પાલનપુર તાલુકાના ભાગળ (જ) પ્રાથમિક શાળા ખાતે કુકિંગ સ્પર્ધા યોજાઈ

કમિશનરશ્રી મધ્યાહન ભોજન યોજના ગુજરાત રાજય ગાંધીનગરની સુચનાનુંસાર પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) હેઠળના આ જિલ્લામાં ફરજ બજાવતા માનદ વેતનધારકોની કુકીંગ સ્પર્ધાનું આયોજન શ્રી આનંદ પટેલ કલેક્ટરશ્રી, બનાસકાંઠા, પાલનપુરની રાહબરી નીચે તાલુકાકક્ષાએ તા.૨૧/૦૧/૨૦૨૩ તથા જિલ્લા કક્ષાએ તા.૨૮/૦૧/૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું. તાલુકાકક્ષાએ તા.૨૧ જાન્યુઆરીના રોજ યોજાયેલ કુકીંગ સ્પર્ધામાં ચૌદ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતનધારકો પૈકી કુલ-૧૭૮ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂા.૫૦૦૦/-, બીજા ક્રમના વિજેતાને રૂા.૩૦૦૦/- અને ત્રીજા ક્રમના વિજેતાને રૂ.૨૦૦૦/- નું ઈનામ આપી તાલુકા મામલતદારશ્રીની ટીમ અને તાલુકાકક્ષાની નિર્ણાયક કમિટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૮ જાન્યુઆરીના રોજ જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ (જ) પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી. જેમાં તાલુકા કક્ષાના પ્રથમ અને દ્વિતીય ક્રમના વિજેતાઓએ ભાગ લીધેલ હતો. જેમાં પ્રથમ ક્રમ પરમાર મીનાબેન જે- સંચાલક મધ્યાહન ભોજન કેન્દ્ર-૧૦૧ મોડલ તાલુકોઃદાંતીવાડા, બીજો ક્રમ પરમાર રંજનબેન ગલાભાઈ- સંચાલક મધ્યાહન ભોજન કેન્દ્ર-૧૯ કુડા તાલુકોઃ લાખણી અને ત્રીજો ક્રમ પરમાર શંકરભાઈ કે- સંચાલક મધ્યાહન ભોજન કેન્દ્ર-૧૦૩ વજેગઢ તાલુકોઃ થરાદ વિજેતા બન્યા હતા. જિલ્લાકક્ષાના પ્રથમ ક્રમના વિજેતાને રૂા.૧૦,૦૦૦/-, બીજા ક્રમના વિજેતાને રૂા.૫૦૦૦/- અને ત્રીજા ક્રમના વિજેતાને રૂા.૩૦૦૦/- ના પ્રોત્સાહિત ઈનામથી શ્રી આર.કે.ખરાડી નાયબ કલેકટરશ્રી મધ્યાહન ભોજન કેન્દ્ર, બનાસકાંઠા, પાલનપુર તથા તેમની ટીમ, મામલતદારશ્રી પાલનપુરની ટીમ તથા નિર્ણાયક ટીમના સભ્યો ધ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું સફળ આયોજન કલેકટરશ્રી, બનાસકાંઠાના માર્ગદર્શન તળે ભાગળ (જ) પ્રાથમિક શાળાનો સ્ટાફ, મામલતદાર કચેરી પાલનપુરનો સ્ટાફ તથા નાયબ કલેકટરશ્રી મધ્યાહન ભોજન કેન્દ્રના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું તેમ નાયબ કલેક્ટરશ્રી મધ્યાહન ભોજન યોજના, બનાસકાંઠા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
(માહિતી બ્યુરો, પાલનપુર)