બહુચરાજીમાં આજે ભક્તો વિના “મા બહુચર”ની પલ્લી ભરાશે

બહુચરાજીમાં દર વર્ષે મા બહુચરના ધામમાં નવરાત્રિમાં ઉજવાતા ધાર્મિક કાર્યક્રમો પૈકી દુર્ગાષ્ટમીએ રાત્રે 9 વાગે નીકળતી માતાજીની શોભાયાત્રા, દશેરાના દિવસે સાંજના 3 વાગે શમીવૃક્ષ પૂજન માટે નીકળતી શોભાયાત્રા તેમજ આસો સુદ પૂનમની રાત્રે 9-30 વાગે નીજમંદિરથી શંખલપુર ગામે જતી માતાજીની શોભાયાત્રા નહીં કાઢવાનો નિર્ણય બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરાયો છે.
જોકે, દર વર્ષે દુર્ગાષ્ટમીની રાત્રે માતાજી સન્મુખ ભરાતી પલ્લીની પરંપરા જીવંત રખાઇ છે, પરંતુ દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ મુકાતાં શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પૂજારી, મંદિર સ્ટાફ અને યજમાનની હાજરીમાં શનિવારે રાત્રે 12 વાગે માતાજીની પલ્લી ભરવામાં આવશે.
