જી. જી. હોસ્પિટલમાં પંખા બંધ હાલતમાં, દર્દીઓને હાલાકી

જામનગરની જી.જી. હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે ત્યારે આ હોસ્પિટલમાં સુવિધા ઓછી અને દુવિધા વધુ જોવા મળી રહી છે, તેમાં એક્સરે વિભાગમાં ઘણા સમયથી પંખા બંધ હોવાથી દર્દી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં જી.જી. હોસ્પિટલમાં અનેક નાના-મોટા શહેરોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે.
પરંતુ ડોક્ટર પ્રશાસનની નબળી કામગીરી અનેક વખત જોવા મળતી હોય છે અને તેનો સામનો બહાર ગામથી આવતા દર્દીઓને કરવો પડતો હોય છે. જેમાં છેલ્લા લાંબા સમયથી એક્સરે વિભાગના પંખા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ એકસરે વિભાગમાં સવારથી રાત દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓની કતારો જોવા મળતી હોય છે અને ખાસ કરીને હાલ ગરમીની ઋતુ ચાલતી હોવાથી દર્દી અને સગા-સબંધીઓને પંખા બંધ હોવાથી ગરમીનો સામનો કરવો પડતો હોવાથી તંત્ર સામે રોષની લાગણી જન્મી છે.
– રોહિત મેરાણી (જામનગર)
