જૂનાગઢમાં પ્રથમવાર કેસર કેરીનો જન્મદિવસ ઉજવાયો

જૂનાગઢમાં પ્રથમવાર કેસર કેરીનો જન્મદિવસ ઉજવાયો
Spread the love

જૂનાગઢમાં પ્રથમવાર કેસર કેરીનો જન્મદિવસ ઉજવાયો

 

ગીરની કેસર કેરીનો સ્વાદ સોડમ દુનિયાભરમાં પ્રસરે તે દિશામાં પ્રયાસો હાથ ધરાશે

 

કેસર કેરીને વૈશ્વિક ફલક સુધી પહોંચાડવા માટે ક્વોલીટી મેન્ટેઇન કરવા ઉપર ભાર મૂકાયો

 

કેસર કેરીનો રસપ્રદ છે ઇતિહાસ, દર વર્ષે ઉજવાશે જન્મદિવસ

 

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દ્વારા પ્રથમવાર મધુર સ્વાદ માટે જાણીતી  કેસર કેરીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે. તેના અનુસંધાને ’કેરીની રાણી કેસર’ શીર્ષક ઉપર આયોજિત કાર્યશાળામાં ગીરની કેસર કેરીનો સ્વાદ-સોડમ દુનિયાના ખૂણે-ખૂણેમાં પ્રસરે તે દિશામાં પ્રયાસો હાથ ધરવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સક્કરબાગ ખાતેના ફળ સંશોધન કેન્દ્રમાં આયોજિત આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે તાલાાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ જણાવ્યું કે, ક્લાયમેટિક અસર વચ્ચે પણ કેસર કેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે,  સાથો સાથ નવું વાવેતર પણ થઈ રહ્યું છે. તેમણે ખેતીના સ્વાનુભવો જણાવતા કહ્યું કે, રામપરા-બામણાસા સહિતના વિસ્તારમાં આંબામાં વહેલું ફ્લાવરિંગ થાય છે. તે પણ એક સંશોધનનો વિષય છે અને તે દિશામાં સંશોધન હાથ ધરવા માટે અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે કેસર કેરીને વૈશ્વિક ફલક સુધી પહોંચાડવા માટે ક્વોલીટી મેન્ટેઇન કરવા ઉપર ભાર મૂક્યો હતો.

ઉપરાંત તેમણે ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીના નવા સંશોધનો અને સલાહો અપનાવવા માટે પણ હિમાયત કરી હતી. અંતમાં નાળિયેરીના પાકમાં સફેદ માખીના ઉપદ્રવને કાયમી નિયંત્રણ માટે જરૂરી અભ્યાસો હાથ ધરવા માટે પણ સૂચન કર્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, કેસર કેરીને જીઆઈ ટેક એટલે કે, ભૌગોલિક ઓળખ અપાવવામાં સફળતા મળી છે. પરંતુ કેસર કેરીમાં રહેલ પોટેન્સીયલ-ગુણધર્મો મુજબ સમગ્ર વિશ્વમાં યોગ્ય સ્થાન અપાવી શક્યા નથી. ત્યારે આ દિશામાં સહિયારો પ્રયાસ કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળી શકશે. સાથે જ તેમણે દર વર્ષે કેસર કેરીના જન્મ દિવસ ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

ઉપરાંત નાળિયેરીના પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે સામૂહિક પ્રયાસો એટલે કે, એક સાથે ખેડૂતો દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તો સફળતા મળી શકે તેમ છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ઉપ સચિવ શ્રી ચેતન દવે અને સંશોધન નિયામક શ્રી એચ.એમ. ગાજીપરાએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. ઉપરાંત બાગાયત વિભાગના વડા અને ડીન શ્રી વરૂએ કેસર કેરીનો રસપ્રદ ઈતિહાસ વર્ણવ્યો હતો.

આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત શ્રી સંજયભાઈ વાગડીયાએ જણાવ્યું કે, કેસર કેરીના ઉત્પાદનમાં ૫૦ ટકા આધાર હવામાન ઉપર હોય છે અને અન્ય ૫૦ ટકા આંબા-પાકની માવજત ઉપર હોય છે, જે ખેડૂતોના હાથ હોય છે. આ સાથે તેમણે દેશી ખાતરનો ઉપયોગ કરવા અને જંતુનાશક દવાઓનો ખૂબ નિયંત્રિત ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. તેવા જ એક પ્રગતિશીલ ખેડૂત શ્રી નાથાભાઈ ભાટુએ સ્વાનુભવના આધારે ઘનિષ્ઠ પદ્ધતિથી આંબાના વાવેતરથી કઈ રીતે ખેડૂતો સારી આવક મેળવી શકે છે તે દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત શ્રી મગનભાઈ ગજેરાએ પણ અનુભવજન્ય કેસરીના પાકમાં ઉપયોગી સૂચનો કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં પ્રધ્યાપક શ્રી ડી.આર. કણજારીયા શાબ્દિક સ્વાગત અને અંતમાં મદદનીશ પાધ્યાપક શ્રી જે.એચ. પરસાણાએ આભારવિધિ કરી હતી.

કાર્યક્રમના અંતે ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવોએ ફળ સંશોધન કેન્દ્ર- સક્કરબાગ ફાર્મ ખાતેના આંબાની ૭૦ વધુ જાતોનુ નિરીક્ષણ કર્યું હતું.

આ તકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડીન અને પ્રાધ્યાપકો, અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને બાગાયત શાખાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!