ભગવદ્ ગીતા : જીવનનું અતથી ઇતિ

વિશ્વ સાહિત્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અદ્વિતીય સ્થાન છે. ભગવાન અનંત છે. તેમનું બઘું જ અનંત છે. તો પછી, તેમના શ્રીમુખેથી નીકળેલી પરમ રહસ્યમયી વાણીના ભાવો પણ કેટલા અનંત હોય છે ! એમાં સ્વયં ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને મનુષ્યમાત્રના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને પોતાનાં હૃદયના બહુ જ વિલક્ષણ ભાવો ભરી દીધા છે. જેનો આજ દિન સુધી કોઈજ પાર પામી શક્યું નથી. ગીતાનું તત્વજ્ઞાન એટલું બધું વ્યાપક છે કે, એમાં પ્રાચીન તમામ ઉપનિષદોના સિદ્ધાંતોનું પ્રતિબિંબ પડ્યું છે. આથી જ ગીતા તમામ ઉપનિષદોનો સાર છે.
सर्वोपनिषदो गावो दोग्धा गोपाल नन्दन: ।
पार्थो वत्स सुधी रभोक्ता दुग्धम गितामृतम महत।।
આમાં ગીતા ઉપનિષદોનુંય ઉપનિષદ છે. ગીતા એ સદગુરુ રૂપે છે. માતા રૂપે છે. પરમશાંતિ ની પ્રાપ્તિ કરાવે છે. સુખ શાંતિ અને સલામતી પ્રાપ્ત થાય છે. ગીતા જીવનને સમગ્રતાથી જુવે છે. ગીતામાં યુદ્ધ છે. કર્તવ્ય કર્મો પણ છે. જવાબદારી પણ છે. જે ભગાડતી નથી પણ પડકારો સામે ઝઝૂમવાની શક્તિ આપે છે. ગીતામાં વૈરાગ્ય અને વિતરાગની વાતો છે. છતાં કર્તવ્ય વિમુખ નથી બનાવતી. ગીતા અહિંસાવાદી નથી અને હિંસાવાદી પણ નથી. ગીતા વાસ્તવવાદી છે. ગીતાએ માત્ર સાધુ સંતો અને ઋષિ મુનિઓ માટે જ નથી ગવાઈ. ગીતાની જરૂર જેટલી સાધુ સંતો ને છે તેના કરતાંય વધારે જરૂરિયાત સંસારીઓ માટે છે. ગીતાના ગાનાર અને સાંભળનાર પણ સંસારી હતાં.
ગીતાના 700 શ્લોકો માંથી ભગવાન શ્રી કૃષ્ણ એ જે શ્લોકો બોલ્યા છે, તે 574 જેટલાં શ્લોકોમાંથી એકપણ શ્લોક એવો નથી જે ઉપયોગી ન હોય. એમાં આપણી સમસ્યાઓનું સમાધાન ન હોય. એક એક શ્લોક આપણી સમસ્યાનું સમાધાન છે. ગીતા એ કામધેનુ છે. ગીતાનું તત્વજ્ઞાન જ્ઞાન પુસ્તકમાં ન રહેતાં વ્યકિતના મસ્તિષ્ક માં રહેવું જોઇએ. સંસારી લોકો જ્યારે ભટકે છે ત્યારે ગીતામાતાના શરણોમાં આવે છે. તેથી જ જીવન વ્યવહારમાં ગીતા એક આશ્વાસન છે. ગીતાએ માર્ગ છે. ગીતા એક પ્રકાશ છે. ગીતા એક ગુરૂ છે. ગીતાએ માતાનું ધાવણ છે. ગીતાએ વિષાદને પ્રસાદમાં રૂપાંતરિત કરનારી દયાળુ માતા છે. જ્યારે અર્જુનને યુદ્ધ માટે દ્વિધા થાય છે ત્યારે ગીતાનું શરણ તેને પ્રાપ્ત થાય છે. માટે ગીતા એ દ્વિધામાં શરણ આપનાર છે. જ્યારે કફોળી પરિસ્થિતિ આવે છે ત્યારે અહમને બાજુપર મૂકીને ઈશ્વરને શરણ કેવી રીતે જવું ? તે ગીતા દર્શાવે છે.
तदविद्दधि प्प्रणीपातेन परि प्रष्ने न सेवया।
ગીતા વ્યક્તિમાં રહેલા સ્વાભિમાનને જાગૃત કરે છે. જ્યારે જીવનનૈયા હાલક-ડોલક થાય છે ત્યારે ગીતા એક સહારો આપે છે. ગીતામાં કર્મનો સિદ્ધાંત વર્ણવ્યો છે. તે અદ્ભૂત છે. મનુષ્ય ને કર્મ કરવામાટે અને તે પણ નિષ્કામ કર્મ અને ફળની આશા રાખ્યા વિના નું કર્મ! અહા, કેટલું અદ્ભૂત! ગીતાએ શરણાગતિ નો ગ્રંથ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, બધું જ છોડીને એક મારી જ શરણે આવ. હું બધું જ સાંભળી લઈશ. આવાં શરણાગતિ સ્વીકાર નાર મીરાં અને નરસિંહ જેવાં કેટલાંય સંતોને આપણે જાણીએ છીએ. જેઓનું બધું જ ભગવાને સાંભળી લીધું હતું. તેમના ભક્તોની જીવન નૈયાનું સુકાન ભગવાને સાંભળી લીધું હતું. આ રીતે ગીતાએ દ્રઢ આસ્થા પેદા કરવાનું એક શસ્ત્ર અને શાસ્ત્ર છે.
આપણે સ્વયં આપણા ભાગ્ય વિધાતા છીએ.’ આપો દીપો ભવ’ આપણને ગીતા એ શીખવ્યું છે. મનુષ્ય તેમાંથી પરિશ્રમ કરવા પ્રેરાય છે. મનુષ્યમાં હું કરીશ શકીશ એવો આત્મ વિશ્વાસ પેદા થાય છે. ગીતાજીના પંદરમા અધ્યાયમાં ” ममैवांशो जिवलोके जीवभूत सनातन:” કહીને ગીતા આપણો આત્મ વિશ્વાસ વધારે છે. શ્રી ગીતાજી આપણને શ્રેય નો માર્ગ બતાવે છે. શ્રી ગીતાજીમાં શાંતિ પ્રાપ્તિના અનેક ઉપાયો છે. “अशांतस्य कृत सुखम।” શાંતિ વિનાના ને સુખ ક્યાંથી ? આમ શાંતિનું મહત્વ દર્શાવે છે. મનુષ્ય આત્મામાં જ પ્રીતિ વાળો આત્મામાં જ તૃપ્ત તથા સંતુષ્ટ રહે છે. તેને કંઈ જ કરવાનું રહેતું નથી.
આત્મ જ્ઞાન દ્વારા જ તેને પરમશાંતિની પ્રાપ્તિ થાય છે. ગીતામાં સંયમનું પણ મહત્વ દર્શાવાયું છે. ગીતા એ મનોવિજ્ઞાન પણ છે, જે મનને વશમાં કરતા શીખવે છે. એજ મન જે મનુષ્યને બંધનમાં પણ મૂકે છે. “मन: एवं मनुष्याणं करणम बंधमोक्षनात ।” મન એ જ મનુષ્ય ના બંધન અને મોક્ષનું કારણ છે. જે આપણને મનના માલિક બનવાનું શીખવે છે. ઇન્દ્રિય સંયમ શીખવી માણસને પરમાત્મ તરફ દ્રષ્ટિ રાખતાં શીખવે છે. શ્રી ગીતાજીને વિજયી ગ્રંથ પણ માનવામાં આવે છે. શ્રી ગીતાજીને સાથે રાખવાથી હંમેશા વિજય થાય છે. ગીતાજી નો સૌથી છેલ્લો શ્લોક છે, – “यत्र योगेश्वर: कृष्नो यत्र पार्थो धनुर्धर: । तत्र श्री विजयो भूतीरधूवा नितिर्मतीमम ।।”
ગીતાનો ઉપદેશ આપણા દૈનિક જીવનમાં અત્યંત ઉપયોગી છે. ગીતામાં જીવન જીવવાની ઉત્તમ કલા ઉપદેશી છે. મનુષ્ય જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન એક સાચા ગુરુ, મિત્ર, માર્ગદર્શક અને તત્વદર્શક તરીકે મળે છે. મહર્ષિ અરવિંદે કહ્યું છે કે,’ ગીતા એ અનંત રત્ન રાશિનો અતલ સમુદ્ર છે. એકાદ બે રત્નો મેળવી લેવાથી મનુષ્ય ધનવાન બની જાય છે. આ ટે્નોલોજીનાં યંત્ર જેવા યુગમાં માનવી જ્યારે અનેક સમસ્યાઓમાં ગૂંચવાયેલો હોય છે ત્યારે માનવીના તમામ પ્રશ્નોના સમાધાન માટે ગીતા એક દીવાદાંડીરૂપ છે. શ્રી ગીતાજીને વાંચ્યા પછી કોઇ સમસ્યા જ ન રહે. ગીતાજી ને વાંચી ને જીવવાની છે. જીવનમાં ડગલે ને પગલે એક અડીખમ સાચા સાથી તરીકે રહેતાં, મા શ્રી ગીતાજીના ચરણોમાં આજના પવિત્ર પર્વ ગીતા જયંતિ ના દિવસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છુ. વંદન કરું છુ.
– જાગૃતિ પંડ્યા (આણંદ)
