સ્ટેમ્પ પેપરનું બોગસ ઈ-સ્ટેમ્પીંગ

સુરતના નવાગામ ડિંડોલીમાં સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ઓથોરાઈઝડ કલેક્શન સેન્ટરના સંચાલકે સ્ટેમ્પ પેપર વોટરમાર્ક વિના અને અસલ બારકોડની જેમ બારકોડનું ચિત્ર બનાવી વેચી સરકારને રેવન્યુની આવકમાં ચૂનો ચોપડી કૌભાંડ આચર્યું હતું. તપાસમાં અહીં 344 ઈ સ્ટેમ્પનો કોઈ હિસાબ મળ્યો ન હતો. આથી તેના વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્ટેમ્પ વેન્ડરની ધરપકડ કરી તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વીઆઈપી રોડ સનશાઈન રેસીડેન્સીમાં રહેતા 43 વર્ષીય રાજેશભાઈ મોહનલાલ નાયક રીંગરોડ જુની સબજેલની પાસે આવેલી સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં છેલ્લા પાંચ વર્ષથી ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીએ નવાગામ ડિંડોલી રામાયણ પાર્ક પહેલા માળે એફ/11 માં ઓફિસ ધરાવતા ઓથોરાઈઝડ કલેક્શન સેન્ટર લાયસન્સ ધારક પરેશકુમાર મધુકર મહાલે ( રહે.58, શિવહીરાનગર, નવાગામ ડિંડોલી, સુરત ) ને લાયસન્સ મેળવ્યા પછી 10 ઓક્ટોબર 2019 થી 16 સપ્ટેમ્બર 2020 દરમિયાન કુલ 3100 સિક્યુરિટી પેપર તેમની જરૂરિયાત મુજબ આપ્યા હતા. જયારે 16 સપ્ટેમ્બર 2020 ના રોજ 500 સિક્યુરિટી પેપર કુરિયર મારફતે મોકલ્યા હતા.
દરમિયાન, નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી અને મૂલ્યાંકન તંત્ર વિભાગ 1 સુરતને ઓથોરાઈઝડ કલેક્શન સેન્ટર લાયસન્સ ધારક પરેશકુમાર મધુકર મહાલેએ વેચેલા ઈ સ્ટેમ્પીંગ સર્ટિફિકેટ શંકાસ્પદ હોવાની હકીકત જાણવા મળી હતી અને ગેરરીતિ થયાનું બહાર આવ્યું હતું.આથી ઈ સ્ટેમ્પ ઈશ્યુ કરવાની કામગીરીમાં ગેરરીતિને પગલે તેમણે ઈ સ્ટેમ્પીંગનું પ્રિન્ટર, રજીસ્ટર, કોરા સ્ટેમ્પ પેપર વિગેરે કબ્જે કરાયા હતા અને સરકારને રેવન્યુની આવકમાં ચૂનો ચોપડી કૌભાંડ બદલ ઓથોરાઈઝડ કલેક્શન સેન્ટર લાયસન્સ ધારક પરેશકુમાર મધુકર મહાલે વિરુદ્ધ ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વધુ તપાસ પીઆઈ એચ.એમ.ચૌહાણ કરી રહ્યા છે. અસલ બારકોડની જેમ બારકોડનું ચિત્ર, ગુજરાત સરકારના માર્ક નીચે રખાયેલી જગ્યા અલગ પરેશકુમાર મહાલેએ વેચેલા ઈ સ્ટેમ્પીંગ સર્ટિફિકેટમાં વોટરમાર્ક અને બારકોડ ન હતા. પરંતુ અસલ બારકોડની જેમ બારકોડનું ચિત્ર બનાવ્યું હતું. ઉપરાંત, ગુજરાત સરકારના માર્કની નીચે રાખવામાં આવેલી જગ્યા પણ અલગ હતી. ઈ સ્ટેમ્પીંગ સર્ટિફિકેટમાં આવેલા બારકોડની ખરાઈ કરતા ખરાઈ થઈ શકી ન હતી.
આથી નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી અને મૂલ્યાંકન તંત્રએ સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના ડેપ્યુટી મેનેજર રાજેશભાઈ નાયકને જાણ કરતા તેમણે એરિયા મેનેજર નિશાંતકુમાર ભટ્ટ સાથે પરેશકુમાર મહાલેની ઓફિસે અચાનક તપાસ કરતા સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે આપેલા 3100 સિક્યોરિટી પેપરમાંથી 2489 સિસ્ટમમાં વપરાયેલા મળ્યા હતા અને સેન્ટરમાંથી 268 સિક્યોરિટી પેપર મળી આવ્યા હતા. પરંતુ 340 સિક્યોરિટી પેપર અને ત્રણ ખરીદેલા અને એક લખેલા ઈ સ્ટેમ્પનો કોઈ હિસાબ મળ્યો ન હતો.
