ઘરે-ઘરે કરતા આંગણવાડી કાર્યકરોને સેફ્ટીના કોઇ સાધનો અપાયા નથી

- કોરોનાકાળમાં કર્મચારીઓ પર જોખમ વધ્યું ચડત રકમ ચૂકવવા અને સુવિધા આપવા માંગ
જામનગર શહેરના આંગણવાડી કાર્યકરો અને હેલ્પરને કોરોનાની કામગીરીમાં મહાનગરપાલિકા દ્વારા ફરજ સોંપવામાં આવી છે તે કામગીરીમાં સેફ્ટીના કોઈ સાધનો આપવામાં આવતા નથી જેના કારણે કર્મચારીઓ પર જોખમ વધે છે જેનો કર્મચારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. જામનગર શહેરના આંગણવાડી કાર્યકરો અને હેલ્પરને માર્ચ ૨૦૨૦થી કોરોના મહામારી સંદર્ભે સતત કામગીરીમાં લગાડવામાં આવ્યા છે.
જેમાં ૫૦થી વધુ ઉંમરના કર્મચારીઓ પણ હોય છે જેમને ખરેખર તો આ કામગીરી સોંપવી ન જોઈએ. આંગણવાડી કાર્યકરોને માસ્ક, ગ્લોઝ કે ફેસકીટ જેવી પાયાની કોઈ સુવિધા આપવામાં આવતી નથી. જેના કારણે તેના પરનું જોખમ વધી જાય છે જેથી તેવી વસ્તુઓ તેમને તાત્કાલિક પૂરી પાડવી જોઈએ તેમજ તેમને આ જોખમી કામગીરીનો પૂરો પગાર મળે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે જેમાં ભારતીય મજદૂર સંઘ પણ પોતાનો ટેકો પુરાવ્યો છે.
– રોહિત મેરાણી (જામનગર)
