નેત્રંગમાં જગ્યાના અભાવે એસ.ટી. બસસ્ટેન્ડના નિમૉણની કામગીરી ફરી ટલ્લે ચઢી…!

નેત્રંગમાં જગ્યાના અભાવે એસ.ટી. બસસ્ટેન્ડના નિમૉણની કામગીરી ફરી ટલ્લે ચઢી…!
  • બસસ્ટેન્ડના નિમૉણ માટે ૨.૫૦ થી ૩ કરોડ રૂપિયાની વહીવટી મંજુરી મળ્યાના અહેવાલ
  • જી.પંચાયતના ગેસ્ટહાઉસ પાસે બસ સ્ટેન્ડ બની શકે છે,સંવેદનશીલ સરકારના નેતાઓના ગરીબ પ્રજા માટે પ્રયત્નો કરે તે જરૂરી
  • નેત્રંગમાં જગ્યાના અભાવે એસટી બસસ્ટેન્ડના નિમૉણની કામગીરી ફરી ટલ્લે ચઢતા આમ પ્રજામાં રોષ ભભુકી ઉઠ્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકો બન્યા બાદ ગુજરાત પરિવહન વિભાગ ધ્વારા નેત્રંગ તાલુકા મથકે અત્યાઆધુનિક સુવિધાઓથી સજ્જ એસટી બસસ્ટેન્ડ બનાવવાની પણ મંજુરી આપી હતી,જેના માટે ૨.૫૦ થી ૩ કરોડ રૂપિયાની વહીવટી મંજુરી મળ્યાના અહેવાલ મળ્યા છે,પરંતુ નેત્રંગ તાલુકો બન્યાના ૭ વષૅ બાદ પણ જગ્યાના અભાવે એસટી બસસ્ટેન્ડના નિમૉણની કામગીરી અટકી પડી છે,જ્યારે ગુજરાત પરિવહન વિભાગના જવાબદાર અધિકારીઓએ એસટી બસસ્ટેન્ડના નિમૉણની જગ્યા માટે નેત્રંગમાં ત્રણ થી ચાર વખત સવૅ પણ કરવામાં આવ્યા હતો,પરંતુ યોગ્ય જગ્યા નહીં મળતા પરિણામ શુન્ય રહ્યું છે.

જેમાં મુખ્યત્વે નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ અને ચારરસ્તાને સમાંતર જ જીલ્લા પંચાયત હસ્તકના ગેસ્ટહાઉસના ટેકરાને તોડી રસ્તા જેટલું લેવલ કરીને એસટી બસસ્ટેન્ડનું નિમૉણ થઇ શકે છે,જ્યારે ગેસ્ટહાઉસની જગ્યા ઉપર એસટી બસસ્ટેન્ડનું નિમૉણ થાય તેનો સીધો ફાયદો લોકોને થઇ શકે છે,કારણ કે ગેસ્ટહાઉસની બાજુમાં જ તાલુકા સેવાસદન,તા.પંચાયત અને પો.સ્ટેશન અને સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે,અને જ્યાં દરરોજ મોટીસંખ્યામાં લોકોની અવરજવર રહે છે, જ્યારે અંકલેશ્વર, ડેડીયાપાડા અને સુરત સહિત મહારાષ્ટ્ર રાજ્યને જોડતો રસ્તો નેત્રંગ ચારરસ્તા ઉપરથી પસાર થાય છે.

જેથી એસટી બસસ્ટેન્ડના નિમૉણથી રાજ્યભરની બસો સહિત મહારાષ્ટ્ર રાજ્યની બસ લોકો પકડી સમયસર જે તે સ્થળ ઉપર પહોંચી શકે છે,આ બાબતે એસટી વિભાગના અધિકારીઓ અને સરપંચેે જગ્યાનું સવૅ કયુૅ હતું,અને જગ્યા પસંદ પણ પડી હતી. જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકાભરના ગામોમાંથી ખુબ જ મોટી સંખ્યામાં રોજીરોટી કમાવવા માટે મજુરીવગૅ, અભ્યાસ માટે વિધાથીૅઓ અને  અન્ય મુસાફરો નિત્યક્રમ એસટી બસ સહિત ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતાં હોય છે.

જેમાં નેત્રંગ તાલુકા મથકે એસટી બસસ્ટેન્ડના નિમૉણના વિલંબના કારણે વિધાથીૅઓ અને આમ પ્રજા સહિત મુસાફરોને પણ શિયાળાની ગુલાબી ઠંડીમાં,ઉનાળાની ભયંકર ગરમીમાં અને ચોમાસામાં ભર વરસાદમાં ખુલ્લા આકાશની નીચે બસની રાહ જોવા મજબુરી બની ગઇ છે,તેવા સંજોગોમાં જી.પંચાયતના ગેસ્ટહાઉસ પાસે દિવ્યભવ્ય બસ સ્ટેન્ડ બની શકે છે,જેના માટે સંવેદનશીલ સરકારના નેતાઓ ગરીબ પ્રજાની સુખાકારી માટે ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને વહેલી તકે બસ સ્ટેન્ડનું નિમૉણની કામગીરી શરૂ થાય તે જરૂરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાયૅક્રમમાં નેત્રંગમાં બસ સ્ટેન્ડનો મુદ્દો ભુલાઇ ગયો હતો. ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વાહન-વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત નેતાઓની ઉપસ્થિતમાં ભાવનગરના જવાહર મેદાનમાં રાજ્યભરમાં ૨૧ નવા બસ સ્ટેન્ડનું લોકાપૅણ અને ૩ બસસ્ટેન્ડનું ખાતમુહુર્ત કરવાના કાયૅક્રમનું આયોજન કરાયું હતું,અને ૮૪ કરોડ રૂપિયાના કામોને મંજુરી મળી હતી,જે પ્રશંસનીય બાબત છે, પરંતુ કમનસીબે ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં એટલે કે પછાત વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકે એસટી બસ સ્ટેન્ડ નિમૉણ માટે ખાતમુહુર્ત કરવાનું રાજ્ય સરકાર ભુલી જતાં પછાત વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ લોકોને રાજ્ય સરકાર ધ્વારા હળહળતો અન્યાય કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!