ગુજરાતમાં વ્યાપમ કૌભાંડ…? ભરતીમાં ગડબડ ગોટાળાના આરોપો…..!

ગુજરાતમાં વ્યાપમ કૌભાંડ…? ભરતીમાં ગડબડ ગોટાળાના આરોપો…..!
Spread the love

શું ગુજરાતમાં પોલીસ ભરતીમાં મધ્યપ્રદેશના વ્યાપમ કોભાંડની જેમ પીએસઆઇ મોડ-2ની પરીક્ષામાં વ્હાલાદવલાની નીતિ અપનાવીને અમુકને પાસ કરવા અને અમુકને ફેલ કરવાની કોઇ રાજ-રમત તો રમાઇ નથી ને…એવા સવાલો એટલા માટે થઇ રહ્યાં છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રમાં છપાયેલી સુચનાનું કડક પાલન કરનારા ઉમેદવારોના ગુણ કાપીને ઓછા ગુણ આપતાં તેઓ મેરિટમાં આવી શક્યા નથી.

જેમણે સુચનાનું કડક પાલન ન કર્યું અને પાલનભંગ કર્યો તેઓ મેરિટમાં પહોંચતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં છે અને સરકારી સુચનાનું પાલન કરીને મેરિટમાં નહીં પહોંચેલા ઉમેદવારોના મનમાં એવી લાગણી સર્જાઇ રહી છે કે શું સુચનાનું કડક પાલન કરવાની તેમને સજા કરવામાં આવી છે…? શું જેમણે પ્રશ્નપત્રની સુચનાનું પાલન નથી કર્યું તેમના પ્રત્યે ઉદારતા રાખીને તેમને પીએસઆઇ બનાવવાની કોઇ મેલી રમત ગૃહ વિભાગમાં કોઇના ઇશારે કરવામાં આવી છે…?

આ અંગેની વિગત પર નજર નાંખીએ તો ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા 2015-16માં 5-12-2015ના દિવસે 400 કરતાં વધારે પીએસઆઇની ભરતી માટે જાહેરખબર આપવામાં આવી હતી. જેઓ હાઇકોર્ટમાં મામલો લઇ ગયા છે તેઓ પણ ખાતાકિય રીતે પરીક્ષામાં બેઠા હતા. ફેબ્રુઆરી 2017માં ફિજીકલ ટેસ્ટ અને જુલાઇ 2017માં પીએસઆઇ મોડ-2ની લેખિત પરીક્ષા યોજાઇ હતી. આ સમગ્ર વિવાદની જડ અને જેને લઇને કેટલાકના મનમાં વ્યાપમ કૌભાંડની ગંધ આવી રહી છે તે સુચના આ પ્રમાણે હતી.

“પ્રશ્નપત્રમાં માંગ્યા મુજબના જ વિકલ્પોના જવાબો આપવા, વધુ સંખ્યામાં લખેલા વિકલ્પો ધરાવતાં કેસમાં માત્ર પ્રથમ ક્રમથી શરૂ થતાં માંગ્યા મુજબના વિકલ્પો જ તપાસવામાં આવશે તૈયારબાદના વધુ લખેલ વિકલ્પોના જવાબો ધ્યાનમાં લેવામાં આવશે નહીં” આ સુચનાનું અક્ષરશહ પાલન કરીને લેખિત પરીક્ષા આપનારા કેટલાક ઉમેદવારો જુલાઇ 2017માં પરિણામ આવ્યું ત્યારે આઘાત પામ્યા હતા. તેઓ પરિક્ષામાં પાસ તો થયા પણ એટલા ઓછા ગુણ મળ્યા કે આપવામાં આવ્યાં કે તેઓ મેરિટમાં જ આવી ન શકે…..!

કડક સુચનાનું પાલન કરીને ભોગ બનેલાઓનું કહેવું છે કે જેમણે આ કડક સુચનાનું પાલન ન કરતાં જરૂરી કરતાં વધારે વિકલ્પોના જવાબો આપ્યા તો એ જવાબોના ગુણ તેમને આપવામાં આવ્યાં અને તેઓ મેરિટમાં પહોંચી ગયા…! RTI હેઠળ આન્સરબુક માંગવામાં આવી ત્યારે તેમને ઓર વધુ આઘાત લાગ્યો કે તેમના જવાબો નિયમાનુસાર અને સુચનાના દાયરામાં આવતાં હોવા છતાં તેમના એ સાચા જવાબો ધ્યાને જ લેવામાં ના આવ્યાં. પરિણામે તેમના જવાબો સાચા હોવા છતાં તેને નહીં તપાસીનેને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

સૂત્રોએ કહ્યું કે જેમને મેરિટમાંથી બાકાત રાખવામાં આવ્યાં તેમનું કહેવું છે કે જો તેમને પણ એવી સુચના આપવામાં આવી હોત કે મર્યાદિત નહીં પણ તમામ પ્રશ્નોના જવાબો આપવા તો તેઓ પણ એ સવાલોના જવાબો આપી શક્યા હોત અને તેઓને તેના સાચા જવાબો આવડતાં હોવા છતાં એટલા માટે બધા પ્રશ્નોના જવાબો ના આપ્યા કેમ કે લેખિત સુચના જ એવી હતી કે જો તેનાથી ઉપરવટ જઇએ તો સુચનાનો ભંગ કર્યો કહેવાય અને તેમને એના ગુણ નહીં મળે.

પરંતુ તેમની નવાઇ વચ્ચે જેઓ મેરિટમાં પહોંચ્યા તેમણે સુચનાનો ભંગ કર્યો, બધા જ પ્રશ્નોના જવાબો આપ્યા અને પેપર તપાસનારે બધા જવાબોમાંથી સાચા હતા તે તમામના ગુણ આપીને તેમને મેરિટમાં ચઢાવ્યાં….? જ્યારે તેમણે બધા પ્રશ્નોના જવાબો આવડતાં હોવા છતાં ચોક્કસ સુચનાનું પાલન કરીને મર્યાદિત પ્રશ્નોના જવાબો આપ્યા જેથી તેમને ઓછા ગુણ આપ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ભોગ બનેલા ઉમેદવારોની ઉત્તરવહી તપાસવામાં તેમની સાથે અન્યાય કરીને સાચા જવાબો છતાં તેને ધ્યાને નહીં લઇને એટલા ઓછા ગુણ આપીને તેમના જીવનની કારકિર્દી સાથે ચેડાં કરવામાં આવ્યાં છે.

જે સવાલો ઉદભવી રહ્યાં છે તેમાં, શું પસંદગીના કે અમુકને પાસ કરીને મેરિટમાં લાવવા તેમને એવી કોઇ ગોપનિય સુચના આપવામાં આવી હતી કે સુચના પ્રમાણે નહીં પણ તમામ વિકલ્પોના જવાબો લખવા અને ઉત્તરવહી તપાસતી વખતે તેમને અન્યાય કરવામાં નહીં આવે….? કેમ કે તેમના બધા જ જવાબો ચકાસીને વધુ ગુણ મળે એવું કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે એમપીના વ્યાપમ કૌભાંડમાં પણ આવી જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થયો હતો કે અમુક સવાલોના જવાબો લખવા અને બાકીનું ઉત્તરવહી તપાસતી વખતે સેટીંગ થઇ જશે….

એમ પસંદગીના એટલે કે જેમની સાથે સેટીંગ થયું તેવા ઉમેદવારોને કહેવામાં આવ્યું હતું. એક રીતે જોતાં તે ફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસ જેવી મોડસ ઓપરેન્ડીની યાદ અપાવે છે. ગુજરાતમાં પીએસઆઇની કે સામાન્ય પોલીસની ભરતીમાં લેખિત પરીક્ષામાં ગરબડના દાખલા છે. પોલીસની ભરતીમાં તો પરીક્ષા શરૂ થવાના એક કે બે કલાક પહેલા જ પેપર ફૂટી જતાં પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી અને ભારે હોબાળો મચી ગયો હતો. પરીક્ષા લેનાર સંસ્થાની નિષ્ઠા સામે સવાલો થયા તે સંસ્થા દ્વારા પીએસઆઇ મોડ-2ની લેખિત પરીક્ષામાં વ્યાપમ જેવી કોઇ સુચના નહીં અપાઇ હોય તેની શી ખાતરી…?

 

કાર્તિક જાની (જી.એન.એસ)

Right Click Disabled!