પોલીસતંત્ર લોકલક્ષી કઈ રીતે બને શકે…?

પોલીસતંત્ર લોકલક્ષી કઈ રીતે બને શકે…?
Spread the love

લોકજાગૃતિ અને લોકભાગીદારી દ્વારા ગુનાઓનું નિવારણ વધુ આસાન બને. અસરગ્રસ્ત વિસ્તારમાં, સોસાયટીમાં જઈને લોકો સાથે મિટિંગનું આયોજન કરવું. પોલીસ સ્ટેશને કે ચોકીએ મિટિંગ રાખવી નહીં. જો લોકોમાં તંત્ર પ્રત્યે વિશ્વાસ ઉભો કરવામાં આવે તો તેમનો સહયોગ અવશ્ય મળે. ઘટના બને ત્યાર પછી દોડી જવું, એટલે કે ફાયરબ્રિગેડ મેન્ટાલિટી કરતાં આગોતરુ આયોજન કરીને ગુનાના નિવારણ ઉપર વધુ ભાર મૂકવામાં આવે તે જરૂરી છે.

કાયદો, નિયમ, પરિપત્રને જડતાપૂર્વક વળગી રહેવાને બદલે આ બધું માનવ માટે છે; એમ સમજીને તંત્ર ચલાવવું જોઈએ. ઉદાહરણ તરીકે, મુસાફર-વાહનોથી ટ્રાફિક નિયમોનો ભંગ થતો હોય પરંતુ માણસની આર્થિક સ્થતિનો વિચાર કરવો પડે. ગરીબ મજુરો સમૂહમાં જ રીક્ષામાં બેસે તો તેમને પોસાય. જયારે જીવતા માણસનો વિચાર કરવાને બદલે, નિયમ-કાયદાનો જડ આગ્રહ રાખવામાં આવે ત્યારે તંત્રની ઈમેજ બગડે છે. પોલીસે, લોકો અને ગુનેગારો વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. ગુનેગારો સાથે સખ્તાઈ જોઈએ, લોકો સાથે સભ્યતા. ગુનેગારોમાં પોલીસનો ડર હોવો જોઈએ અને લોકોમાં પોલીસનો આદર.

જો પોલીસ જ અન્યાય વેઠતી હોય તો લોકોને શું ન્યાય આપે ? ઉચ્ચ અધિકારીઓએ આ માટે તાબાના માણસો પોતાને સહેલાઈથી મળી શકે, અને પોતાની રજૂઆત કરી શકે તે માટે ડેમોક્રેટિક મેનર્સ અને ડેમોક્રેટિક મેનેજમેન્ટની પદ્ધતિ અપનાવવી જોઈએ. પોલીસદળ સંવેદનશીલ ત્યારે બને જ્યારે ભોગ બનનારની જગ્યાએ પોતાની જાતને મૂકે. પોલીસદળ-પારદર્શી, ઉત્તરદાયી, સંવેદનશીલ છે તેવું લોકોને લાગવું જોઈએ. તંત્રની જડતા, સ્થગિતતા અને સંવેદનહીનતા નિવારવાનો માર્ગ છે: લોકજાગૃતિ, નાગરિક સભાનતા.

અટકાયતી પગલાં સાચા લેવાય તે ખાસ જોવું. માત્ર આંકડા દેખાડવા માટે જ અટકાયતી પગલાં ન લેવાં. સાચા અને સમયસરના અટકાયતી પગલાંને કારણે ગુનાઓ અટકે છે. અરજીઓનો ત્વરિત નિકાલ કરવામાં આવે તો ગંભીર ઈજાઓના ગુનાઓ ઘટે છે.

માથાભારે ઈસમો મકાન, ફેક્ટરી, જમીન, પૈસા બળજબરીથી પડાવી લેવાની પ્રવૃત્તિ કરે છે, તેની સામે IPC ૩૮૪, ૩૮૫, ૩૮૬ હેઠળ શકય તેટલાં વધુ કેસો નોંધાય તે જરૂરી છે, તો જ લોકો ભયમુકત બને અને પોતાને સુરક્ષિત અનુભવે. ખૂન, ખૂનની કોશિશ, ગંભીર ઈજાઓના ગુનાઓ પ્રત્યે પ્રથમ ધ્યાન આપવું જોઈએ, કેમ કે વ્યક્તિની મિલકત કરતાં તેનો જીવ, તેની સ્વતંત્ર્તા વધુ અગત્યની છે. ગુનાઓ ઘટ્યા છે, તેવું આંકડા દર્શાવીને સંતોષ લઈ શકાય, પરંતુ પોલીસ કામગીરીની સાચી ઓળખ, ફરિયાદીને થયેલ સંતોષ છે.

મર્ડરને અકસ્માતમાં ખપાવી શકાય, લૂંટ કે ઘરફોડને ચોરીમાં મિનિમાઈઝ કરી શકાય, ગુનાનું બકીંગ કરીને સારો દેખાવ કરી શકાય, ગંભીર ઈજાઓના ગુનાઓને NC ફરિયાદોમાં મિનિમાઈઝ કરી શકાય, પરંતુ આવું શા માટે ? કોના માટે ? લોકોની સુરક્ષામાં કેટલો વધારો થયો અને લોકો કેટલે અંશે ભયમુકત બન્યા, એ પોલીસ કામગીરીનો માપદંડ હોવો જોઈએ.

લેખક : નિર્મલ રાઠોડ

Admin

Admin

9909969099
Right Click Disabled!