ગુજરાતમાં દારૂ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે

ગુજરાતમાં દારૂ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે
Spread the love

અમદાવાદ : વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીનો માહોલ હજુય જામતો નથી. ભાજપ-કોંગ્રેસ કયા મુદ્દે મતદારોને રિઝવી શકાય તે મામલે હજુ દ્વિધા અનુભવી રહ્યાં છે.અત્યાર સુધી પેટાચૂંટણીમાં પક્ષપલટુઓનો મુદ્દો છવાયો હતો. રૂા.16 કરોડમાં કોંગ્રેસના ધારાસભ્યો વેચાયાં છે તેવા આક્ષેપો થઇ રહ્યાં હતાં ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના નલિયામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં તેમાં ય રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ જયપુર રિસોર્ટમાં દારૂ પીને મોજમસ્તી કરી તેવુ નિવેદન કરતાં પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે.

કોંગ્રેસે પણ ભાજપ પર નિશાન તાકીને રાજકીય આક્ષેપ થકી વળતો પ્રહાર કર્યો છે. ટૂંકમાં,પેટાચૂંટણીમાં હવે દારૂના મામલે રાજનીતિ ગરમાઇ છે. કચ્છના નલિયાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટાચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યાં હતાં. કોંગ્રેસ પર નિશાન સાધી મુખ્યમંત્રી રૂપાણીએ એવા ચાબખા માર્યાં કે, કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોએ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વિમીંગ પુલમાં ધુબાકા માર્યા હતાં. હવે કોંગ્રેસ ચૂંટણી ટાણે મત માંગવા નિકળી છે.આ કારણોસર ગુજરાતની જનતાને કોંગ્રેસ પરથી ભરોસો ઉઠયો છે.

નલિયામાં જાહેરસભાના સંબોધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથે લેતાં એવા પ્રહારો કર્યા કે, આજે પ્રજાની સરકાર એટલે ભાજપની સરકાર. કોંગ્રેસમાં નેતૃત્વ જ નથી. ગુજરાતમાં જ નહીં, આખાય ભારતમાં કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસમાં જૂથવાદ અને આંતરિક ખેચતાણ ચરમસિમાએ છે. કોરોનાની મહામારી વખતે ભાજપના કાર્યકરો-સરકાર પ્રજાની સેવાના પડખે હતાં ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો જયપુર રિસોર્ટમાં સ્વિમીંગ પુલમાં દારૂ પીને ધુબાકા મારતાં હતાં તેવો આક્ષેપ કરતાં તેમણે એ વાતનો ય ઉલ્લેખ કર્યો કે, બનાસકાઠામાં પૂર આવ્યુ ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરમાં મોજ માણતા હતાં.

કોંગ્રેસને માત્ર મત માંગવામાં જ રસ છે. જ્ઞાાતિ-જાતિમાં વર્ગવિગ્રહ કરાવી રાજકીય સ્વાર્થ સાધવો એ જ કોંગ્રેસનુ કામ છે. પણ પ્રજા બધુ જાણે છે. રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, ગુજરાતનો ખેડૂત પાણી માટે વલખાં મારતો હતો ત્યારે કોંગ્રેસે 70 વર્ષ સુધી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાને લટકાવી રાખી હતી. સાત વર્ષ સુધી નર્મદા ડેમ પર દરવાજા લગાવવા ય મંજૂરી આપી નહી. પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાંને માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમના દરવાજા લગાડવા મંજૂરી આપી દીધી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રહારો કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવો વળતો પ્રહાર કર્યો કે, ગુજરાતમાં આજે ગાંધીના ગુજરાતમાં દારૂબંદી માત્ર કાગળ પર છે. ગુજરાતમાં આજે ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે તેના માટે જવાબદાર કોણ. મુખ્યમંત્રી તેનો જવાબ આપે. આજે દારૂના અડ્ડા-જુગારધામ પણ હપ્તાખોરીથી ચાલે છે. એટલું જ નહીં, બુટલેગરોના દારૂના હપ્તા છેક સીએમ કાર્યાલય સુધી પહોચે છે. પક્ષપલટા પછી પેટાચૂંટણીમાં દારૂના મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે આવ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ભાજપ સરકાર પર એવા પ્રહારો કર્યાં કે, આજે ગુજરાતમાં ગુંડારાજ છે.

બુટલેગરોથી માંડીને જમીન માફિયાઓ બેફામ બન્યાં છે. જમીનમાફિયા ખુલ્લેઆમ ફાયરિગ કરી રહ્યાંછે.ખંડણી ઉઘરાવી રહ્યાં છે. જમીન માફિયાઓ સાથે ભાજપના નેતાઓની જ ભાગીદારી છે. ચાવડાએ એવો ય ટોણો માર્યો કે, મુખ્યમંત્રી એ વાત નથી કરતાં કે, આજે ગુજરાતમાં ભાઉ અને ભઇ વચ્ચે રાજકીય લડાઇ જામી છે. હવે ગુજરાતમાં કોનુ ચાલશે. ભાઉનુ કે પછી ભાઇનુ. દારૂબંધીને લઇને ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, ગુજરાતમાં સરકાર હપ્તારાજમાં ઘેરાયેલી છે એટલે જ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જોકે, આજે બેરોજગાર યુવાઓ દારૂના બંધાણી બની રહ્યાં છે.

આજે ગાંધીના ગુજરાતમાં આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે તેના માટે જવાબદાર કોણ.. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટ્વિટ કરીને મુખ્યમંત્રી પોતાના શબ્દો પાછા ખેચે તેવી માંગ કરતાં કહ્યું કે, ઇસ્લામ ધર્મમાં દારૂને હરામ ગણવામાં આવે છે. આવી પ્રવૃતિથી અમે દુર રહીએ છીએ ત્યારે મુખ્યમંત્રીએ એવુ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો દારૂ પીને સ્વિમીંગ પુલમાં ધુબાકા માર્યા એ નિવેદનને વખોડુ છું.

content_image_0e32f879-f7a3-413a-ac0d-6ecf61089b40.jpg

Right Click Disabled!