સર્કલ ઓફિસર ડામોર તેમજ ઓપરેટર દિલાવરે પણ લાંચ લીધી હતી

સર્કલ ઓફિસર ડામોર તેમજ ઓપરેટર દિલાવરે પણ લાંચ લીધી હતી
Spread the love

વડોદરા, પાદરા મામલતદાર કચેરીમાં વિવિધ કામો માટે છેક ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર થતો હોવાની વિગતો બહાર આવી છે. મામલતદાર અને નાયબ મામલતદાર રૃા.૧ લાખની લાંચ લેતા જે કામ માટે ઝડપાયા તે જ કામ માટે અગાઉ પાદરાના સર્કલ ઓફિસર તેમજ ઓપરેટરે રૃા.૪૦ હજાર લીધા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવે માટે પાદરા તાલુકાના સાદડથી આમળા સુધીના ત્રણ કિ.મી. સુધીના હાઇવે પર માટી નાંખવાનો કોન્ટ્રાક્ટ અંજેસરના કોન્ટ્રાક્ટરે લીધો હતો.

કોન્ટ્રાક્ટરે ખાણખનીજખાતાને માટી કામ માટે બે ફાઇલ સાથે અરજી કરી હતી જેથી ખાણખનીજખાતાએ માટી કામ માટે પાદરા મામલતદાર કચેરીને બે ફાઇલ અભિપ્રાય માટે મોકલી હતી. આ અભિપ્રાય આપવા માટે માટીના કોન્ટ્રાક્ટર પાસે મામલતદાર ગલા દલાભાઇ બારીયા અને નાયબ મામલતદાર કમજી જીવાભાઇ પારઘી રૃા.૧ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

એસીબીની તપાસમાં એવી વિગત બહાર આવી છે કે માટી કામ માટે ખાણખનીજખાતા માટે અભિપ્રાય તૈયાર કરવા પાદરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ડામોર અને કોમ્પ્યુટર ઓપરેટર દીલાવરે પોતાના બંનેના વ્યવહાર પેટે રૃા.૪૦ હજાર અગાઉ લીધા હતા અને બાકીના કામ માટે બંનેએ મામલતદાર અને નાયબ મામલતદારને મળવાનું કહ્યું હતું. માટીનો કોન્ટ્રાક્ટર જ્યારે નાયબ મામલતદાર પારઘીને મળ્યો ત્યારે તેણે સાહેબ અને પોતાના માટે રૃા.૧.૫ લાખની માંગણી કરી હતી. અને છેલ્લે રૃા.૧ લાખ આપવા તેવું નક્કી થયું હતું.

દરમિયાન મામલતદાર બારીયાના હાલના પાદરામાં તાજપુર રોડ પર આવેલી અરીહંત સોસાયટીના નિવાસસ્થાન અને મૂળ વતન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે એસીબીની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત નાયબ મામલતદાર પારઘીના વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં પુષ્ટીદ્વાર સોસાયટી ખાતેના નિવાસસ્થાન તેમજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વાડોદર ખેડાપા ગામે વતનના ઘેર પણ તપાસ હાથ ધરાઇ હતી. એસીબી દ્વારા આ લાંચ કેસમાં અન્ય કોઇ વ્યક્તિની સંડોવણી છે કે નહી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

9_1602590358.jpg

Right Click Disabled!