રાજકોટમાં હર્બલ જ્યુસના કૌભાંડનો પર્દાફાશ

દેશભરમાં કોવિડ-૧૯નો કહેર ફેલાયો છે તે કારણે લોકોમાં મહામારી પ્રત્યેના ડરનો લાભ ઉઠાવી નામે છેતરામણી-ભ્રામક વાતોથી સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરીને લોકોના ખિસ્સા ખંખેરવાનું ચકચારી કૌભાંડ રાજકોટમાં બહાર આવ્યું છે. રાજકોટ મનપાના ફૂડ વિભાગ દવારા ગોંડલરોડ પર મારૂતિ ઈન્ડ.એરિયામાં ”રૂટ્સબેરી કોન્સેપ્ટ પ્રા.લિ.”ના નામે જયેશ બી.રાદડીયા દ્વારા જુદી જુદી હર્બલ, કોસ્મેટીક, આયુર્વેદિક અને કેમીકલ પ્રોડક્ટ્સના ઉત્પાદન અને પેકિંજીંગ યુનિટ પર ચેકીંગ હાથ ધરતા ઈમ્યુનિટી માટે હર્બલ જ્યુસ સહિતની વસ્તુનુ મંજુરી વગર કે ધારા ધોરણો વગર ગેરકાયદે ઉત્પાદન થતું હોવાનું બહાર આવ્યું છે.
મનપાએ આ સ્થળેથી ૮ લાખનો માલ કબજે કર્યો છે અને થોડા મહિનામાં જ બજારમાં વેચાઈ ગયેલી આશરે રૂ।.૨૮ લાખની આ બોગસ પ્રોડક્ટ્સ પરત લઈ લેવા મનપાએ આદેશ કર્યો છે. મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ, ફૂડ ડેઝીગ્ન્ટેડ ઓફિસર અમિત પંચાલે જણાવ્યું કે કોરોનાના નામે લોકોમાં ભ્રમણા સર્જાય તે રીતે કોવિડ નાઈન્ટીનને બદલે ગોવિંદ નાઈન્ટીન જેવા શબ્દ પ્રયોગ કરીને પોતાનું નામ જયેશભાઈ રાદડીયા, ડાયરેક્ટર કહીને લોકો કોરોનાથી બચવા પ્રોડક્ટ ખરીદવા લલચાય તેવા કારસાની ગંધ આવતા અને આ વાતો સોશ્યલ મિડીયામાં વાયરલ થતી હોય રૂટ્સબેરી કન્સેપ્ટ નામના આ ઉત્પાદન-પેકિંગ યુનિટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જ્યાં કોઈ પણ પ્રકારના ફૂડ લાયસન્સ, ડ્રગ લાયસન્સ કે રજીસ્ટ્રેશન લીધા વગર જ હર્બલ, આયુર્વેદિક, કોસ્મેટીક અને કેમીકલ પ્રોડક્ટનું ઉત્પાદન થતું નજરે પડયું હતું. જે અન્વયે સ્થળ ઉપરથી ગોવિંદ-૯૦ ઈમ્યુસ્ટ હર્બલ જ્યુસ ૧૫ મિ.લિ.પેકની ૭.૯૬ લાખની કિંમતની ૧૩૦૦ બોટલ તથા રૂટ્સ બેરી ફેમી રૂટ્સ-૩૦ વુમન હેલ્થ એન્ડ ન્યુટ્રી ડ્રિંકના ૨૦૦ ગ્રામના પેકના કૂલ ૬૫ જાર જેની અંદાજિત કિંમત ૩૫,૭૫૦નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્ય છે.તેમજ આ બન્ને પ્રોડક્ટના નમુના લઈને લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલાયા છે.
