# બકાનાં ગતકડાં

# બકાનાં ગતકડાં
Spread the love

રુમઝુમ કરતી દિવાળી આવી.આવા કોરોનાકાળમાં કોઈના ઘરે તો જવાનું નથી. તો ચાલોને આપણે જ ક્યાંક બહાર ફરી આવીએ.એમ વિચારીને બેસતા વર્ષે સવારમાં વહેલા અમદાવાદથી પરોઢિયે નીકળ્યાં.હમણાં રાજકોટ પહોચી જવાશે એમ વિચારેલું. પણ રસ્તામાં પડ્યું પંચર.પડ્યું તો એવી જગ્યાએ કે આજુબાજુ કોઈની ઝટ મદદ પણ મળે એવું નહોતું.

અજવાળું થતાં એક ભાભા દેખાણા.એણે કીધું કે આગળના ચાર રસ્તેથી એસ.ટી. બસ મળશે.સવાર સવારમાં ચાલવું કાઠું તો હતું જ.છતાં છૂટકો નહોતો.છેવટે બસ આવી.પચાસ ટકા પેસેન્જર જ લેવાના હોવાથી સાસુમાની સાથે ગટુને બેસાડી રાજકોટ રવાના કર્યા.

બીજી બસમાં સસરાજી સાથે એમની દીકરીને રાજકોટ મોકલી. બકો અને ચીકુ બસની રાહ જોતા ઊભા. તડકો ચઢતો હતો. પણ બસ આવે તો જવાય ને ? છેવટે બસ આવી.

કંડકટરે બારીમાંથી એક આંગળી બતાવી.આગળ કાઈ બોલે એ પહેલા જ બકાએ બેસતા વર્ષની આપવીતી કહી દીધી. ને છેલ્લે ઉમેર્યું ભાઈ અમને બેયને લઈ જા તો તારો આભાર.

“આવતા રયો…. આવતા રયો …આપડી બસ ખાલી જ છે.” કંડકટરે બારણું ખોલતા કહ્યું.

“તમે એક જ જણ લઈશ ,એમ આંગળી બતાવીને ?!” બકાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“એ તો એમ કીધું કે સો રૂપિયા ટિકિટ થાહે .કચકચ કરશો તો નૈ હાલે… આઈ હું સે કે ગામડામાં લોકો કકળાટ બહુ કરે.સાદી બસમાં ઓસી ટિકિટ થાય. આમાં જે થતી હોય ઈ પેલેથી કે’વું પડે…” કંડકટરે સ્પષ્ટતા કરી. બકાને થયું બાપ રે…કેટલું બોલે છે…!

“જે થતી હોય એ લઈ લોને બાપુ.આપણને કોઈ વાંધો જ નથી.” બકાએ સ્માઈલ કર્યું.

કંડકટરે કાયદેસર બેયની ટિકિટ ફાડી આપી.બકાને આ બોલકણા માણસમાં રસ પડ્યો.ચીકુ થાકના કારણે બસ ચાલુ થતાં જ નીંદરમાં સરી પડ્યો.બકાએ કંડકટર સાથે બેઠક જમાવી.

”આજે તહેવારે તમારી બસ આમ સાવ ખાલી કેમ ?” બકાએ કંડકટરને પૂછ્યું.

“ ઈમાં હું સે કે બસ ગઈકાલની ખોટકાણી ‘તી.આખી રાત બસમાં જ કાઢી સે. હવારમાં રીપેર કરી ગ્યા તે પાસા વળીએ સે. તિમાં કોઈ માણહ નથી.”

“ ઠીક….માસ્તર તમારું નામ હું છે ?” બકાએ પૂછ્યું.

“ભૂરો…”

“ બુરો…?” બકાના કાન ચમક્યાં.આવું કેવું નામ ?

“ અરે…બાપા…ભૂ…રો…ભેંસનો ભ….આ વાહનું ના અવાજમાં તમને હંભળાતું નથ…” કહી માસ્તર હસી પડ્યો.

“ અચ્છા ભૂરો…ભૂરાના તો બહુ જોક આવે છે હો ભાઈ…” બકાએ મશ્કરી કરી.

“ ઈ ભૂરો હું જ સુ…….કાં દાદા …” કહેતા એણે ડ્રાયવર હામું જોયું. માસ્તર તો વળી બકા કરતાય મજાકિયો નીકળ્યો.

“તમે એની એકેએક વાતું હાંભરો તો તમે જ કે’શો……હા આ ઈ જ ભૂરો સે…..એવો મોજીલો માણહ સે અમારો ભૂરો .” ડ્રાયવરે ટાપશી પુરાવી.

“તો થાવા દયો વાતું ભૂરાભાઈ…..” બકાને ય મોજ પડી.

“ હું મારી ઘરવાળીને જોવા ગ્યો…..તો મારા બાપા ક્યે ભાઈ સોકરીવારાને પગાર થોડો વધારે કે’વો.મેં કીધું હો….”

“ તમારી ઘરવાળીનું નામેય ભૂરી છે કે હું ?” બકાએ વચ્ચે પૂછી જ લીધું.

“ના રે ના…એનું નામ તો અપર્ણા સે. કોલેજ પાસ હોં…” ભૂરા માસ્તર બોલ્યા.

“ એમ….સરસ…સરસ…પછી શું થ્યું છોકરી જોવા ગયા એ…”

“ હા…હાલો આગળ …પસી હું થયું કે બેઠા ને…. ચા પાણી પીતા’તાને છોકરીના બાપાએ મને પૂસ્યુ તમારો પગાર કેટલો… ? આપડે તો કહી દીધું દસ લાખ.”

“ દસ લાખ….એટલો બધો તો દેશના વડાપ્રધાનનો ય નહી હોય ”બકાથી હસી જવાયું.

“ ઈ તમને ખબર સે…પણ મને ખબર હોવી જોવે ને ? તી મેં તો કીધું એ ભેગું જ બધાના મોંઢા એવા થઈ ગ્યા……આમ જોવા જેવા…મને પુસ્યુ હોત, કંડકટરનો દસ લાખ પગાર ?તાણે ભાન થ્યું હાળું બફાઈ ગ્યું. તરત સુધારી દીધું.પગાર મારી આખી ઓફિસનો થઈને દસ લાખ સે.બધાનો ભેગો મારે જ ઉપાડવા જાવાનું.”

“ માનીએ ગ્યા ?”

“ના ના એમ માને કાઈ…? મને પુસ્યુને તાણે તમારો કેટલો ? મેં કીધું અટાણે તો ફિક્સ પગારમાં સુ. સરકાર પગાર વધારે ત્યારે વાત.પણ મારે શ્યાયેબ થાવું સે. આખી જિંદગી કંડકટર રે’વાનો નથ. ને આ હિમત ઉપર જ મારા સસરાએ હા પાડી.”

“ વાહ…વાહ…ભારે હિંમત કરી. પછી થઇ ગયા લગન એમને… !”

“એમ કાઈ ભૂરાના લગન થાતા હશે ? ભૂરા પેલી દિવાળીની વાત કર.” ડ્રાયવર સાહેબે ટમકો મુક્યો.

“તે’વાર આવે અટલે હું સે કે સોકરીવારાના ઘરે પડો મેક્લાવે. કપડાને મીઠાઈને કટલરીને એવું બધું…..તે એકવાર મનેય સાસરે મોક્લીયો. રાત્રે જમ્યા પસી મારા હાહુ કે ભૂરાલાલ તમે બેય પિક્ચર જોઈ આવો.કાં તો બહાર ફરી આવો. મને ઘડીક ગભરામણ થઈ ગઈ.પસી મારો હાળો ક્યે એમ કરોને મારું બાઈક લેતા જાવ.મારી હારે મારો ભાઈબંધ કીકો આવેલો.મેં કીકા હામે જોયું…એને ખબર કે મને બાઈક બરાબર ફાવતું નથી.

ઈ ક્યે બીજું કાઈ વાહન લાવી દયો તો હું ય ભેરો જાવ.એને બાજુના રૂમમાં બોલાવીને મારા હાળાએ બે ઝીંકી…સાલા એ લોકોને ગટર ગૂ કરવા મોકલું સુ ને આડીનો ફાટે સ.મૂંગીનો રે’જે. તી એ બારે આવીને ફરી ગયો…ભૂરા મને બૌ પેટમાં વીટ આવે સે મારથી નૈ અવાય.” બકો તો જે દાંત કાઢે……

“ પસી મેં બાઈક શરુ તો કર્યું…પણ એટલી શરમ આવેને…આજુબાજુની બાયું ને છોડીયુ જોવા બારે નીકળી હો….જો જો…પેલી અપલી ઈના ઘરવાળા હારે ફરવા ઝાય….પાસી કોક મોટેથી બોલે હો….હાસ્તો ફરવા લઈ જ જાયને નોકરીયાત ગોત્યો સે બાઈ…..મું તો એટલો નર્વસ….ઈમાં ઓલી વાંહે બેઠી તાં મારા હાહુ ક્યે…બટા કમરેથી પકડી લે …ક્યાંક પડી નો જવાય.”

“શું વાત કરો છો…? સાસુએ એવું કીધું…?”

“હા…હા…હાહુએ કીધું નૈ…..એને શીખવાડ્યું કે આમ બેસ…ઈ અડી ભેગી મને તો શરીરમાં વીજળીનો કરંટ લાગ્યો……એમ થ્યું કે આ હું …?મેં કીધું ટોકીઝનો રસ્તો બતાડ…..તો ક્યે પીસ્સર ઝોવા નથ જાવું.મેં કીધું ઘરમાં હું કે’શું ?તો કે ઈ ચિંતા જવા દયો. મૈ હું ના…?

એમાં બે કૂતરા બાઝતા બાઝતા રોડ વચાળે દોડ્યા…મારું અડધું ધ્યાન વાતોમાં હતું ને અડધી બત્તી કરંટમાં ગુલ થઈ ગયેલી…તે અથડાયા ભેગા પડ્યા….એ ઓલી કોર…ને હું આ પા…”

“અરેરેરે….એવું થયું ?”

“પસી એણે બાઈક ચલાવ્યું…ને મને કયે કમરે હાથ મૂકો પસી ચાલુ કરું….! એ દિવાળી તો બાકી અજબ ગજબની વીતી.”

“ એવું…?!!!”

“હા…ને પસી જે બાઈક ભગાડી………મને બાઈક એણે જ શીખવાડી.”

“ ઓહોહોહોહો…..ભાઈ…. ભાઈ….”

“આ અમેરિકાની ચુંટણીના સમાચાર જોવાની મને બહુ મઝા આવતી.બે-ત્રણ દિવસ ઘરમાં એજ જોયા કર્યા.તે મારી પાંહે આવીને ક્યે આપણું કોઈ હગુ અમેરિકા રહે છે ? મેં કીધું ના રે ના.તો પસી કે અમેરિકાનો નવો પરમુખ તમારો પગાર વધારી આલવાનો સે એવું સે ?

મેં કીધું ના ભાઈ ….તો કે અમેરિકાની ચુંટણીથી તમન કોંય ફાયદો થવાનો સે ? મી કીધું આપડને હું ફાયદો ? કેવાનો ફાયદો ?તી માર હાથમાંથી રીમોટ ઝટી લીધું…..ક્યે તયે હું હાલી નીકળ્યા સો …. અમેરિકાની ચુંટણી… અમેરિકાની ચુંટણી….જાવ ચોકડીમાં .વાસણ તમારી રાહ જુએ સે.”

“તમારી ભૂરી તો બહુ જબરી હોં…”

“જબરી એટલે….નવરાત્રીમાં મને ક્યે….તમે તો કે’તાતાને હું સાયેબ બનીશ…..તમારી જુઠ્ઠી વાતોમાં મને તો નોકરાણી બનાવી દીધી….નોકરાણી….મેં ધીમેથી કીધું…..એલી આ લોકડાઉનમાં વાસણ…કચરાપોતા….કપડાં …બધુંય મેં કર્યું…..

તારા પ્રેમમાં નોકર તો હું બન્યો. ને સાયેબ તો થાવાનો જ છું.તો આહુંડા પાડતી પાડતી મને ક્યે નોકરની વહુ નોકરાણી જ થઇ કે નહી ???!!!

અને હમણા તો વેન લીધું…હાલો દિવાળીમાં ફરવા જાઈએ….મેં કીધું મને નોકરીમાંથી રજા નહિ મલે. તો ક્યે મારી મમ્મી હારે ગોવા ફરવા જાઉં……લાવો પચાસ હજાર વાપરણ….”

“અરેરેરે…ભારે કરી……પછી…?”

“તયે….?!!! આપડે બી ઉસ્તાદ… મેં કીધું અપલી…કાનુડો કઈ રીતે રહી શક્યો રાધા વગર…?મારા તો શ્વાસ રૂંધાઇ જાય ,ઘરમાં તારા વગર…ને એક જ ડાયલોગમાં મામલો ફીનીસ !!!”

“ અરે વાહ માસ્તર તમને તો શાયરી બનાવતા ય સારી આવડે છે ને કાંઈ……વાહ ભાઈ વાહ.” બકાએ તાલી પાડી. એવામાં એક હોટલ આવતાં ડ્રાયવરે બસ ઊભી રાખી.

“ ચાલો …આખી રાતના હેરાન થયા છીએ….નાસ્તો પાણી કરીએ.” ડ્રાયવરે કહ્યું. નીચે ઉતર્યા ત્યાં ભૂરા માસ્તરનો ફોન રણક્યો.સામે છેડેથી એની પત્ની આજે બેસતા વર્ષેય ઘરે નથી એ માટે ઠપકો આપતી હોય એવું લાગ્યું.

“ મેં તને કહ્યું તો ખરું…. કાલે રાત્રે મારી ગાડી બ્રેક ડાઉન હતી. ડ્રાયવર ભાઈને હાર્ટનો પ્રોબ્લેમ છે.આવા કોરોનાના વાતાવરણમાં એમને રાત્રે એકલા મુકીને મારાથી ના અવાય. જો એમને કઈક થઇ જાય તો….. બસ એ કારણે જ હું ઘરે ના આવ્યો .બાકી દિવાળી તો રોજ હોય છે ગાંડી.

સાલભર મેં એક બાર દિયે જ્લાનેવાલે કહેતે હૈ કી આજ દિવાલી હૈ…!
હમ જો હરરોજ દિલ મેં કિસી કી યાદ કે દિયે જલાતે હૈ…વો ક્યા હૈ?

ગર તું માન લે તો મહોબ્બત હૈ…
નહિ તો આજ ભી હમ તન્હા હૈ.”

બકાને ભૂરા માસ્તરની સમજણ માટે માન થયું. સાથે બેસીને નાસ્તો કરતાં કરતાં એ વિચારતો હતો કે આ કોરોનાકાળનું બેસતું વર્ષ તો અજબગજબનું નીકળ્યું.ખબર નહી નવું વરસ કેવું જશે ?ત્યાં તો ભૂરા માસ્તરે પૂછ્યું “ શું વિચારમાં છો ?”

“હાળું આ તો પિક્ચરની સ્ટોરી જેવું થઈ ગયું…..”

# લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

BAKO-31.png

Right Click Disabled!