પશ્ચિમ રેલવેમાં ગેરકાયદે ટિકિટ વેચાણના કૌભાંડનો પર્દાફાશ

પશ્ચિમ રેલવેમાં ગેરકાયદે ટિકિટ વેચાણના કૌભાંડનો પર્દાફાશ
Spread the love

અમદાવાદ : બોગસ સોફ્ટવેર અને આઇડીની મદદથી ટ્રેનોની ટિકિટ બુક કરાવીને મુસાફરોને ગેરકાયદે અને વધુ કિંમત વસુલીને બારોબાર ટિકિટ આપી દેવાના કૌભાંડનો વધુ એકવાર પર્દાફાશ થયો છે. જેમાં આરપીએફની ટીમ દ્વારા પશ્ચિમ રેલવેમાં જુલાઇથી સપ્ટેમ્બર માસ દરમિયાન સ્પેશિયલ ડ્રાઇવ યોજીને ૮૭ લાખની કિંમતની ૫,૫૪૭ ઇ-ટિકિટ ઝડપી પડાઇ હતી. આ કેસમા ંએજન્ટો સહિત ૩૧૫ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ સમગ્ર કૌભાંડ અંગે પશ્ચિમ રેલવેના પીઆરઓ સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે જુલાઇથી સપ્ટેમ્બરના ૩ માસમાં ૫,૫૪૭ ઇ-ટિકિટ જેની કિંમત ૮૭.૫૫ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવી છે. આરપીએફની સ્પેશિયલ ડ્રાઇવમાં આ અંગેના કુલ ૨૯૮ કેસ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૩૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૫૦.૧૬ લાખની ૨,૦૯૯ ટિકિટ જપ્ત કરાઇ હતી.જેમાં ૧૪૬ કેસમાં ૧૭૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે આ પ્રકારના કેસમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે.

નોંધપાત્ર છે કે તાજેતરમાં અમદાવાદ વિબાગમાં ગોરખપુર-અમદાવાદ અને મુઝફ્ફરપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનમાંથી પણ ૫૫૦ મુસાફરો સિનિયર સિટિઝન અને તત્કાલિક ટિકિટના ક્વોટામાં ખોટી રીતે મુસાફરી કરતા ઝડપાયા હતા. જેમાં પણ ૬ લાખથી વધુનો દંડ ફટકારાયો હતો. આરપીએફની ડિટેક્ટીવ વિંગ, ક્રાઇમ બ્રાંચ અને સાઇબર સેલને ઉંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યા મુજબ આ પ્રકારે ઇ-ટિકિટ બુક કરવા માટે રિયલ મેંગો જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આમાં કેટલાક ઓથોરાઇઝ્ડ એજન્ટોની પણ મિલિભગત હોવાનું જાણવા મળ્યું છે. નિર્દોષ મુસાફરોને છેતરીને તેઓની પાસેથી વધારાના પૈસા પડાવી લેવામાં આવતા હતા. નોંધપાત્ર છે કે સામાન્ય લોકોને ટ્રેનોની રિઝર્વ ટિકિટો મળતી નથી તેથી તેઓએ નાછૂટકે લેભાગુ તત્વોનો સહારો લેવો પડે છે. જેઓ બોગસ સોફ્ટવેરોની મદદથી બોગસ આઇડી બનાવીને ગણતરીની મિનિટોમાં ટિકિટ બુક કરાવીને બારોબાર વેચી મારે છે.

રેલવેની મર્યાદાઓ અને મુસાફરોની લાચારીનો લાભ ઉઠાવીને એજન્ટો આ કારોબાર ચલાવી રહ્યા છે. કરોડો રૂપિયાના આ કૌભાંડ સામે રેલવેતંત્ર માત્ર સમયાંતરે દરોડા પાડીને મદ્દામાલ જપ્ત કરવા અને કેટલીક અટકાયતો કરી કેસ નોંધવા સુધીની કામગીરી કરીને જ સંતોષ માને છે પરંતુ કાયમી ઉકેલ લાવવામાં તેને રસ ન હોવાનો આક્ષેપ મુસાફરો કરી રહ્યા છે.

content_image_22ff6ebd-f473-4ca4-b046-0759252ace79.jpg

Right Click Disabled!