ફરફરતાં આનંદે,
ડાળ છૂટતાં સાચું સમજાયું, એ તરુ થકી જ ઝીલાયો.
માવતરના પ્રેમની જંજીર, લોહ સાંકળ સમ લાગી;
પાંખ ફૂટી ત્યાં સ્વારથ કેરી ઉડાન ભરવા લલચાયો.
જર્જર ઝાડ એનાં પર્ણને પૂછે, મીઠી માવજતમાં શું મણા’તી?
મેં તડકો ઓઢી છાંય તને દી’, મારી સાંજે હું જ સપડાયો!
જયશ્રી દેસાઈ ‘શ્રી’, અમલસાડ
Admin

Admin

9909969099
Right Click Disabled!