કડીના ધોરીયા ગામની ઘટના : કંકાસથી ત્રાસીને મહિલાએ નાના પુત્ર સાથે મોતને કર્યું વહાલું

કડી તાલુકાના ધોરીયા ગામની પરિણીતાએ ઘરમાં ચાલતા કૌટુંબિક ઝઘડા અને ઘર કંકાસ થી ત્રાસીને તેના નાના છ વર્ષના પુત્રને લઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ગાંધીનગર જિલ્લાના જામડા ગામની પરિણીતા ના આઠ વર્ષ પૂર્વે કડી તાલુકાના ધોરીયા ગામના ઠાકોર શાંતુજી જોરાજી સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા.યુવતી આંખોમાં શમણાં લઈ સાસરી ધોરીયા આવ્યા બાદ થોડો સમય ઘર સંસાર વ્યવસ્થિત ચાલ્યા બાદ ઘરમાં ઝઘડા ચાલુ થયા હતા.પરિણીતા ઘરના ઝઘડા થી કંટાળીને તેના નાના છ વર્ષના પુત્ર આર્યન ને લઈને પિયર જામડા જતી રહી હતી.
જેને તેણીનીનો પતિ 20 દિવસ પૂર્વે જ સમાધાન કરી ધોરીયા ખાતે લઈ આવ્યો હતો.શાંતુજી ઠાકોર કંડકટર તરીકે કામ કરતો હોવાથી મંગળવાર સાંજે નોકરી ઉપર ગયો હતો અને બુધવાર સવારે 10 વાગ્યા ની આસપાસ ઘેર આવ્યો ત્યારે પરિણીતા અને પુત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા કુટુંબીજનોને બોલાવી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને હાજર ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા.મહિલાના સાંસારિક જીવન ઘણા સમયથી ચાલતી તકરાર ને પગલે મહિલાએ પુત્રને સાથે લઈ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા પરિવારજનોની હાલત કફોડી જોવા મળી રહી હતી. સમગ્ર ઘટનાને કડી પોલીસે ગંભીરતાથી લઈ તપાસ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
