52 વર્ષ પહેલાં થયેલ જમીનનો વેચાણ-દસ્તાવેજ રદ્દ કરવા અંગે સીમાચિહ્નનરૂપ ચુકાદો

52 વર્ષ પહેલાં થયેલ જમીનનો વેચાણ-દસ્તાવેજ રદ્દ કરવા અંગે સીમાચિહ્નનરૂપ ચુકાદો
Spread the love
  • સીમાચિહ્નનરૂપ ચુકાદો આપતી નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ-બોટાદ

બોટાદ : જમીનોના ભાવ આસમાને પહોંચતા અનેક નિતનવા અજીબ કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે. આવો જ એક કિસ્સો બોટાદ જિલ્લામાં બનવા પામેલ છે. જિલ્લાના અલમપુર ગામમાં આશરે 20 એકર અર્થાત 50 વિઘા જેટલી સોનાની લગડી જેવી ખેતીની જમીન, અપીલકર્તા – અરજદાર પક્ષના પૂર્વજ પાસેથી, સામાવાળાના વડવા મર્હુમશ્રી ભગવાનભાઇ દલુભાઇ પ્રજાપતિએ 1968ની સાલમાં કાયદેસર રીતે વેચાણ દસ્તાવેજ કરીને અઘાટ-વેચાણથી આ જમીન ખરીદ કરી હતી.

ત્યારબાદ સરકારશ્રીના રેવન્યુ રેકર્ડમાં તમામ આધાર-દસ્તાવેજો સ્વ.ભગવાનભાઈ પ્રજાપતિ અને તેમના કાયદેસરના વારસદારોના નામે થયેલા, પરંતુ આ કિંમતી જમીન આંચકી લઇ, પચાવી પાડવાનું પ્રલોભન-લાલચ ઉભી થતા, જમીન વેચનાર ગુજરી ગયા પછી, તેઓશ્રીના પક્ષે, સને 2012માં અર્થાત આશરે 44 વર્ષ પછી, પાવર ઓફ એટર્ની હોલ્ડર મારફતે નામદાર સીવીલ કોર્ટ-અમદાવાદ, મહે. મામલતદારશ્રી-રાણપુર, મહે. નાયબ કલેકટરશ્રી-બરવાળા, મહેરબાન કલેકટરશ્રી-બોટાદ, નામદાર ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ…વિગેરે કોર્ટસ સમક્ષ વિભિન્ન કેસો દાખલ કરવામા આવેલ હતા.

મહેરબાન સીનીયર પ્રિન્સીપાલ સીવીલ જજ સાહેબની કોર્ટ – અમદાવાદ ખાતે, આ આશરે 20 એકર અર્થાત 50 વિઘા જમીનનો, આજથી 52 વર્ષ પહેલાંનો કાયદેસર રીતે થયેલ વેચાણ-દસ્તાવેજ રદ્દ કરવા માટે, દાવો-કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે ચાલવાપાત્ર ન થતાં, પાવર હોલ્ડર ત્યારબાદ તેની ઉપરની એપેલેટ કોર્ટ અને છેલ્લે ગુજરાત રાજયની વડી અદાલત એવી નામદાર ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ સુધી, કાનૂની જંગ લડયા હતા.

આ દરમ્યાન બોટાદ નવો જિલ્લો અમલી બનતાં, આ દાવા-કેસની હકુમત અમદાવાદ ખાતેથી નામદાર પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ – બોટાદ ખાતે ટ્રાન્સફર થતાં અને નામદાર ગુજરાત હાઇકોર્ટના ડાયરેકશન મુજબ, ડિસ્ટ્રીકટ કોર્ટ – બોટાદ ખાતે, સદરહું અપીલ-દાવા કેસની કાનૂની કાર્યવાહી ચલાવવામા આવી હતી. આ અપીલ-દાવા કેસમાં આશરે 20 એકર અર્થાત 50 વીઘા જમીન ખરીદનાર મર્હુમશ્રી ભગવાનભાઇ દલુભાઇ પ્રજાપતિના કાયદેસરના વારસદારો એવા કુલ 13 પ્રતિવાદી અર્થાત સામાવાળા પક્ષના પરિવાજનોએ, ગુજરાત હાઇકોર્ટ – અમદાવાદના એડવોકેટ ડો. ડી. બી. દેસાઇ (પી.એચડી)ને, પોતાની આજીવિકા અને જીવાદોરી સમાન, આ અતિ મહત્વના જમીન-કેસમાં મેદાને ઉતારેલ હતા.

નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ – બોટાદ સમક્ષ એડવોકેટ ડો. ડી. બી. દેસાઇએ જમીન-કેસના વિભિન્ન પાસાઓની કાયદાકીય છણાવટ કરીને, તમામ આધાર-પુરાવાઓ સાથે, “ટુ-ધ-પોઇન્ટ” વિદ્વતાપૂર્ણ રજૂઆત-સહ-દલીલ કરી હતી કે 1968નો વેચાણ-દસ્તાવેજ સને 2012માં અર્થાત આશરે 44 વર્ષ પછી ખોટો છે, એવું માનીને પડકારવો, એ પ્રથમ તો કાયદાની જોગવાઇઓ અને કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ છે. અપીલકર્તા-વાદીએ માનનીય ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ એકમમાં અગાઉ રજૂઆત કરેલ છે, જેથી અમદાવાદ ગ્રામ્ય વિભાગના ડી.એસ.પી.શ્રીની કચેરી મારફતે, આ અંગે બંને પક્ષકારોના પોલીસ સમક્ષના નિવેદનો પણ નોંધવામાં આવેલ છે.

અમારી વિરુધ્ધ કોઇ ફોજદારી ગુન્હો પણ નોંધાયેલ નથી. સદરહું જમીન એ વડીલોપાર્જીત નહીં, પણ સ્વ-પાર્જીત પ્રકારની છે, આથી જો અપીલકર્તા-વાદીને અન્યાય થયો હોય તો પ્રથમ ઇન્ડિયન સકસેશન એકટ-1925ની જોગવાઈઓ મુજબ, તેમણે વારસાઇ કરાવવી જોઇયે અને ત્યારબાદ ગમે તે દાદ અર્થે નામદાર કોર્ટ સમક્ષ આવવું જોઇએ,પરંતુ હાલના અપીલકર્તા-વાદી સરકાર શ્રીના કોઇપણ રેવન્યુ રેકર્ડ પર ન હોવાથી, સદરહું જમીન અંગે કોઇ જ કાયદાકીય અધિકાર અર્થાત લીગલ-લોકસ ધરાવતા નથી. વળી, અપીલ દાખલ કરનાર પાવર હોલ્ડરને અપાયેલ અધિકાર એ પણ પાવર ઓફ એટર્ની એકટ-1882ની જોગવાઇ મુજબ પણ થયેલ નથી.

અમોના અસીલને જમીન વેચનાર હયાત હતા, ત્યાં સુધીમાં જો વેચાણ દસ્તાવેજ ખોટો હોય તો તેમણે કોઇ જ લીગલ કાર્યવાહી કરવી જોઇતી હતી, જે પણ કરેલ નહોતી. અમોના અસીલ તરફે, કાયદેસર વેચાણ દસ્તાવેજ સબ-રજિસ્ટ્રારશ્રીની કચેરીમાં નોંધાયા બાદ, આજ દિન સુધી તમામ વેરા-વિધોટી અમો ભરપાઇ કરતા આવ્યા છે અને સદરહું જમીનના અમો બોનાફાઈડ પરચેઝર વ્યકિત છીએ. સદર જમીનમાં કોઇ શરતભંગ થયો હોય, તો એ અંગે ગણોતધારા એકટની કલમ 43, 84-સી કે અન્ય જોગવાઇઓ મુજબની કાર્યવાહી સરકારશ્રી, પોતાનો સુઓમોટો પાવર વાપરીને કરી શકે છે, પરંતુ હાલના અપીલકર્તા વાદીનો એ અંગે કોઇ પણ દાદ માંગવાનો અધિકાર જ નથી.

એડવોકેટ ડો. ડી.બી.દેસાઈએ નામદાર ડિસ્ટ્રિકટ કોર્ટ સમક્ષ ઉમેર્યું હતું કે આ સિવાય ગુજરાત સરકારશ્રીના તા.19-10-2000ના સરકારી ઠરાવ મુજબની પટની રકમ નાયબ કલેકટરશ્રી-ધોળકા સમક્ષ પણ અમોના અસીલે ભરપાઇ કરેલ છે, છતાં પણ અપીલકર્તાએ અનેકવિધ અસત્યોનો આશરો લઇ અને કાયદાકીય જોગવાઇઓનું ખોટું અર્થઘટન કરી, માત્ર પોતાનો સ્વાર્થ સાધવા અને અમોના અસીલને હેરાન-પરેશાન કરીને, ખર્ચના ઉંડા ખાડામાં ઉતારી દેવા, જાણી-બુઝીને ગુન્હાહિત કૃત્ય કરેલ છે, જેથી માલા-ફાઇડઇન્ટેશનથી સદર અપીલ દાવા-કેસ આપ નામદાર કોર્ટ સમક્ષ દાખલ કરેલ છે…. વિગેરે વિગેરે. આ માટે એડવોકેટ ડો. ડી. બી. દેસાઇએ પોતાની રજુઆત-દલીલના સમર્થનમાં, નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર ગુજરાત હાઇકોર્ટ અને વિભિન્ન રાજયોની હાઇકોર્ટસના કુલ 12 જજમેન્ટ્સનો આધાર લઇને ભારપૂર્વક-સહ-વિનમ્રતાપૂર્વક દલીલ કરી હતી.

અંતે, જમીન વેચનાર અને ખરીદનાર, એમ બન્ને પક્ષકારોની વિગતવાર રજુઆતો ધ્યાને લેતા, નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટ – બોટાદ મારફતે જમીન ખરીદનાર પક્ષના એડવોકેટ ડો. ડી. બી. દેસાઇની રજૂઆતો અને દલીલોમાં વજુદ-સચ્ચાઇ જણાતા, આશરે 20 એકર અર્થાત 50 વિઘા ખેતીની જમીનના કાયદેસર વેચાણ-દસ્તાવેજને રદ્દ કરવા અંગેની અપીલકર્તા-વાદીનો અપીલ-કેસ રદ્દ કરવા નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ કોર્ટે હુકમ કરીને, સીમાચિહ્નન રૂપ ચુકાદો જાહેર કરેલ છે. સદર ચુકાદાથી બોટાદ જિલ્લાના અલમપુર ગામના જમીન ખરીદનાર પ્રજાપતિ કુટુંબના તમામ પરિવારજનોમાં હર્ષ અને આનંદની લાગણી પ્રસરી ગયેલ છે.

ડો.ડી.બી.દેસાઇ (એડવોકેટ)
(મો) : 94263 62494

Right Click Disabled!